Sunday, September 21, 2025

શ્રદ્ધાવાનમ્ લભતે (૪)

શ્રદ્ધાવાનમ્ લભતે (૪)


મારા માતા પિતા ખેમાભા અને પૂંજીબાને ૧૯૫૩ની સાલનું વર્ષ કરૂણ રહ્યું. રુદન અને વેદનાઓથી ભરપૂર પરંતુ તેમાં એક અમી ઝરણું પણ વહ્યું. 

માર્ચ એપ્રિલના તાપનો ચૈત્ર મહિનો હશે. રૂપાળો વિઠ્ઠલ ઘોડિયામાં સૂતો છે. એકાએક તેનાથી ત્રણેક વર્ષ મોટા માવજીને તાવ આવતો હતો તે મરી ગયો. હજી તેને સ્મશાનમાં ભંડારી ઘેર પાછા આવ્યા ત્યાં તો ઘોડિયામાં પોઢેલાં વિઠ્ઠલને અચાનક આંચકી આવી ઊથલો આવ્યો અને તે ઘોડિયામાં જ મરી ગયો. એક દિવસમાં બે દીકરાના મરણથી માથે આભ ફાટ્યું. શ્રીકૃષ્ણની ભક્તિમાં દિવાના દંપતીએ તેમનાં પુત્રોના નામ માવજી અને વિઠ્ઠલ શ્રીકૃષ્ણના નામ પરથી જ પાડ્યાં હતાં. ત્રીજ પુત્ર ગાંડાનું ત્યારે છઠ્ઠું વર્ષ. હજી નિશાળે નહોતો મૂક્યો. તેને માતા પર બહું ભારે હેત. માતાને મજૂરી કરતી જોઈ તેનું બાળ હ્રદય વેદના અનુભવતું. બાને કહેતો મને મોટો થવા દે હું તારાં બધાં કામ કરી લઈશ. તું દુઃખી ના થતી. પરંતુ કરમની કઠણાઈ કે લાઈનમાં રહેતાં ઈશ્વરિયાએ કૂતરાને મારવાં બાવળનું ફાચરું છૂટું માર્યું અને તે નજીકમાં ઊભેલાં ગાંડાને વાગી ગયું. ઘા પડ્યો, લોહી વહ્યું. કંઈક ઊંટવૈદ્યુ કર્યું હશે. ઘા ન રૂઝાયો અને ધનુર ઉપડ્યું અને ડાહ્યો ડમરો માતૃભક્ત ગાંડો પ્રભુ શરણ થઈ ગયો. એક સાથે ત્રણ પુત્રોના કમોત ક્યાં માતા પિતા સહન કરી શકે?

મારી બાને તેમના ગુરૂ પિતા મૂળદાસે દુઃખમાં દિલાસો આપવાં વલ્લભ રચિત બે પુસ્તકો આપેલાં. એક શ્રીમદ્ ભાગવત અને બીજું મહાભારત. દર વર્ષે શ્રાવણમાં મારી બા ઉપવાસ કરે અને ભાગવતનું વાંચન કરે. મારા પિતાથી ઉપવાસ થાય નહીં તેથી મહાભારતનું સમૂહ વાંચન રાખે. પહેલી પાળીમાં બપોરે સાડા ત્રણે મિલમાંથી છૂટી ઘેર આવે એટલે ચારેક વાગે મહાભારતની વૈશંપાયન એણી પેરે બોલ્યાં સુણ જનમેજય રાય, વિસ્તારી તુજને સંભળાવું કથાતણો મહિમાય .. શરૂ થઈ જાય અને વાર્તાનો તંતુ ગઈ કાલે જ્યાં અટક્યો હોય ત્યાંથી આગળ વધે. વચ્ચે બ્રેક પડે એટલે ચા-પાણી થાય. કેટલાક કથારસ માટે આવે અને કેટલાક ચા-બીડી રસ માટે. રજાના દિવસે સવારે બેઠક જામે. 

પરંતુ ૧૯૫૩નું આ વર્ષ ત્રણ દીકરા તેમની હાથમાંથી છીનવી લઈ ગયું હતું. ખેમાભા અને પૂંજીબાના હદય વેદનાઓથી ભરેલાં હતાં. મિલ બંધ અને આવકમાં પીઠામાં લાકડાં ફાડવાં અને ભારા માથે ઉઠાવી ખરીદનારને ઘેર બે ત્રણ કિલોમીટર મૂકી આવવાની મજૂરી. એક રૂમની ઓરડી, પતરાંની છત અને ખુલ્લી ઓસરીમાં ધણીધણિયાણી વિલાપ કરતાં કરતાં તેમના કૃષ્ણ કનૈયાંને સંભારે. હે વાલુડાં તું ક્યાં ગયો? અમારી સંભાળ લેવાં આવને ભુદરાં. મારા બાપા શામળિયાલાલ શામળિયાલાલ ભજ્યા કરે. 

શ્રાવણનો મહિનો છે. ૩૧ ઓગસ્ટ સોમવારે જન્માષ્ટમી આવવાને હજી ત્રણ દિવસની વાર છે. આજે ૨૮ જુલાઈ ૧૯૫૩ને શુક્રવાર છે. બપોરના ત્રણ આસપાસનો સમય છે. પૂંજીબાને શ્રાવણનો ઉપવાસ છે. કરૂણ વદને કનૈયાને તે ભક્તિભાવથી સંભારે છે અને ખેમાભા લમણે હાથ દઈ દુઃખના દહાડા ક્યારે જશે તેની ચિંતામાં છે. શ્રાવણના સળવળિયાં, ધીમો ઝરમર મેઘ વરસી રહ્યો છે. અચાનક સફેદ વસ્ત્રો પહેરેલ એક ઊંચો પડછંદ બાવો ઘર સામે આવી ઊભો અને કહે બચ્ચા અલખ નિરંજન. બંને પતિ પત્ની હડફ કરીને ઊભા થઈ ગયાં અને બે હાથ જોડી નમન કર્યાં. બચ્ચા ચાય પિલાયેગા? પૂંજીબાએ ચૂલો પેટાવ્યો અને ચાની તપેલી મૂકી. દૂધ લઈ આવ્યાં. ગરમા ગરમ ચા બનાવી બાવાજીને પિત્તળના ગ્લાસમાં ચા આપી. બાવો એક જ ઘૂંટમાં ગરમ ચા ગટગટાવી ગયાં. ખેમાભાને અચરજ થયું. માનો ન માનો આ કોઈ દેવ પુરૂષ લાગે છે. તેમણે તરત પૂછયું બાપુ બીજી શી સેવા કરું? એક વસ્ત્ર લેશો? બચ્ચા તુજે આજ નહીં મિલેગા. મારા બાપા કહે, ના શું મળે? આ ગયો અને આવ્યો. 

તે તો બાવાજીને ઘેર બેસાડી લાંબી ફલાંગ ભરતાં ભરતાં પહોંચી ગયા કામદાર મેદાન ધોળકા મિલના નાકે અંબાલાલની કપડાંની દુકાને. પરંતુ આજે શુક્રવારની રજા હતી તેથી દુકાન બંધ તેથી ખાલી હાથે ઘેર પાછા આવ્યા. બાવા બોલ્યાં, મૈને કહા થા ન બચ્ચા કે તુજે આજ નહીં મિલેગા. પરંતુ હાર માને તે ખેમાભા નહીં. તરત યાદ આવ્યું. ખાદી મંદિરમાંથી લાવેલો એક ખાદીનો ન્હાવાનો ટુવાલ હજી વાપરવા ખોલ્યો નહોતો. ઘરમાં જઈ ખાદીનો ટુવાલ લઈ આવ્યાં અને બાવાજીને ઓઢાડી દીધો. બાવાજી બંનેના ભક્તિભાવથી પ્રસન્ન થયાં અને આશીર્વાદ આપ્યાં, બેટાં તુમ દુખી મત હો. સબ અચ્છા હો જાયેગા. ઈશ્વર તુમ પર કૃપા કરેગા. એટલું કહી બાવાજી અમારી ઓરડીની બાજુ નરવેલાં તરફ વળ્યાં. 

ખેમાભાને અચાનક મનમાં સવાલો શરૂ થયાં, આ બાવાજી પહેલીવાર જોયાં. કોણ હશે? વરસાદ હતો છતાં તેમનાં કપડાં કેમ કોરાં? આટલી ગરમ ચા એક ઘૂંટમાં કેવી રીતે પી ગયા? તેમને કેમ ખબર કે હું દુકાનથી ખાલી હાથે પાછો આવીશ? હિંદી બોલે છે એટલે બહારના હશે. તેઓ તો દોડ્યા બાવાને શોધવાં. પરંતુ આ શું? ન પાછળની લાઈનમાં, ન ચોગાનમાં, ન બહાર જવાની ગલીમાં. દોડી દોડી આખી ચાલી અને બહારનો રોડ ખૂંદી વળ્યાં પરંતુ બાવાજી ન મળ્યાં. તેમના પૂર્ણ ભરોસો થઈ ગયો કે ભગવાન શ્રીકૃષ્ણ સદેહે આવી તેમને આશીર્વાદ આપી અંતર્દ્યાન થઈ ગયાં. તે સોમવારે આવેલી જન્માષ્ટમી તેઓએ પૂરાં ભક્તિભાવથી ઉજવી. દુઃખ હળવું થયું, નવી આશાઓ બંધાઈ અને મન ડિપ્રેશનમાંથી બહાર આવ્યા. ચાલીના ચોગાનમાં મહિલાવૃંદ ગોળ કોરસમાં ગાઈ રહ્યું હતું પડવે સુખડિયા મહાદેવ, બીજે કહું છું બીજી વાત કે ગોકુળ આવજો રે મહારાજ. 

એ સમય હતો જ્યારે માતાને પહેરવા એક સાડી અને રોજનું કમાઈ રોજ ખાવાનું. એકવાર ઘરમાં અનાજ નહીં એટલે પિતાએ કાંસાની તાંસળી ફોડી ઘર ચલાવેલું. મેં આગળના વર્ષોમાં પિતાને પૂછયું હતું કે તમે તાંસળી તોડીને વેચી તેના કરતાં આખી વેચી હોત તો વધુ નાણાં મળત. તે કહે આખી વેચત તો એકાદ રૂપિયો વધારે મળત પરંતુ મારી આબરૂ જાત તે ક્યારેય પાછી ન આવત. વિચારો અને આત્મ સન્માનની અદ્ભુત સાવધાની! 

બાવાજીના આશીર્વાદ પછી પરિસ્થિતિએ ચાર-છ મહિનામાં જ પલટો લીધો. ફેબ્રુઆરી ૧૯૫૪માં મારી બાએ ગર્ભ ધર્યો. જુલાઈ ૧૯૫૪માં ધોળકા મિલ ચાલુ થઈ ગઈ. ઓક્ટોબર ૧૯૫૪માં ખેમાભા મજૂર મહાજનના મેમ્બર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં અને નવેમ્બરની ૧૪મી એ પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિવસે ખેમાભાને ખોરડે પૂંજીબાએ પુત્ર રત્નને જન્મ આપ્યો. નંદઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી. બાળક શ્રીકૃષ્ણની કૃપાથી જન્મ્યો અને નામ રાશિ પણ આવી મિથુન એટલે નામ પાડ્યું કનૈયો- કનુ. ૧૯૫૪માં કનુભાઈના જન્મ પછી છ વર્ષે ૧૯૬૦માં પૂનમ અને તેના છ વર્ષ પછી ૧૯૬૬માં રામાપીરની બાધાની આવી બહેન રમિલા. 

પૂંજીબાએ નવા ઉત્સાહથી ચાની કીટલી શરૂ કરી. એક રકાબી ચાના બે પૈસા અને મોટો કપ જેમાં ચાર રકાબી ચા આવે તેનો એક આનો (૬ પૈસા). મોટો પુત્ર જીવણ ચા આપવાના ફેરા કરવામાં થાકી જાય તેથી રાત્રે ઊંઘે ત્યારે પગમાં કળતરની પિતાને ફરિયાદ કરે. પિતા સાંભળે, અને તેમની આંખો ભીની થાય, પરંતુ કર્મની કઠણાઈ સહન કરવી જ રહી. વહુ આવે તો સાસુને ટેકો મળે. તેથી ૧૯૬૦ના ફેબ્રુઆરી મહિનામાં જીવણભાઈ માટે કુળદેવીની રમેલ કરી તેમનાં બાજુના ગામ મેમદપુરમાં રઈબેન સંગ લગ્ન કર્યાં. તેમને છઠ્ઠા ધોરણમાંથી ઉઠાવી પહેલાં બદલીવાળા તરીકે અમે પછી પુખ્ત ઉંમરે પહોંચતાં ૧૯૬૨માં મિલ કામદાર તરીકે દાખલ કરી દીધાં. 

ઘરમાં હવે બે પગારની આવક ચાલુ થતાં, પિતાજીએ ૧૯૬૪માં વીજળી કનેક્શન લીધું અને ૧૯૬૫માં બોસનો એક રેડિયો ખરીદ્યો. તેનાથી સવારે આવતાં પ્રાચીન ભજનોના કાર્યક્રમ “વંદના” એ ઘરની ઓરા બદલી નાખી. મારી સવાર એ બોધ વાર્તાલાપ અને ભજનોથી સોનેરી બનતી. પિતા પણ ભજન રસ પીને કામે જતાં. મારો વચેટભાઈ મોટો થઈ મિલમાંથી આવે એટલે ઓલ ઈન્ડિયા રેડિયોના ફિલ્મી ગીતો અને દર બુધવારે રાત્રે બિનાકા ગીતમાલોનો રસિયો. અમીન સયાનીનો અવાજ અને તેની ગીતોની રજૂઆત મન આહલાદિત કરી દેતી. મને રેડિયોના ભજનો, લોકગીતો, ક્રિકેટ કોમેન્ટ્રી અને પછીથી બીબીસી સમાચાર સાંભળવાની મજા પડતી. 

પિતાજી ખાદી મંદિર પાનકોર નાકાથી ખાદી વસ્ત્ર લાવી વેચાણ ફેરી કરતાં અને તે બચતમાંથી તેમણે ૧૯૬૬માં ગામડે પાટલા ઈંટો અને વિલાયતી નળિયાંનું પાકું ઘર બંધાવ્યું. ૧૯૬૯માં કનુભાઈને નબળા ભણતરને કારણે નવમા ધોરણમાંથી ઉઠાવી લીધા અને મિલમાં કામદાર તરીકે જોડી દીધા. ઘરમાં હવે મહિને ત્રણ પગારની આવક ચાલુ થઈ. મારા ભાભીઓ અને હું સીમેન્ટની થેલીઓ લાવી સીવતાં તેથી ઘર ખર્ચની છૂટી આવક તેમાંથી નીકળતી. ઘરની આવક વધી એટલે ભોજનની અછત ઓછી થઈ. ખેમાભાએ મોટા દિકરા જીવણભાઈ માટે એક નવી હર્ક્યુલસ સાયકલ ખરીદી અને પોતાના માટે સેન્ડો ઘડિયાળ. તે વખતની કાંડા ઘડિયાળઓમાં રોજ સવારે ચાવી ભરવી પડતી. એકવાર લાવીએ એટલે પચીસ વરસ ચાલતી. પછી ઘરમાં એક લોલકવાળી ઘડિયાળ આવી. તેને એવી રીતે ટાંગી કે લાઈન આખી આવે અને સમય જોઈ જાય. ઘેર વીજળી, રેડિયો, સાયકલ, કાંડે ઘડિયાળ અને દિવાલે લટકતી લોલકવાળી ઘડિયાળ લક્ઝરી ગણાતી. 

મારા દાદી સુંદરબા વારાફરતી તેમના અમદાવાદ રહેતા ત્રણ દીકરીઓને ત્યાં ચાર ચાર મહિના રહેતાં. ૧૯૭૧માં તેમનો છેલ્લો વારો અમારે ત્યાં આવ્યો અને તે લાંબો ચાલ્યો. તેઓની ઉંમર તે વખતે ૮૫થી ઉપર. શરીર કૃશ અને માનસિક ભાન સામાન્ય. તેઓ ૧૯૭૨ના શિયાળામાં બિમાર પડયા અને તે વર્ષે મહા વદ બીજને મંગળવારની રાત્રે સ્વધામ ગયા. પરંતુ તેમની ચાકરી કરવાનો અમને જે મોકો મળ્યો તેમાં તેમની આંતરડી ઠરી અને તેમણે આપેલા આશીર્વાદે તો જાણે બધું જ બદલી દીધું. અમારી રો-હાઉસ ઓરડી પચ્છિમાભિમુખ. દાદીના અવસાન પછી તરત જ અમારી પાછળની ઓરડી વેચાણની ₹૨૭૦૦માં ઓફર આવી. બાએ તેની ખાનગી બચતમાંથી ઓરડી ખરીદવાના નાણાં ગણી દીધા. બે ઓરડી વચ્ચેનો બંધ દરવાજો ખૂલ્યો અને જાણે પૂર્વ દિશા ખુલવાથી ભાગ્યોદય થયો હોય તેમ ભાગ્યના દ્વાર ખુલી ગયા. બે રૂમ અને બે ઓસરીની બનેલું અમારું એ ૪૨ ફૂટ લાંબુ રો હાઉસ ચાલીઓમાં સૌથી મોટું હતું. જાણે વાસ્તુ સુધર્યું અને ઘરનાં દુઃખ દરિદ્ર જતાં રહ્યાં. જીવન ઉંચાઇ પકડવા લાગ્યું. પિતા અને બે ભાઈઓ કામ કરતાં હતાં તેથી મારે માટે ભણતરનો માર્ગ મોકળો થયો. ભણવામાં હોંશિયાર તેથી પિતાજીએ મારા શિક્ષણને ખલેલ ન પહોંચાડી. 

હું તો સાત વર્ષનો થયો ત્યારથી જ કામે લાગ્યો હતો. ઘરનાં ટાંપા કરવાં, બાને પીઠામાં લાકડાં ઉપાડવા અને ગોઠવવામાં મદદ કરતો.

એક વાર મને લાકડાના પીઠામાં લાકડા ઉપાડવાની મંજૂરીનો ભાગ સાત પૈસા મળ્યો. એક તગડું અને બે બે-બે પૈસા. તેમાંથી બે પૈસાનો એક સિક્કો ત્યાં પીઠાની માટીમાં પડી ગયો. મેં શોધ્યો પરંતુ માટી વધારે તેથી ન મળ્યો. હુ ત્યારે માંડ સાત વર્ષનો. મારી બાએ મને પાછો મોકલ્યો. જ્યાં પૈસો પડી ગયો હતો ત્યાં માટીની સાત ઢગલીઓ કરાવી, એક એક ઢગલીના ઝીણવટપૂર્વક શોધાવી. એ બે પૈસા શોધ્યા અને જડ્યા ત્યારે મજૂરીની કિંમત અને બે પૈસાનું મૂલ્ય સમજાયું. 

મિલમાં ટિફિન આપવા જવું, રિસેશ પહેલાં ભાઈ જમી લે એટલે થ્રોસલનો સંચામાં ચાલુ સંચે દોરો લગાડતા શીખી ભાઈને જમવા છોડાવવા, વેકેશનમાં મિલમાં કામે જવું, ઘેર દરરોજ સીમેન્ટના થેલાં ફાડવાં અને સીવવા વગેરે કામ કરી લેતો. ઘરનાં જનરલ કામ જેવાં કે લાકડાં ફાડવા, ભૂસાની સગડી ભરવી, રંગકામ, સુથારીકામ, કડિયાકામ, વાયરમેન, વગેરે બધું કરી લેતો. મને કામ શીખવાનો અને તેનો તર્ક સમજવાનો આનંદ આવતો. બા મારી આઉટડોર રમતો રમવા ન દે, સાયકલ શીખવા ન દે એટલે ચાલીની ઇન્ડોર રમાતી પત્તાની રમી રમતમાં હું પાવરધો  થઈ ગયેલો. પરંતુ તેનો ઉપયોગ આનંદ અને જીતવાના દાવપેચ શીખવા માટે જ રાખ્યો. મને કદીપણ જુગાર તરીકે રમવાની ઈચ્છા ન જ થઈ. ૧૯૭૯માં મને સરકારી નોકરી મળતાં ઘરમાં ચોથો પગાર ચાલુ થયો. ઘરની ગરીબી ગઈ અને ઉજ્જવળ ભવિષ્યનો દરવાજો ખુલ્લો થયો. 

આર્ત હ્રદયનો પોકાર અને દૈવી શક્તિનો પ્રસાદ આનાથી મોટો શું હોય? શ્રદ્ધા એ હ્રદયગમ્ય છે ત્યાં મગજ બાજુએ મૂકીને ચાલવામાં જ મજા છે. 

૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫

Friday, September 19, 2025

માતા પિતાને શ્રદ્ધાંજલિ (૨૫)

૨૫. માતા પિતાને શ્રદ્ધાંજલિ

પિતાજી મારા ભણેલાં નહીં પરંતુ જીવનના અનુભવે બહું ગણેલાં. તેઓ ૧૯૫૪માં મજૂર મહાજન સંઘના મેમ્બર બન્યા પછી ૩૪ વર્ષની ઉંમરે તેમણે મારી બા પાસેથી અક્ષરજ્ઞાન મેળવું. બા પાંચ ધોરણ ભણેલી પરંતુ હોંશિયાર. પિતા અમારા ઘરના રાષ્ટ્રપતિ અને બા પ્રધાનમંત્રી. ઘરમાં બાનું ચાલે અને બહાર પિતાજીનું. અમારા ઘડતરમાં પિતાની ઉદાર દૃષ્ટિ અને માતાની કેળવણીનો મોટો ફાળો. દલદલ જેવી દૂષણોથી ભરેલી જગ્યાએથી સાચવીને અમને દુર્ગુણોથી દૂર રાખ્યાં અને શિસ્તવાળા, સંસ્કારી, વિદ્યાપ્રેમી, પ્રામાણિક, ચરિત્રવાન, સત્યવાદી, નિષ્ઠાવાન, પરદુ:ખભંજક, ઉદ્યમશીલ, ન્યાયપ્રેમી, સ્વમાની, દેશપ્રેમી બનાવી સમાજને ધર્યા. 

બા ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત, શૈક્ષણિક કેળવાયેલી પરંતુ ગરીબીને કારણે કંજુસ અને અંતર્મુખ તેથી મારા પિતાના બહિર્મુખ અને ઉદાર સ્વભાવ જોડે તેને ન બનતું. બા ને કોઈ બહેનપણી નહીં પિતાને મિત્રો ઓળખીતાનો પાર નહીં. 

પરદુઃખભંજક

પિતાની મેમ્બરી તેમના સૌને સાથે રાખવાના સ્વભાવ ઉપરાંત ઘસારો વેઠવાની તૈયારીને કારણે સફળ રહી. મિલ હોય કે નગરી મિલનો ઝાંપો, બાદશાહી ચાનો ઓર્ડર થાય અને બિલ તો મેમ્બર જ ચૂકવે. રમણપુરાના નાકે હોલાંની કીટલીની ચા મેમ્બરે ખૂબ પીધી અને પીવડાવી. 

પિતા વાતો કરવામાં એકદમ પાકા. ઓઠું કે વાર્તા કરે તો બધાં બસ એમને સાંભળતા રહે. સમૂહ બેઠકમાં તેઓ કહેતાં કે એવી જગ્યાએ બેસવું કે ત્યાંથી ઉઠવું ન પડે. તેઓ જ્યાં બેસે ત્યાં આજુબાજુ મધપૂડાની જેમ ટોળાનો જમાવડો થઈ જાય. ઘસાઈને પણ સંબંધો જાળવવામાં તેમનો જોટો ન જડે. તે બેઠા હોય ત્યારે ચા આવે કે નાસ્તો તેમનું જ વોલેટ ખુલે અને તે જ બીલ ચૂકવે. બીજાનો હાથ ગજવા સુધી ક્યારેય જવા જ ન દે. તેમણે કોઈ બીજાએ ચૂકવેલ બીલનું ખાધું પીધું હોય તેવો કોઈ પ્રસંગ મેં જોયો નહોતો. તે મિલમાં જમવા બેસે તો તેમનાં ટિફિનમાંથી અડધા જેટલું શાક તેમની સાથે બેઠેલાં કરસન, ભગવાનદાસ, બબાભાઈના ડબામાં ઠલવી દે. શેરીંગ એન્ડ કેરીંગ તેમનો સ્વભાવ હતો. 

મિલમાં લવાજમ ઉઘરાવે અને પક્ષીઓની જુવારની પાવલી કે અધેલી જે આપે તેની લે. બાકી ખૂટતાં ઉમેરી કબૂતરોને દરરોજ જુવાર નાંખવાનું તે ક્યારેય ચૂક્યા નહોતા. 
ચોમાસામાં ચાલીનું ચોગાન ભરાય કે જાજરૂ ઉભરાવાથી ચાલી આખી કીચડ અને ગંદકીથી ભરાઈ જાય તો તેઓ જાતે પાવડો લઈ નીક કરવા લાગે એટલે શરમના માર્યા યુવાનો આવી મેમ્બરના હાથમાંથી પાવડો લઈ બાકીનું કામ પૂરું કરી લે. તેમને કોઢીઓ રમવાનો શોખ. ચાલીના યુવાનો સાથે રમી તેમની સાથેનો આનંદ લેતાં અને સંપર્ક જાળવી રાખતા. 

બહિર્મુખી તેમનું વ્યક્તિત્વ આકર્ષક બની રહેતું. તેઓ ખાદીના વસ્ત્રો બગબગાટ ઝભ્ભો, ધોતી અને ટોપી પહેરી પગમાં પોલિશવાળી બાટાની મોજડી પહેરી ઉંચી ગરદન રાખી ચાલે એટલે પ્રતિષ્ઠિત આગેવાન છે તેવી છાપ બની રહેતી. 

પોતાના કુટુંબ, ભાઈઓ, બહેનો, ગામ પર તેમને ભારે હેત. કુળ કુંવાસી તો તેમને બહું જ ગમે. બધી બહેન દીકરીઓ જોડે તેમનાં હેતનાં સંબંધ. ભટારિયા ગામ નામે મામેરાંનો ટહુકો પડે તો ખેમો મેમ્બર હાજર ન હોય તેવું ક્યારેય ન બને. તેમને માટે ગામ અને કુટુંબની આબરૂની કિંમત મોટી. તેમણે ગરીબી છતાં ઉધાર લઈને પણ બહેનોના યથાશક્તિ ૩૬ મામેરાં કર્યા હતાં. 

દીકરીઓ તેમને ખૂબ વ્હાલી તેથી પોતાના માટે રણુજાના રામાપીરની બાધા રાખી રમિલાબેનને માંગી લીધેલ.  પોતાની બહેનો ઉપરાંત ભાઈઓ ખુશાલભા, સોમાભા, નરસિંહભા, બેચરભા, અમરાભા, છગનભાની દીકરીઓ પર સરખું જ હેત રાખતાં. ખુશાલભાની દીકરી હીરાબેનના એક મામેરાંમાં પોતાની વીંટીને કપાવી કાપડું અને જીવનદોરીની વ્યવસ્થા કરેલી. એકવાર તે જમવા આવ્યા ત્યારે ઘરમાં ઘી નહીં તેથી મારી બાએ લાપશીમાં તેલ આપ્યું. બહેન ગયા પછી મારા બાપાને ખબર પડી તો મારતી રીક્ષાએ તેને પાછી લઈ આવ્યાં અને ઘી લાવી, ઘીવાળી લાપશી ખવડાવી ત્યારે જપ્યાં હતા. તે બેઠા હોય અને કોઈ ઓળખીતો પસાર થાય તો ઓપ એવો મોટો અવાજ કરી તેમને ઊભા રાખે, બોલાવે અને બાદશાહી ચા પીવડાવે ત્યારે જ છોડે. 

૧૯૭૨માં સુંદરબા ગુજરી ગયા તો તેમના મરણ પાછળ ચોક્ખા ઘીના શીરાની કાણ સાચવી. પરંતુ જેવું તેરમું પત્યું કે ૪૨ વર્ષ પહેલાં ગુજરી ગયેલાં પોતાના પિતા વાલાભાને સંભાળ્યા અને તેમના નામનો કળશિયો જાહેર કરી દીધો. તડ અને સગાવહાલા સૌ કુટુંબ સહિત મન ભરીને શીરો જમી ગયા. કળશિયામાં સાગર ઘીના ૧૬ ડબા વપરાયા હતાં. ખૂબ મોટા કડાયામાં લસલસતો શીરો બનતો અને ઉપર બીજા વધારાના ઘીનો દોરો દેવાતો. કળશિયો પત્યા પછી મોદનો શીરો મે મહિનો શેકી શેકીને ખાધો જેનો સ્વાદ આજે પણ યાદ છે. દેવું કરીને પણ રિવાજો સાચવવા અને કુટુંબ તથા ગામનું નામ ઊંચું રાખવું તેમને મન વધુ મહત્વનું હતું. 

પિતા અતિ ઉદાર તેથી મા કંજૂસી ન કરે તો ઘર કેમ ચાલે. જેવો સાત તારીખે પગાર થાય કે બાવીસ તારીખે ખર્ચી આવે, ઉધાર માંગનારા આવી જ જાય. પતિ દારૂડિયો હોય એટલે તેની પત્નીને બાળકો તેડી મોકલે અને ખેમાભા જાણે કે આપેલી રકમ પાછી નહીં આવે તો પણ જાણીને છેતરાય. કોઈ તેમની સામે હાથ લંબાવે તો તેમને ના કહેતા આવડે નહીં. તેમનો હાથ પાકીટ પર જાય અને જે હોય તે આપે. કોઈને ઠાલા હાથે પાછો ન જવાદે. તેમનો પગાર એકવાર મારી બા પાસે જાય એટલે સીલબંધ થઈ જાય. તેથી પછી કોઈ ઉછીના લેનારો આવે તો બીજાનું કાંધું કરીને પણ તેને આપે, પણ ખાલી હાથે કોઈને પાછો ન જવા દે. 

માગણ, વહીવંચા, બાવા, નટ, વગેરે આવે એટલે તેમના વતી આખી ચાલીમાં ફરી ઊધરાણું કરે અને તેમને રાજી કરી મોકલે. માંગણ “ખેમા મેમ્બર તમે રાખી ખરી ટેક, દર અગિયારસે રૂપિયો આલ્યો એક” એ સાંભળવા તેમનાં કાન તરસતા. હાથ પાકીટમાં જતો જ રહે અને રૂપિયો બહાર આવી પડે. વહીવંચો આવે અને કહે, “સોલંકી હોધે (શોધે) સેડા, વાઘેલો હોધે વાડ, પરમારોની વાર ચડે ત્યારે પેલો મકવાણો કહે મા મને ગોદડી ઓઢાડ”; તે સાંભળી તેમને પોતે પરમાર હોવાનું ગૌરવ થતુ. ચાલીમાં કોઈ બાવાજી આવે તો તેમને બેસાડી તેમના વતી તે ઓરડીઓ અને દુકાનોમાં ફરી દક્ષિણા માંગી લાવે અને બાવાજીને ખુશ કરી મોકલે. 

તેમને વ્યસનમાં કોઈક દિવસ છાંટો પાણી થઈ જાય પરંતુ તે પણ પોતાના પૈસે. સાઠ પછી તે પણ છૂટી ગયું. એક તમાકુ પીવાનું ગુજરીયું ઘણાં વરસ ચાલ્યું. તેમણે ચાંદીનો હોકો બનાવડાવ્યો હતો તે કોઈ મહેમાન આવે કે લગ્ન સીમંત પ્રસંગ હોય ત્યારે ભરાવતાં. પાછલી વયે ગુજરિયું ભરવાની ભાંજગડથી છૂટવા મોઢામાં મૂકવાની તમાકુએ ચલાવ્યું. તેમના જવાના છેલ્લા બે દિવસ મેં તમાકુ ચુનાની ડબ્બા લઈ લીધી હતી તેનો રંજ મને પછીથી રહી ગયો. તેમ કરીને મેં તેમને નાહકના નારાજ કર્યા હતાં. 

તેઓ એકદમ તંદુરસ્ત, ક્યારેય બીમાર ન પડતાં. મારી બા બીમાર રહેતી તેથી ઘર આખાનું ધ્યાન તેના તરફ રહેતું. પરંતુ ૧૯૮૪માં મિલ બંધ થતાં માનસિક લાચારી આવી. હું મસુરી ફેઝ-૨ તાલીમમાં અને તેઓ ગામડે ખેતી કરવા ગયા અને ૧૯૮૭માં જુલાઈ મહિનામાં વાડ કરવા મોટાં મોટાં થોર ખેંચતાં તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો. બાપુનગર કામદાર રાજ્ય વીમા યોજનાની હોસ્પિટલમાં પંદર દિવસ ICUમાં રાખ્યા પરંતુ મને દુઃખ ન પહોંચે તેથી જાણ ન કરી. હું ઓગસ્ટમાં મસૂરીથી પાછો આવ્યો ત્યારે ખબર પડી. પછી તો નિયમિત તપાસ અને નિયમિત દવાથી તેમની ગાડી બરાબર ચાલી પરંતુ તેમની ઉંમર તેમનાથી આગળ થવા લાગી. 

મારી આઈએએસ તરીકેની નોકરીમાં ક્ષેત્રીય નિમણૂકો જિલ્લામાં રહે. તેમના મિત્રો અને સગા અમદાવાદમાં તેથી તેમને અમારી સાથે જિલ્લાની ઘરેલું જિંદગીમાં રહેવાનું ન ફાવે. તેથી એકાદ બે દિવસ રહી પરત ફરી જાય. તેમની દેખભાળ સરસ રીતે થાય તેથી મયૂર પાર્કમાં તેમનાં જ બનાવેલાં ઘરમાં જુદા રાખી જીવણભાઈના મોટા પુત્ર સુરેશ અને તેની પત્ની કુસુમને સેવામાં રાખેલ. પરંતુ નવયુગલ સેવા કરે તેના કરતાં તેમણે નવયુગલની દેખભાળ વધુ કરવી પડતી. તેમને એક ફોન કનેક્શન લઈ આપેલ જેથી રાત મધરાત્રે ઈમરજન્સી હોય તો જાણ થાય અને મદદ પહોંચાડી શકાય. 

પિતા સ્વાશ્રયી તેથી નિવૃત્તિ પછી ગાંધીજીની જેમ પોતાના કપડાં જાતે ધોઈ લે. બજારનું હટાણું જાતે કરી લે. તે વર્ષે કચ્છ ભૂકંપ થતાં ૨૭/૧/૨૦૦૧થી હું જિલ્લા મથક ભૂજમાં ચીફ કોઓર્ડિનેટર પહેલાં જી સુબ્બારાવ સાહેબ સાથે અને પછી એલ. માનસિંહ સાહેબ સાથે ભૂકંપ રાહત કામોમાં લાગેલો. પરંતુ એપ્રિલના પહેલાં અઠવાડિયામાં મારા સાળા વિનોદને મગજની ગાંઠની તકલીફ થતાં તેની સારવાર માટે હું અમદાવાદ આવ્યો. વિનોદની સર્જરી કરાવી છતાં ન બચ્યો પરંતુ તે જ અઠવાડિયે મારા પિતાને આરોગ્ય તકલીફો શરૂ થઈ ગઈ. 

પિતાને પ્રોસ્ટેટ અને મોતિયાનું ઓપરેશન 

તેમને પ્રોસ્ટેટને કારણે પેશાબ અટકાવની તકલીફ ઘણા વખતથી હશે પરંતુ તેમણે તે સંકોચને કારણે કે અજ્ઞાત ડરને કારણે છૂપાવી. છેક નવેમ્બર ૨૦૦૦માં જાહેર કરી. પરંતુ હવે પેશાબ બંધ થયો તેથી તેમને થયું કે હવે તો ગયા. પહેલીવાર નાસીપાસ થયાં. PSA કાઉન્ટ વધારે આવવાથી ડો. દિલીપભાઈ શાહની સલાહ મુજબ પ્રોસ્ટેટના ઓપરેશનને બદલે orchidectomy કરાવી તેમની તકલીફ હળવી કરી આપી. હ્રદયરોગને કારણે તેમને લાંબો વખત એનેસ્થેસિયા આપી ઘેનમાં રાખવાની ડોક્ટરની તૈયારી ન હતી. ચારેક મહિના પછી છેક ૮૦ વર્ષે તેમને મોતિયાનું ઓપરેશન આવ્યું. તે શુક્રવારે (૬/૪/૨૦૦૧) નગરી હોસ્પિટલમાં તેમની જમણી આંખનો મોતિયો ઉતરાવ્યો. હોસ્પિટલમાં તેમનાં બોઘસ (રંગીન ચશ્મા) કોઈ ચોરી ગયુ. 
હ્રદયમાં દુખાવો 

મોતિયાનું ઓપરેશન કરાવી ઘેર પાછા આવ્યાના હજી ત્રણ દિવસ થયાં ત્યાં પાછળ રહેતાં પશાભાઈના છોકરાંએ તોફાન કર્યું તેનાથી તેઓ હેબતાઈ ગયા. વળી પાછું કુસુમ (સુરેશની પત્ની) અથાણું ન લઈ ગઈ તેથી તેના પર બગડ્યાં. મયૂર પાર્ક સોસાયટીમાં મહાનગરપાલિકાના નળ પાણીનો ફોર્સ ઓછો રહેતો તેથી પાણીનો નળ ખાડામાં જ રાખવો પડે. મંગળવારે (૧૦/૪/૨૦૦૧) સવારે ૧૦-૧૧ વાગે ખાડાની કુંડીમાંથી પાણીનો ઘડો ઉપાડતાં તેમને ડાબા પડખામાં દુખાવો ઉપડ્યો. થોડાં બેઠાં પણ દુખાવો શાંત ન થયો એટલે મને ફોન કરાવ્યો. અમે સીધાં કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર તેજસ પટેલ પાસે લઈ ગયા. તેઓ દવાખાને પહોંચી સરળતાથી ડોક્ટરની ચેમ્બરમાં પહોંચ્યા. 

ડો તેજસ પટેલે તેમને તપાસ્યા પછી કહ્યું કે એન્જાઈના પેઈન છે, પંપીંગ ઓછું છે તેથી બે-ત્રણ દિવસ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખીએ. તે મારા પિતાને ઓળખે તેથી કહે કાકા ચિંતા ન કરતાં હજી સાતેક વરસ સુધી વાંધો નહીં આવે. મને કહે સર્જરી કરવાની જરૂર નથી. એન્જાઈના સેટલ કરવા વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ લઈ જાઓ ત્યાં તેમના મદદનીશ ડો. સંજય આવે છે તેથી તેઓ ધ્યાન રાખશે. પિતાજીની હોસ્પિટલમાં દાખલ થવાની જરા પણ ઈચ્છા નહીં છતાં મેં ડો. તેજસ પટેલની સલાહ મુજબ તેમની મરજી વિરુદ્ધ વીએસ હોસ્પિટલમાં દાખલ કરી દીધાં. હોસ્પિટલમાં દાખલ થતાં જ મને જાણે પિતા મારા હાથમાંથી દૂર જઈ રહ્યા હોવાનો અંદેશો થયો. સ્ટ્રેચર પર તેમને લઈ જતી વખતે કોઈ મારું હ્રદય કોરીને તેમને યમદ્વારે લઈ જતું હોય તેવો અનુભવ થયો. 

વી. એસ. હોસ્પિટલમાં આખરી પડાવ

હોસ્પિટલના ICUમાં ખૂણા પરની પાંચ નંબરની પથારીમાં તેમને સૂવડાવ્યા. હોસ્પિટલના દર્દીના કપડાં પહેરવાની તેમણે ના કહી દીધી. ઇન્ટ્રાવીનસ દવા માટે વીગો લગાડી હતી તે તેમણે કઢાવી નાંખી. ICUમાં સેન્ટ્રલાઈઝ એસી તેથી તેમને ભારે ઠંડી લાગે. ધાબળો ઓઢાડ્યો તોય ફરિયાદ ચાલુ રહી. એસી બંધ થાય નહીં તેથી હવાની જાળીઓ પર છાપા લગાવી અમે ઠંડી રોકવાનો પ્રયત્ન કર્યો. વીએસ હોસ્પિટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવે. તેથી મારા પિતાની બગડતી હાલત જોઈ મેં અમદાવાદના તે વખતના કમિશનરને ફોન કરી તેમની સારવારમાં મદદ માંગી. પરંતુ તેમને જુનિયર આઈએએસ અધિકારી લાગ્યા કે ગુજરાતી, ધ્યાને ન લીધું. પિતાનો સતત ઘેર જવાનો હઠાગ્રહ જોઈ બુધવારે મેં તેમને ઘેર પાછા લઈ જવા નક્કી કર્યું પરંતુ ડો. ભદ્રેશ શાહે કહ્યું કે દર્દી સ્ટેબલ નથી તેથી પાછા લઈ જવામાં જીવનું જોખમ છે. હજી એક દિવસ રાહ જોઈએ. મેં હા કહી પરંતુ મારા બાપાને ન ગમ્યું. તે સાંજે જીવણભાઈના ઘેરથી ટિફિન આવ્યું. બાપાએ તેમની કાયમની આદત મુજબ મને કોળિયો ધરી કહ્યું લો તમે જમો. હું પ્રસાદના એ હાથને ઓળખી ન શક્યો. મને ક્યાં ખબર હતી તે તેમનું છેલ્લું ભોજન છે. મેં ના કહી એટલે તેમણે પાંચ-સાત કોળિયા જમી ડીનર પૂરું કર્યું. તમાકુની ડબી મેં તે દિવસે લઈ લીધી હતી તેથી પાણી પી તેમણે પલંગ પર લંબાવ્યું. 

બેદરકારીથી મોત નોતર્યું 

હું બે દિવસથી સતત ખડે પગે ઊભો હતો તેથી રાત્રે ૧૦ વાગે મને કમરનો દુઃખાવો ઉપડ્યો. ભૂખ્યો પણ હતો. કાલે ગવારનું શાક અને ઓરેન્જ જ્યુસ લેતાં આવજો તેવી તેમની આખરી ઈચ્છા લઈ હું રાતની જવાબદારીનો હવાલો સુરેશને સોંપી ગાંધીનગર આવવા વળ્યો. સૂચના પણ આપી કે કોઈ અરજન્સી ઊભી થાય તો મને તરત ફોન કરવો. હું રાતે જાગતો જ છું. અહીં સુરેશ વળી તેના ભાઈ રાજેન્દ્ર (મંગો) અને પ્રકાશને હવાલો સોંપી ઘેર જતો રહ્યો અને ત્યાં હોસ્પિટલમાં ખેમાભાએ રાત્રે ઉઠીને ઘેર જવા બળપૂર્વક ઉધામા ચાલુ કર્યા. ખેંચતાણમાં તેમની પાસે જીવવાની જે કોઈ શક્તિ બચી હતી તે તેમણે વેડફી નાખી. નાસમજ બે યુવાનો શું કરતાં? કનુભાઈ અને રૂક્ષ્મણીને બોલાવ્યાં. તેમણે ડ્યુટી પરનાં ડોક્ટર બોલાવ્યા, જેમણે વગર વિચાર્યે ઘેનનું ઇન્જેક્શન ઠપકારી દીધું. બાપા સૂઈ ગયા. સવારે ૭.૩૦ કલાકે જાગ્યા પછી ફરી ઘેર આવવાની લત ઉપાડી. તેમને ના સવારની દવા આપી ના ચા. ફરી ડ્યુટી ડોક્ટર બોલાવ્યા અને ઘેનનું બીજું ઇન્જેક્શન ઠપકાવી દીધું. હું તદ્દન અજાણ. સવારે દસ વાગે ગુવારનું શાક અને ઓરેન્જ જ્યુસ લઈ પહોંચ્યો ત્યારે ખેમાભા બેહોશીમાં. ડોક્ટરોને પૂછ્યું તો કહે કે સવારે ઘેનનું ઈંજેકશન આપ્યું છે તેથી દોઢેક વાગે ભાનમાં આવશે. તેમને પ્રોસ્ટેટની સર્જરી વખતે કોમામાં ઘૂસી જવાની બીકને કારણે રાખેલી બધી સાવધાની વીએસ હોસ્પિટલના ડૉક્ટરોએ મારી ગેરહાજરીમાં નષ્ટ કરી દીધી. હવે નિયતિના ભરોસે વાટ જોવાની હતી. 

બપોરનો દોઢ થયો, બે થયાં પરંતુ ખેમાભા ભાનમાં ન આવ્યાં. ડો સલીમ બેઠો બેઠો પુસ્તક વાંચે. પૂછું તો કહે દોડી દોડીને થાકી જઈ પડી ગયેલા ઘોડા જેવી તેમની સ્થિતિ છે. બીજા સીનીયર ડોક્ટરો ઓપરેશન થિયેટરમાં. મારી પાસે લાચારીથી જોઈ રહેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. લગભગ અઢી વાગ્યા હશે, તે સળવળ્યાં. મેં કહ્યું બાપા ઉઠો, સવાર પડી, ચા પીએ. મને પૂછ્યું તમે કોણ? મેં કહ્યું પૂનમ. સાંભળી પાછા કોમામાં સરકી ગયા. પછી ઘેનમાં જ જાણે નાહ્યા હોય અને કપડાં બદલી તૈયાર થતાં હોય તેવી હાથથી એક્સન કરી જરાક મલક્યાં અને મને ધ્રાસકો પડી ગયો. ૧૯૭૨ની મહા વદ બીજને મંગળવારની રાત્રે મારી દાદી સુંદરબા આવી જ રીતે મલક્યા હતા અને પછી તરતની ક્ષણે ગુજરી ગયાં હતાં. તે ક્ષણ સુધી મને તેમના મૃત્યુનો જરા પણ અંદેશો ન હતો પરંતુ એ મલકાટે એક ધ્રુજારી આખા શરીરે વ્યાપી ગઈ અને હું ડરી ગયો. 

ઘડિયાળમાં બપોરના ત્રણ થયાં હતાં. કનુભાઈ, લક્ષ્મી, સુરેશ હાજર હતાં. ત્યાં મોટાભાઈ જીવણભાઈ આવ્યાં. તેમની હાજરીમાં અમે મોતિયાવાળી આંખમાં ટીંપા નાંખ્યા. જીવણભાઈએ બાપાની આંખો લૂછી બોલાવ્યા. બાપાએ પૂછ્યું કોણ? કહ્યું જીવણભાઈ. બસ સાંભળી અંદર ઉતરી ગયા. આ બાજુ કનુભાઈ અને લક્ષ્મી જરાક આઘા ખસ્યાં અને પળવારમાં તેમનું શરીર છાતીથી ઊંચું થયું, ડાબી આંખ ક્લોકવાઈઝ એક ચક્કર ફરી અને તેમણે શરીર છોડી દીધું. ડો સલીમને ચોપડી વાંચતો ઉઠાડ્યો. તેણે દોડીને આવી છાતીમાં એક ઇંજેક્શન આપ્યું. બૂમ પડી એટલે બીજા ડોક્ટર્સ આવ્યા. તેમણે ફેફસામાં બલૂનથી કૃત્રિમ શ્વાસનું પંપીંગ ચાલુ કરાવ્યું અને વીજળીનો કરંટ આપ્યો પણ તે પાછા ન આવ્યા. આ વખતે એવા રિસાયા કે બસ કાયમ માટે જતાં રહ્યાં. 

ધવલને તે દિવસ ધોરણ ૧૨નું મેથ્સ-૨ પેપર હતું. એક મિત્ર નિકસન તેને લઈ આવી રહ્યાં હતાં ત્યારે રસ્તામાં ફોનથી સમાચાર જાણ્યા અને સીધા મયૂર પાર્ક પહોંચી ગયા. તે ગુરુવારે વાતાવરણ વાદળછાયું. અમીછાંટણા કરી કુદરતે મારા પિતાને અંજલી આપી. બીજા દિવસે ગુડ ફ્રાઈડેની બપોરે તેમના અગ્નિસંસ્કાર કર્યા ત્યારે તેમનો ચહેરો શાંત, હાથ નરમ અને લચીલા હતાં. 

માતાની વિદાય 

મારી બા તેમના જવાથી શૂન્યમનસ્ક થઈ ગઈ. જાહેરાત કરી કે બરાબર એક મહિના પછી ૧૨ મે ૨૦૦૧ ના રોજ તે પણ વિદાય લેશે. થોડાક દિવસ પછી તેની તબિયત બગડી. પ્રથમ કાકડિયા હોસ્પિટલ બાપુનગરમાં દાખલ કરી પરંતુ વેન્ટિલેટર સારવારની જરૂર માટે સિવિલમાં મશીન ખાલી ન હોવાથી શ્રેય હોસ્પિટલ લઈ ગયા. પલ્મોનોલોજીસ્ટ ડો. પાર્થિવ મહેતાએ બાયપેપ મશીન લગાવ્યું પરંતુ જેવી ૧૨ મે આવી કે લાગેલું બાયપેપ મશીન બંધ થઈ ગયું. 

બાની મરજી વિરુદ્ધ તેને વેન્ટિલેટર પર ચડાવવામાં આવી. તેની સ્થિતિમાં સહેજ સુધારો જણાતા જુનિયર પલ્મોનોલોજીસ્ટે ડો. મુકેશ પટેલે ડીવેન્ટ કરવાની ઉતાવળ કરી અને બા કોમામાં જતી રહી. પછી તેને કોમામાંથી બહાર કાઢવા એક મહિલા ડોક્ટરે તેની છાતી પર જોરથી મુક્કા મારતાં તેની પાંસળીમાં ફેક્ચર થઈ ગયું. મારું ચિત્ત ડામાડોળ થઈ ગયુ અને તબિયત લથડી. ખાનગી હોસ્પિટલનું દર્દીના સગાની લાગણીને નિચોવવાનું એકમ મને ન સહેવાયું. તેનું ફેફસાંનું ઈન્જેક્શન ઘટવાને બદલે વધતું ચાલ્યું. 

આ વખતે ડો. ગૌતમ ભગતની મદદ ન હતી. બાને ન્યુમોનિયા થઈ ગયો. મોંઘા ઈન્જેક્શન લખાય પરંતુ ઈન્ફેશન અટકે નહીં અને વધે તે મને ન સમજાયું. 

પછી ખબર પડી કે મોંઘા મોંઘા ઇન્જેક્શન લખાય અને નર્સ દર્દીને આપવા જાય ત્યારે સગાને બહાર કાઢી તે ઈન્જેક્શન ગજવામાં પાછા લઈ જાય. વળી પાછા તે જ ઈંજેકશન ફાર્મસીમાંથી બીજા દિવસના બિલમાં ચડી બહાર આવે. લક્ષ્મીની નજર ચકોર, તેણે નર્સોને પકડી પાડી. બીજું દર્દી મરણ પથારીએ હોય, શરીરમાં લોહી ઓછું થતું હોય તોપણ સવાર સાંજ બે વાર લેબોરેટરી કરવાના બહાને લોહીના સેમ્પલ લેવાતાં જાય અને બિલમાં ચઢતા જાય. ખાનગી હોસ્પિટલની નજર દર્દી સાજો થાય તેના કરતાં તેનું સારવાર ખર્ચ બીલ વધે તે તરફ વધુ હોય. તેમાયં જેનું મરણ નક્કી જેવું લાગતું હોય તો તેમાં તેઓ શી કસર છોડે?

છેવટે બાની તેમના જીવનસાથી સંગ જવાની જીદ સામે અમે હાર્યા અને અગિયારમા દિવસે વેન્ટિલેટર હટાવી બાને ઘેર લાવ્યા અને થોડા જ કલાકમાં ૨૩/૫/૨૦૦૧ની રાત્રે આઠ વાગે તેમણે આ ફાની દુનિયાની વિદાય લઈ લીધી. તેમણે આખી જિંદગી બહું દુઃખ વેઠ્યું હતું. પરણીને આવ્યા ત્યારથી ૧૯૪૦થી મૃત્યુ ૨૦૦૧ સુધી બસ દુ:ખ જ નસીબ થયું. પહેલાં મજૂરીનું દુઃખ, સંતાનો જણવાનું અને તેમના મરણનું દુઃખ, પિતાના તાપનું દુઃખ અને નબળા શરીર સાથે પચાસ વર્ષ ક્રોનિક બ્રોન્કાઈટીસ સાથે જીવવાનું દુઃખ. 

બા મજબૂત મનોબળવાળી

બાનું મનોબળ મજબૂત. ૧૯૯૪માં એકવાર તે ખુરસી પર બેઠી છાપું વાંચતી હતી ત્યારે મેહુલના પડ્યો એવા મારા પિતાના અવાજથી તે પાછળ ફરી જોવા જતાં ખુરસી પલટાઈ ગઈ અને તે ખુરશીમાંથી પડી જતાં તેનું ફીમરનું હાડકું ભાંગી ગયું. ઓર્થોપેડિક સર્જન ડો. નવીન ઠક્કરે સળિયા નાંખી તેને બેઠી કરી. એ ઉંમરે તેણે સ્ટેન્ડીંગ સાયકલ પર કસરત કરી નવજીવન પ્રાપ્ત કર્યું. 

ફરી પાછી ૧૯૯૬માં આફત આવી. તેની તબિયત બહુ જ લથડી. ફેફસું ચેપથી ભરાઈ ગયું. મારી નિમણૂક તે વખતે નાયબ સચિવ તરીકે આરોગ્ય વિભાગમાં હતી. તેને સિવીલ હોસ્પિટલમાં દાખલ કરી. એન્ટીબાયોટિક શરૂ કરાયાં પરંતુ એક સવારે ચારેક વાગે તેની તબિયત લથડતાં સુરેશે મને ફોન કર્યો. મેં તાબડતોબ ડો. ગૌતમ ભગત અને ડો. તેજસ પટેલનો સંપર્ક કર્યો. ડો તેજસ પટેલ સીધા સિવિલ આવવા નીકળ્યા અને ડો. ગૌતમ ભગતને મેં તેમનાં પાલડી નિવાસ સ્થાને જઈ મારી સાથે લીધાં. ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે બાનો શ્વાસ પળ પહેલાં જ બંધ થઈ ગયો હતો. બંને ડોક્ટરોએ મને બાના મૃત્યુ અને વિદાયની શાંતવના આપી. કહે મૃત્યુ દરેકના જીવનમાં એકવાર તો આવવાનું જ. 

પરંતુ મારું મન માન્યું નહીં. મેં કહ્યું હજી હાલ જ ઘટના બની છે. મોતનું કારણ તો હશે જ. ડો ભગત કહે ફેફસાં ઈન્ફેકશનથી ભરાઈ જવાથી મૃત્યુ થયું. મેં કહ્યું ફેફસાંમાંથી ઈન્ફેકશન ખાલી કરાવો, તેને વેન્ટિલેટર પર ચડાવી શ્વાસ લેવામાં મદદ ઊભી કરો. કંઈક તો કરો. 

ડો. ભગત પીગળ્યાં, તેમણે બાનું શરીર અડકી જોયું તો તેમને હજી વોર્મ જણાયું. જાંઘ પર ઈંજેકશન મારી આર્ટરીમાંથી ખૂન લઈ કલર જોયો. ડો પ્રફુલ્લા દોડીને વેન્ટિલેટર લાવ્યાં અને બાના શરીરને વેન્ટિલેટરના સપોર્ટ પર ચડાવી દીધું. તેમણે સક્શન પંપ લગાડી બાના ફેફસાંમાંથી ચેપ ખેંચવાનું શરૂ કર્યું. દવા ફેફસાંમાં પણ ઉતારવામાં આવી. પછી વીગો ચાલુ થઈ એટલે વીગો મારફતે દવા ઉમેરી. પરંતુ માત્ર મશીન જ ચાલતું હતું. પેંશટ તરફથી મશીનની સામે અપાતો પ્રતિભાવ શૂન્ય હતો. અમે લડત ટકાવી રાખી. સિવિલ હોસ્પિટલની ટીમ ખડેપગે રહી. યુદ્ધ બાર દિવસ ચાલ્યું. 
તેરમા દિવસે બા પાછી ફરી. મશીનને જવાબ દીધો અને બે દિવસમાં તો વેન્ટિલેટર હટી ગયું અને અમે ઘેર આવ્યાં. તે પછી તે પૂરા પાંચ વર્ષ જીવ્યાં. 

મેં પૂછયું, બા વેન્ટિલેટર પર બાર દિવસ રહ્યાં તે યાદ છે? તે કહેતાં કે તેઓને સુદર્શનધારી શ્રીકૃષ્ણના દર્શન સિવાય બીજું કશુંય યાદ નથી. તેમણે મને કહ્યું હતું કે જીવનમાં ફરી બીજીવાર આવી બિમારી આવે તો તેમને વેન્ટિલેટર પર ન ચડાવવા અને જવા દેવાં. મેં હા કહી પરંતુ માતૃપ્રેમના મોહમાં તેમની વાત હું માનવાનો ન હતો તેની મને ખબર હતી. 
૧૯૯૬નો ગણેલો એ દાખલો ૨૦૦૧માં ખોટો પડયો. આ વખતે ૧૨ એપ્રિલ ૨૦૦૧ના રોજ પતિના અચાનક મૃત્યુથી તેને ભારે આઘાત પહોંચ્યો હતો. શરીર વધુ નબળું  અને કૃશ થઈ ગયું હતું. છેવટે પતિને સાથ આપવા ૨૦૦૧ ના મે મહિનાની ૨૩ તારીખે તેણે પૃથ્વીલોક છોડી દીધો. 

અંત એક અલ્પવિરામ 

એક મહાન જીવનકથાનો અહીં અંત આવ્યો. એકાવન વર્ષના જીવન સંઘર્ષમાં વિજેતા રહેલી એ જોડી આમ એક જ મહિનામાં અદૃશ્ય થઈ ગઈ. તેમના જવાથી અમને એટલું દુઃખ ઉત્પન્ન થયું કે આજે ૨૪ વર્ષે પણ તેમનો વિરહ સહેવાતો નથી. તેમણે વેઠેલી યાતનાઓ, કરેલી મજૂરી, કમાયેલી આબરૂની ઈમારત પર અમે આજે સુખી અને સમૃદ્ધ છીએ. પિતાની મહાનતાને યાદ રાખવા તેમની હયાતીમાં જ અમે અમારા બાળકોની અટક પરમારથી બદલી ખેમ કરી દીધી હતી. અમારા વંશના બાળકો હવે પરમાર નહીં પરંતુ ખેમવંશ તરીકે તેમનું નામ અમર કરશે. ત્રીજી પેઢીના અમારા કુટુંબના અધિકારી બનેલા સંતાનો તેમની કચેરીઓમાં આજે ખેમ સાહેબ તરીકે જ ઓળખાય છે. તેમને કોઈ ખેમ સાહેબ કહી બોલાવે તે સાંભળી અમને શાંતિ અને સંતોષની અનુભૂતિ થાય છે. 

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫

લક્ષ્મી સંગાથ અમારો પંચમહાલ પડાવ (૧૩)

૧૪. લક્ષ્મી સંગાથ અમારો પંચમહાલ પડાવ

લક્ષ્મી સાથે મારા લગ્ન થયાં તારીખ મે ૧૮, ૧૯૭૮. લગ્ન વખતે તે ત્રણ રાત્રી અમારે ત્યાં રહેલી જેમાં એક રાત ટ્રેનમાં બેસી ગામ જવા, બીજી અંધારી રાતે વાતોમાં અને ત્રીજી ઘેર પાઠપૂજા હતી તેમાં ગયેલી. નાની ઉંમરે લગ્નો થાય એટલે વર્ષે આણાં થાય. સામાજિક રિવાજ મુજબ લક્ષ્મીનુ પહેલું આણું અખાત્રીજ ૧૯૭૯, બીજું આણું અખાત્રીજ ૧૯૮૦ અવે ત્રીજુ આણું દશેરા ૧૯૮૦ ના રોજ થયેલું. પહેલા આણે કે સાત દિવસ, બીજા આણે પંદર દિવસ અને ત્રીજા આણે તે કાયમી થઈ રહેલ. પછી એ વર અને એ ઘર તેના નસીબે લખાયેલ. હવે પડ્યું પાનિયું નિભાવે જ છૂટકો. તે રીતે અમારા લગ્નજીવનની વાસ્તવિક શરૂઆત ઓક્ટોબર ૨, ૧૯૮૦થી થઈ. 

તેના આવ્યા અગાઉ ઘરનાં મોટાં મારી ઉપર હુકમ ચલાવતાં હવે મારો હુકમ માનનાર કોઈ આવી ગયું. તેણે મારા વતીના બધાં કામ ઉપાડી લીધા. ફરર ફૂદડીની જેમ ફરે અને કામ કરે. મારી બા, બાપા, ભાઈઓ, ભાભી, હું, જે કંઈ કામ આપીએ તે વિના વિરોધે કરી લેતી. પિયરમાં તેણે કોઈ ઘરકામ કરેલું નહીં પરંતુ તેની માંએ કહ્યું હતું કે “બેટા, હવેથી તે ઘર તારું અને તે વર. કોઈને વખો ના પાડતી. કન્યા પિયરથી ઊભી જાય પરંતુ આડી થાય નહીં ત્યાં સુધી એ ઘર અને એ વર છોડે નહીં”. તેણે અનેક વિષમ પરિસ્થિતિઓ છતાં તેની માતાની આજ્ઞાનું પાલન કર્યું અને અમારા જીવનમાં સાચા અર્થમાં લક્ષ્મી બનીને આવી અને રહી.

અમારે ઘરમાં બે જણ મિલ કામદાર અને બે નોકરિયાત. મિલવાળાને સવારપાળી હોય ત્યારે સાડા છ વાગે ચા તૈયાર કરી દેવી પડે. ચા કેરોસીનવાળા પ્રાયમસ પર બને. તપેલી મધ્યમ કદની હોય અને ઘર આખાની ઓછા દૂધની પાણી જેવી ચા બનાવે એટલે તપેલી છલોછલ ભરાઈ જાય. તેમાં વળી ચાનો ઊભરો આવે એટલે સાણસી લઈ સાવધાન રહેવું પડે નહીંતર ઊભરો ઢોળવાથી પ્રાયમસ ઓલવાઈ જાય. લક્ષ્મી નવી સવી. એક સવારે ચા બનાવતાં તેને મોડું થયું અને મારા ભાઈ જીવણે ચા માટે ચીસ પાડી, તેથી ડરીને તે પ્રાયમસને જોર કરીને પંપ મારવા લાગી. પરંતુ પ્રાયમસ હઠીલો તેજી ન પકડે. ત્રણ પગનો પ્રાયમસ અને ઉપર ઉકળતી તપેલી, પંપ મારવાના ધક્કે ઉપરથી ઉલળી અને ઉકળતી ચા બધી લક્ષ્મીના કોમળ હાથ પર પડી. તેનો ડાબો હાથ આખો દાઝી ગયો. પરંતુ તે માનસિક સાવધાન, તેથી તરત જ દાઝેલો હાથ પાણી ભરેલી ડોલમાં નાંખી તેને હાથ અને ચામડીને થતું મોટું નુકસાન અટકાવી દીધેલ. 

૧૯૮૧ના માર્ચમાં તે ગર્ભવતી થઈ. તેની સીમંતોનયન વિધિ સાતમો મહિનો બેસતાં જ શ્રાદ્ધ પક્ષ નજીક આવતો હોઈ તે ૨૦ સપ્ટેમ્બર પહેલાં ભાદરવા મહિનાના અજવાળિયામાં કરાવી હતી. સીમંત પછી રિવાજ મુજબ તે તેના પિયર ગામડે ગઈ ત્યાં અધૂરા મહિને તેની ડિલિવરી થતાં ઓક્ટોબર ૧૭, ૧૯૮૧ની રાત્રે નવ કલાક અને પાંચ મિનિટે ઉજ્જવલ જન્મ્યો. ઓછા વજનનો છતાં તે ઘણો ચતુર, સળંગ પાંચ દિવસ રડેલો. અમારે મોટાની મર્યાદા નડે તેથી તે અઢી મહિનાનો થયો ત્યારે શિયાળાની સવારે તેને હું પહેલીવાર જોવા ગયેલો. તેને હું લઈ ગયેલો તે વાદળી રંગના બાબા શુટ અને ટોપી પહેરાવી હું બેઠો હતો તે ખાટલામાં લાવી મૂક્યો અને તેને જોતાં જ મારી આંખો ઠરી. તેના જન્મ પછી મારો અને લક્ષ્મી વચ્ચે ચાલતો ખટરાગ ઓછો થયો. હજી ઉજ્જવલ સવા વર્ષનો નહોતો થયો ત્યાં લક્ષ્મી ફરી ગર્ભવતી થઈ. અમે ડોક્ટર પાસે સલાહ લીધી અને સપ્ટેમ્બર ૧૬, ૧૯૮૩ની બપોરે બે કલાક અને પચીસ મિનિટે અમદાવાદ, રાજપુર સેંટ મેરી નર્સિંગ હોમમાં ધવલ જન્મ્યો. તે દિવસ મારી ઓફિસ ચાલુ તેથી હું તો ગાંધીનગર પરંતુ આવી તરત તેને જોવા ગયો ત્યારે તામ્રવર્ણો, પૂરા વજનનો મજબૂત પુત્ર જોઈ મને ઘણો આનંદ થયેલો. જો કે તે પણ નવ મહિના પૂરા કરી નહોતો જન્મ્યો. પરંતુ શરીરે સશક્ત તેથી મારી ચિંતા ટળી. ઉજ્જવલ દૂબળો હતો અને ઓછું જમે તેથી મનોમન હું ભગવાનને પ્રાર્થના કરતો કે બીજું સંતાન મજબૂત અને વધુ જમે તેવું આપજે. ધવલને જમવાની મારે ક્યારેય ચિંતા ન રહી.

લક્ષ્મીને વવાથી મને મોટી મદદ થઈ હતી. વાંચનમાં સહયોગ મળ્યો. હું માંગુ ત્યારે ચા બનાવી દે. જમવા બેસું ત્યારે ગરમ ગરમ રોટલી બનાવી દે. હવે તે મારું ટિફિન બનાવતી તેથી મારા એકટાણાં છૂટ્યાં. નોકરી કરતાં કરતાં સ્પર્ધાત્મક પરીક્ષા આપવામાં અનુકૂળતા વધી. ગાંધીનગરથી છૂટી સાંજે ઘેર આવું ત્યારે રસ્તો જોઈ મારી વાટ જોતાં રહેતાં બાળકોને જોઈ મારો આખા દિવસનો થાક ઘડીકમાં ઉતરી જતો. ફરી પાછી તાજગી આવી જતી. 

હું છાપાં નિયમિત વાંચતો. સામાન્ય જ્ઞાનની કસોટી ભરું અને જીતું. આયુર્વેદનો મને ભારે ચસ્કો. લાંભશંકર ઠાકરની નાનકડી કોલમ નિયમિત વાંચુ અને પછી રીચીરોડ વ્રજલાલ ગાંધીની દુકાને જઈ ઔષધ લઈ આવું પછી લક્ષ્મી જોડે ખંડાવું અને મારા પર પ્રયોગ કરું. સતત એક જગ્યાએ એકજ મુદ્રામાં લાંબા કલાકો બેસી રહેવાની મારી આદતને કારણે તથા ઋતુ ધ્યાન વિના આયુર્વેદના ગરમ ઔષધોનું સેવન કરવાથી મને ભગંદરની બીમારી લાગી. તેને મટાડવા ૧૯૮૩માં કરેલો અમદાવાદના વૈદ્ય ઈંદુભાઈ દવેનો આયુર્વેદિક ક્ષારસૂત્ર પ્રયોગ નિષ્ફળ ગયો. તેમણે દવાવાળો દોરો ભગંદરની ભૂંગળીને બદલે બાજુમાં પરોવી દીધો હતો, તેથી દોરો ચામડી કાપી બહાર તો નીકળ્યો પરંતુ ભગંદરની ભૂંગળી જેમની તેમ રહી ગઈ. પછીથી આઈએએસ પ્રોબેશ્નર તરીકે ગોધરામાં તાલીમ દરમ્યાન ૧૯૮૬માં સિવિલ હોસ્પિટલમાં ડો. ડામોર પાસે સર્જરી કરાવી ત્યારે તે રોગમાંથી મારો છૂટકારો થયો.

લક્ષ્મી દરરોજ સવારે વહેલી ઉઠે અને આખો દિવસ ઘરનાં નાના મોટા કામ કરી રાત્રે આખા ઘરનાં વાસણ કરી લે પછી છેલ્લે સૂતી. નાની વહુને જમવાનું એટલે છેલ્લે તેથી જે વધ્યું ઘટ્યું હોય તે ખાવું પડે. મોટેભાગે શાકમાં જરાક રસો વધ્યો હોય અને રોટલીના ટૂકડા, તેનાથી પતાવવાનું. મોટા ભાભી રસોઈકામ સંભાળે એટલે લક્ષ્મીને ભાંગે બીજા બધા કામ, કચરાં, પોતાં. ચા, વાસણ, કપડાં, લાકડાં ફાડવાં, સગડી, પિતા માટે ગુજરિયું ભરવું, કપડાંને ઈસ્ત્રી કરવી વગેરે અનેક કામ રહેતાં. શરીરે તે પાતળી અને બેતાલીસ કિલો વજન છતાં ફરિયાદ વિના કામ કરે. સ્લમ્સની એ ગરીબ જિંદગીમાં વધુ કામ અને અપૂરતા પોષણથી તેનું શરીર વધુ ધોવાયું અને તેને જીર્ણ તાવ રહેવા લાગ્યો. મેં ગાંધીનગર સિવિલ લાવી તપાસ કરાવી તો ખબર પડી કે પહેલાં સ્ટેજનો ફેફસાંનો ટીબી થયો છે. હું સચેત થયો, સાવધાન થયો. તેના માટે દવાની વ્યવસ્થા કરી. તેના ભોજન પ્રત્યે સાવધાન થયો. તેના પર કામ સંબંધિત ઘરમાં થતાં અત્યાચારનો વિરોધ કરી તેનું રક્ષણ કરવાનું શરૂ કર્યું. માતા અને ભાઈઓને મારું આ ઉપરાણું લેવાનું ન ગમ્યું પરંતુ બીજાને થતાં અન્યાય સામે અવાજ ઉપાડતો હું મારી જીવનસાથી માટે કેમ કરીને ચૂપ રહું? 

ફેબ્રુઆરી ૧૯૮૧માં તે ગર્ભવતી થઈ. સાતમો મહિનો બેસતાં સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં શ્રાદ્ઘ પક્ષ બેસે તે પહેલાં તેનું સીમંત થયું. પહેલી સુવાવડ તેથી રિવાજ મુજબ તે તેના પિયર ગામ ગઈ અને હજી ગર્ભને સાત મહિના પૂરાં થયાં હતાં ને લેબર પેઇન આવ્યું અને ઘેર જ સુવાવડ થઈ ગઈ. માતા કુપોષિત હતી એટલે બાળક કુપોષિત જન્મ્યું. પ્રીમેચ્યોર બર્થ તેથી બાળક ઓછા વજનનું પરંતુ સુરક્ષિત રહ્યું. તેના નાનાએ તેનું નામ રાખ્યું હતું વિષ્ણુ પરંતુ તે જ્યારે અઢી મહિનાનો થયો ત્યારે મેં તેને પહેલીવાર જોયો અને તેનાથી આકર્ષિત થયો અને તેનું નામ બદલી રાખી દીધું ઉજ્જવલ. લક્ષ્મીની ઉંમર વીસ અને મારી એકવીસ, અમે મા-બાપ બની ગયા. પછી જાન્યુઆરી ૧૯૮૩માં તે ફરી ગર્ભવતી થઈ. ઉજ્જવલ હજી પંદર મહિનાનો હતો અને નબળો હતો. અમે ડો હસમુખ શાહના પત્ની જે પણ ડોક્ટર હતાં તેમને મળ્યાં અને તેમની સલાહ માની. સપ્ટેમ્બર ૧૯૮૩માં અમારે ઘેર બીજા પુત્ર રત્ન ધવલનો જન્મ થયો. તેનું નામ મારા અમેરિકન મિત્ર જયંતી પટેલે સૂચવ્યું હતું. પૂનમનો ચાંદ હવે ઉજ્જવલ અને ધવલ બન્યો. જીવનમાં હવે લક્ષ્મી, ઉજજ્વલ અને ધવલના ભાગ્યબળ મારા ભાગ્યબળમાં જોડાયાં હતાં. લક્ષ્મી જોડે લગ્ન પછી મારી નોકરી લાગી. ઉજ્જવલના જન્મ પછી હું અધિકારી બન્યો અને ધવલના જન્મ પછી આઈએએસ. 

હું ચાલીની સ્ટ્રીટ લાઇટના ઝાંખા અજવાળામાં વાંચવા બેસું ત્યારે ડાબી સાથળે ધવલ અને જમણીએ ઉજ્જવલ બેઠા હોય અને તેમની બંનેની વચ્ચે હું મારી ચોપડી પકડી યુપીએસસીની તૈયારી કરતો તે એક સુંદર દૃશ્ય જોવા જેવું બનતું. એ વખતે ડીઝીટલનો જમાનો હોત તો એકાદ ફોટો સ્મૃતિ તરીકે મળ્યો હોત. 

૧૯૮૪માં અમદાવાદમાં મિલો બંધ થઈ. મારા પિતા અને એક મોટાભાઈ બેરોજગાર થયાં. હું સેક્શન અધિકારી હતો અને મારાથી મોટા વચેટ ભાઈ બેંકમાં કારકૂન એટલે ઘરમાં કોઈ આર્થિક સમસ્યા ન હતી. વળી બંને કામદારોના સર્વિસના નાણાં મળ્યા હતા. પરંતુ ૧૯૮૫માં મારી પસંદગી IASમાં થતાં જેવી ખબર પડી કે મારે હાલની નોકરી છોડી બીજી નોકરીની તાલીમમાં એક વર્ષ મસૂરી જવાનું છે, ઘરનાં બધા નારાજ થઈ ગયા. બા કહે, નથી જવું. મારે તો છોકરો જાય અને છોકરાની રોળ પણ જાય. અહીંની નોકરી શું ખોટી છે? તે વખતે અમારા વિસ્તારના યુવાનોએ રમણપુરાના નાકે મારો સત્કાર સમારંભ યોજેલો તેમાં પિતાજી આવેલાં તેથી તેમને IAS વિષે તો કંઈ ખબર નહીં, પરંતુ મને કોઈ મોટી નોકરી મળી છે તેવી ખબર. મોટા બે ભાઈઓમાં એકની મિલ બંધ તેથી તે ચૂપ અને બીજાને એમ કે હવે ઘર આખાનો ભાર તેના માથે આવવાનો છે તેવી ઓછી સમજણને કારણે તેનું વર્તન બદલાયું. 

હું સચિવાલયમાંથી ૨૩ ઓગસ્ટ ૧૯૮૫ના રોજ ફરજમુક્ત થયો. એક સુટકેસ ખરીદી, બે જોડી કપડાં, મારા અમેરિકન મિત્ર જયંતીએ આપેલી એક પીળી ટાઈ, એક ચાદર અને પિતાએ લાવી આપેલી રેમન્ડની ગરમ શાલ મૂકી ૨૪ ઓગસ્ટે સર્વોદય ટ્રેન પકડી હું અમદાવાદથી રવાના થયો. મારું કુટુંબ, ભાઈ-ભાભી, બહેન-બનેવી, ભત્રીજાવૃંદ, ચાલીના અને રાજપુરના જુવાનિયા, ગંગારામ ભગત, સોમાભા, સાળા, મિત્ર વર્તુળ વગેરે સૌ અમદાવાદ રેલવે સ્ટેશને મૂકવા આવ્યા. તેમાં આવેલી લાજ કાઢેલી લક્ષ્મી અને નાનકડાં ઉજજ્વલ, ધવલ નોખા તરવરતા. મારા સેક્શન અધિકારી બેચમેટ જશવંત આચાર્ય, અમૃત ભગત, હરીશ મડિયા આવ્યા. મિત્રોમાં ભીખાભાઈ અને એ.ડી. પટેલ સહકુટુંબ આવ્યા. મારા બસ મિત્ર રમણ મહેરિયા, તેમના મોટાભાઈ મણીલાલ, બિપિન, મોતીલાલ જોડાયા. બીજા મિત્રો મૂળચંદ રાણા, કમલેશ ગોરડિયા, કિરીટ અધ્વર્યુ પણ આવ્યા. છ દિવસ પછી ૩૦ ઓગસ્ટે રક્ષાબંધન હતી તેથી બહેન રમીલાએ રેલવે સ્ટેશને રાખડી બાંધી ભાઈને વિદાય આપી. કન્યા સાસરે જતી હોય અને પાધર ગામ આખું મૂકવા આવ્યું હોય તેવો માહોલ થયો. રડીને મેં સૌની વિદાય લીધી. 

ટ્રેનમાં મને મજૂર મહાજનના મનહરભાઈ શુક્લનો ભેટો થયો. સમાજ વિકાસની ઘણી વાતો કરી. બીજા દિવસે સવારે દિલ્હી રેલવે સ્ટેશને ઉતરી બસ અડ્ડાથી દેહરાદૂનની બસ પકડી બપોર પછી દેહરાદૂન પહોંચ્યો. ત્યાં એકેડમી તરફથી લાયઝનની વ્યવસ્થા હતી તેથી સંકલન કરી શેરીંગ ટેક્ષીમાં બેસી સંધ્યા ટાણે અમે મસૂરી પહોંચ્યા. મને નર્મદા હોસ્ટેલમાં રૂમ ફાળવેલ હતો તેથી ચાવી લઈ રૂમમાં સામાન મૂક્યો. રાત્રે ઠંડીનો અનુભવ કરતાં કરતાં મેસમાં જમ્યો અને બીજા દિવસે ૨૬ ઓગસ્ટ ૧૯૮૫ના રોજ રજીસ્ટ્રેશન કરાવી ભારતીય વહીવટી સેવામાં દાખલ થઈ ગયો. 

બીજી તરફ જેવું મેં અમદાવાદનું રેલવે સ્ટેશન છોડ્યું અને ઘેર લક્ષ્મીને મહેણાં ટોણાંનો સામનો શરૂ થયો. મારો સચિવાલયનો પગાર બંધ થયો અને મસૂરીથી પગારની શરૂઆત ઓક્ટોબરથી થઈ તેથી વચ્ચે એક મહિનાની ગેપ પડી ગઈ. મારે બટન અપ બનાવવા, મેસ બીલ ભરવાં અને બીજા પરચુરણ ખર્ચ માટે નાણાંની જરૂર તેથી ખર્ચ કાઢી પહેલું મનીઓર્ડર હું ઓક્ટોબરમાં જ કરી શક્યો. બસ ઘરના સભ્યોએ મોકાનો લાભ ઉઠાવ્યો. લક્ષ્મીથી ન સહેવાયું. તે રિસાઈને બે દીકરા લઈ તેના પિયર જતી રહી. મારી બા જઈ તેને પાછી તેડી લાવી અને એક અઠવાડિયુ અમદાવાદ રહી તેઓ ભટારિયા રહેવા ગયા. ચારેક મહિના મારા માતા પિતા, લક્ષ્મી અને ઉજ્જવલ, ધવલ ભટારિયા રહ્યાં. અહીં એક તરફ હું મસૂરીની વાદીઓ, લબાસનાની તાલીમ, ટ્રેકિંગની મસ્તીમાં ખોવાયો અને લક્ષ્મી ખેતરના સેઢે બે બાળકોને બેસાડી બાજરી વાઢવામાં અને પાટલી ભરડી એરંડા કાઢવામાં વ્યસ્ત રહેતી. 

પરંતુ ગામમાં પણ ક્યાં સુખ હતું? ખેતરનું કામ અને ગામમાં જાઓ તો અસ્પૃશ્યતાનો સામનો કરવાનો. ગામમાં પંચાયતનો બોરવેલ ડીઝલ એંજિનથી ચાલે પરંતુ પીવાનું પાણી ભરવાની રોજની રામાયણ. ગામ આખું બોરકૂવાના નળેથી તાજું પાણી ભરી લે પછી છેલ્લે કુંડીમાં જૂનું નવું ભેગું થાય તેમાંથી પાણી ભરવાનું. કપડાં ધોવાના ઘાટે ઉપલી વર્ણની મહિલાઓ સાથે બેસી કપડાં ધોવાય નહીં. લક્ષ્મીએ આ અન્યાયનો મોટા અવાજે વિરોધ કર્યો, ગામ આખા સામે થઈ અને સામાજિક અસમાનતા સામે લડવા ગામમાં તેણે પહેલ કરી. મારી બા તેને સૌથી ભાગ્યશાળી ગણતી અને તેની નીડરતા અને હિંમત જોઈ કહેતી કે તે “મારા ઘરનો વાઘ” છે. 

૧૯૮૬માં મને પંચમહાલ જિલ્લો મળતાં જિલ્લા તાલીમમાં જોડાયો પરંતુ સરકારી કોઈ ક્વાર્ટર હતું નહીં. ખાનગીમાં કલેક્ટર કચેરી નજીક ભાડાનું ઘર મેળવવા પ્રયત્ન કર્યો  પરંતુ જાતિ આડી આવી. એક પત્રકાર ટપુભાઈ પરમાર ક્યાંક એક રૂમ શોધી લાવ્યાં પરંતુ રૂમમાં પંખો, લાઈટ, પલંગ કશું જ નહીં. તેના કરતાં તો અમારું સરકારી ગેસ્ટ હાઉસ શું ખોટું? સરકારી ગેસ્ટ હાઉસમાં સળંગ પંદર દિવસ રહી શકવાનો નિયમ તેથી જેવા પંદર દિવસ પૂરા થાય એટલે એક દિવસનો બ્રેક કરી ફરી એન્ટ્રી કરી ચલાવ્યું. મેનેજર જોશી અને રસોડે મહારાજે મારી સારી સારસંભાળ રાખી. વાહન તો હતું નહીં અને ગેસ્ટ હાઉસ કલેક્ટર કચેરી નજીક તેથી ચાલતાં કામ ચાલતું. 

આરડીસી દિલીપભાઈ ધારૈયાએ મને મદદમાં એક નવો પટાવાળો ૧૯ વર્ષનો રૂપો ચારેલ આપી દીધો હતો. અમારા કલેકટર હરેશ પાત્ર સાહેબ એટલે રાજા માણસ. તેમની વાત કરવી હોય તો વિગતે માંડીને કરવી પડે. તેમના પીએ અરવિંદ પટેલથી અમે કામ પતાવી લેતાં. જિલ્લા વિકાસ અધિકારી મહેશ્વર શાહુ સાહેબને ત્યાં ક્યારેક પાર્ટી હોય ત્યારે જમવાનો જોગ થતો. પ્રાંત અધિકારી રીટા તેઓટિયાની સાથે તેમની જીપમાં ગાંધીનગર આવવાનો મોકો મળ્યો પછી તેમને બઢતી મળતાં તેમની જગ્યાએ નવા પ્રાંત અધિકારી આવ્યાં.

અમારા નસીબે આરડીસી કંપાઉન્ડમાં જે સરકારી ફ્લેટ બનતાં હતાં તે ઓક્ટોબર ૧૯૮૬માં પૂરાં થયાં અને મને ભોંયતળિયાનો એક ફ્લેટ એલોટ થયો. જેવો સરકારી ફ્લેટ મળ્યો કે હું લક્ષ્મી, ઉજ્જવલ, ધવલને ગોધરા લઈ આવ્યો. રસ્તામાં ડાકોરથી રસોડું ચાલુ કરવાની વસ્તુઓ સાણસી, તપેલી, ચમચા, ઝાડુ, વગેરે જરૂરી સામાન ખરીદ્યા. હું તો સ્લમની જિંદગીથી ઓગસ્ટ ૧૯૮૫માં છૂટી ગયો હતો પરંતું લક્ષ્મી, ઉજ્જવલ અને ધવલનો હવે છૂટકારો થયો. ચાલીની પતરાની છતવાળી ઓરડી છોડી ધાબાવાળા બે બેડરૂમ, હોલ અને કીચનવાળા મકાનમાં અમે છૂટી એક નવી જિંદગીની શરૂઆત કરી.

ફ્લેટમાં અમને નવી કંપની મળી. અમારી સામે એડીશનલ ડિસ્ટ્રિક્ટ જજ ગિરીશભાઈ જોષી અને તેમના પત્ની ભાવનાબેન રહે. ગિરીશભાઈ વિશેષ યાદ રહે કેમકે તેઓ ન્હાતી વખતે માથુ ના ધુએ કારણ કે ધુએ તો શરદી થઈ જાય. તેમના પત્ની તેમને મહિને એકવાર રવિવારે માથે ધોઈ આપતાં. ઉપર પહેલાં માળે પ્રાંત અધિકારી જોષી સાહેબ અને તેમના પત્ની ઊર્મિલા માસી અમારું સારું ધ્યાન રાખતા. જુના ફલેટમાં રહેતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રજનીકાંત પટેલ અને તેમના પત્ની રંજનબેન વાતચીતમાં સારા. રજનીકાંત તો પછી નાની વયે અવસાન પામેલા. આરડીસી કનુભાઈ અને તેમના પત્ની કોકિલાબેન મદદ પડે તો ઊભા રહે. જજ ગિરીશભાઈની વડોદરા બદલી થતાં નવી કંપનીમાં જહાંગીરભાઈ અને ભગવતીબહેન જોડાયા તે પણ મળતાવડા. જોષી સાહેબ નિવૃત્ત થતાં નવાં આવેલ પ્રાંત અધિકારી ગામેતી અને તેમનાં પત્ની  સવિતાબેન જોડાયા. બાળકોમાં ઉજ્જવલ ધવલને સાથે રમવાં પીનસ, ફાલ્ગુની, પૂર્વી, ડિંગલ, મિલી, ચિરાગ, વગેરેનું ગ્રુપ મળ્યું. ઉજ્જવલ સેંટ આર્નોલ્ડ સ્કૂલમા દાખલ થયો અને ધવલ તેનો શાળા યુનિફોર્મ પહેરી આ બાજુના દરવાજેથી બસમાં ચડી બીજી બાજુના દરવાજે ઉતરતો થયો. નર્ક જેવા સ્લમથી દૂર ક્ષિતિજે અમારાં એક નવા સામાજિક જીવનની અને ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત થઈ. 

એક વ્યક્તિની સફળતા તેની એકલાની નથી, તેના ઘણાં ભાગીદાર હોય છે. લક્ષ્મી મારી કારકિર્દીની સફળતાનો મોટો ભાગીદાર. મારા જીવનરથનો એ મજબૂત આધાર. મારાથી રથ હાલકડોલક થાય તો રાશ પકડી મજબૂતીથી સંભાળી લે. તેના સંગ ૪૭ વર્ષ પસાર કર્યા. હજી તો તેના સંગ માણેલી જીવનની ખાટી મીઠી યાદો અને ઉતાર ચડાવ વિષે લખવાનું ઘણું બાકી છે.

૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫

Thursday, September 18, 2025

ભારતીય વહીવટી સેવામાં મારો પ્રવેશ (૧૨)

ભારતીય વહીવટી સેવામાં મારો પ્રવેશ (૧૨)

(જાહેર સેવાઓનો મારો પ્રવાસ)

૧૯૭૮માં લગ્ન, ૧૯૭૯થી સચિવાલયમાં નોકરી, ૧૯૮૦માં બી.કોમ.માં ડિસ્ટિંકશન અને લક્ષ્મીના ત્રીજા આણાંથી જીવન પ્રવેશ પછી મારું સાંસારિક જીવન ગોઠવાઈ રહ્યું હતું. ત્યાં મારી નજર છાપામાં માર્ચ ૧૯૮૧માં આવેલી ગુજરાત જાહેર સેવા આયોગની એક જાહેરાત પર ગઈ. હજી મારે એકવીસ વર્ષ થયા નહોતા તેથી ગ્રેજ્યુએટ આધારિત પરીક્ષાઓ આપવાની વાર હતી તેથી હું જાહેરાતો ઓછાં ધ્યાનથી જોતો. પરંતુ તે દિવસે મેં ઉંમરની શરતમાં ૧ ઓગસ્ટ ૧૯૮૧ના રોજ એકવીસ પૂરા થતાં હોવાની શરત વાંચતાં જ મારી આંખોમાં ચમક આવી ગઈ. મારી રેકર્ડ જન્મ તારીખ ૨૮/૭/૧૯૬૦ હોવાથી ત્રણ દિવસના લાભથી હું અરજી કરવા લાયક ઠરતો હતો. મેં પછી જાહેરાત પૂરા ધ્યાનથી વાંચી. છ વિષયોની ત્રણ ત્રણ કલાકની લેખિત પરીક્ષા અને પછી ઈન્ટરવ્યુ. ગુજરાતી, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન ફરજિયાત. બાકીના ત્રણ વિષયો લીસ્ટમાંથી પસંદ કરવાના. આંકડાશાસ્ત્ર મારે પાકું હતું. એકાઉન્ટન્સી હું કોલેજમાં પ્રી અને ફર્સ્ટમાં ભણેલો. ત્રીજો વિેષય રાજ્યશાસ્ત્ર આઝાદી આંદોલન અને બંધારણનો મને ગમતો તેથી તેની પસંદગી કરી મેં ફોર્મ ભરી દીધું. વર્ગ-૧ની એક બિનઅનામત જગ્યા જિલ્લા રજિસ્ટ્રારની અને બીજી અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી તેથી નાયબ કલેક્ટરનુ માંગણાપત્ર ન હતું. 

મુખ્ય ભરતી તો સચિવાલયમાં સેક્શન અધિકારી અને જિલ્લાઓમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓની જગ્યાઓ માટેની હતી. અમે સચિવાલયના કર્મચારી તેથી અમારી નજર સેક્શન અધિકારીની જગ્યા પર મંડાયેલી રહેતી. ડીસેમ્બર ૧૯૮૧માં પરીક્ષા લેવાઈ, મારો બેઠક નં ૨૭૦૩ (નં૩) મારા માટે લકી હતો. ૧૯૮૨ના ઉનાળામાં ઈન્ટરવ્યુ થયાં અને જુલાઈ-ઓગસ્ટમાં પરિણામ આવ્યું તો હું આશ્ચર્યચકિત થઈ ગયો. જનરલ મેરિટમાં હું રાજ્યમાં ત્રીજા ક્રમે પસંદ થયો હતો. ડીસેમ્બર ૧૯૮૨માં ગેઝેટ બહાર પડ્યું ત્યારે ૨૨ વર્ષની ઉંમરે હું રાજ્યપત્રિત અધિકારી બની રહ્યો હતો. મેં વિષયવાર માર્ક્સ જોવડાવ્યા તો મારા લેખિત પરીક્ષાના માર્ક્સ ખૂબ સારા હોવાથી ઈન્ટરવ્યુના માર્ક્સૈ મારી મેરીટને એકદમ ટોચના ક્રમમાં લાવી દીધી હતી અને સચિવાલયમાં જાણીતો ચહેરો બનાવી દીધો હતો. પરંતુ ઈન્ટરવ્યૂના માર્કસથી અસંતુષ્ટ કેટલાક ઉમેદવારો પૈકી એક જનક ભટ્ટ હાઈકોર્ટમાં ગયાં, જેને કારણે અમારી નિમણૂકમાં નવેક મહિનાનો વિલંબ થયો હતો. તે દરમ્યાન ગુજરાત જાહેર સેવા આયોગની મદદનીશ (હાલ નાયબ સેક્શન અધિકારી)ની પરીક્ષા મેં જનરલ મેરીટ પર પાસ કરી દીધી હતી. તેમાં નિમણૂક મળતા ફેબ્રુઆરી ૧૯૮૩માં સ્પીપાની તાલીમ લઈ સિંચાઇ વિભાગમાં મારી નોકરી ચાલુ થઈ. હવે વાટ તો માત્ર સેક્શન અધિકારી તરીકે નિમણૂકની જોવાતી હતી. છેવટે કોર્ટે પસંદગી યાદીને વિભાજિત કરી ટકોરાબંધ મેરીટવાળા ઉપરના ક્રમના ઉમેદવારોને નિમણૂક આપવા સંમતિ આપતાં સેક્શન અધિકારી (પ્રોબેશનર) તરીકે મારી નિમણૂક નર્મદા અને જળસંપત્તિ વિભાગમાં થતાં હું ૧૬ ઓગસ્ટ ૧૯૮૩ ના રોજ હાજર થઈ ગયો. 

અમારી તાલીમ સરદાર પરેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) અમદાવાદ (ન્યૂ મેન્ટલ)માં થઈ. તે વખતના સ્પીપાના નાયબ નિયામક ભાગ્યેશ જ્હા અમારા કોર્સ ડિરેક્ટર બન્યાં. તેમની સાથે ગુજરાત દર્શનના ભાગરૂપે કરેલ સાપુતારા પ્રવાસ યાદગાર રહ્યો. પ્રવાસ દરમ્યાન ઝાડેશ્વર ભરૂચમાં મેં જીવનમાં બટાટા પૌંઆનો પહેલીવાર સ્વાદ લીધો. પ્રવાસમાં ઉકાઈ સિંચાઇ ગેસ્ટ હાઉસનું રાત્રિ રોકાણ કેમ ભૂલાય? જેવા થાકેલા પાકેલા રાત્રે મચ્છરદાનીવાળા પલંગમાં ઘૂસ્યા તેવા મોટા ડાંસ જેવા મચ્છરોએ આખી રાત શરીર ફોલી ખાધું. સવારે તો ખુલ્લા એટલાં ભાગમાં ઢીમચા પડી ગયેલ. સાપુતારામાં શિક્ષણ સંસ્થા ઋતંભરાની મુલાકાત, નાગલીનાં પાપડ અને વાંસનાં અથાણાંનો સ્વાદ કેમ કરી ભૂલાય? 

મારી સચિવાલયની પહેલી નોકરી (૧૯૭૯-૧૯૮૨) ગૃહ વિભાગમાં અને ચંદ્રમૌલી સાહેબ અમારા સચિવ. બીજા એક ગોપાલાસ્વામી સાહેબ અને તેમની પછી આવેલાં આનંદ ભારદ્વાજ સાહેબ અમારાં સંયુક્ત સચિવ. તેમની ચેમ્બર બહાર લટકતી નેમ પ્લેટ જોઈ તેના પર નામ નીચે લખેલ આઈએએસ વાંચી શરૂ શરૂમાં મને પ્રશ્ન થતો કે એ શું હશે? હું બી.કોમ. થયેલો તેથી થતું કે શું બી.કોમ. જેવી કોઈ ડિગ્રી હશે? પરંતુ સચિવાલયમાં એકાદ બે જણ યુપીએસસી પ્રિલીમ પાસ થયાની વાતો થતી તેથી મારા બે સહાધ્યાયી એ.ડી. પટેલ અને કાન્તિ પ્રજાપતિ સાથે રહી યુપીએસસીની જાહેરાત આવતાં મેં ડિસેમ્બર ૧૯૮૧માં ફોર્મ ભરેલું. મારું ધ્યાન તે વખતે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પર હોવાથી યુપીએસસી પરીક્ષા માટે મારી કોઈ ગંભીરતા નહીં. ન તો પરીક્ષા વિશે કોઈ સમજ કે ન કોઈ તૈયારી. બધાં કહે બહું જ અઘરી પરીક્ષા તેથી આપણે ધ્યાન છોડી દીધેલું. પરંતુ એવાકમાં ૧૯૮૨ના મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક ઘટના બની. 

હાથીખાઈ પોઈંટની બસથી હું ગાંધીનગર જતો તેમાં એક હરિભાઈ પટેલ આવતાં. તેઓ બાપુનગર પોઈંટથી બેસે અને હું હાથીખાઈથી. બંનેનુ બેસવાનું અલગ અલગ જગ્યાએ તેથી અમારો પરિચય નહીં. પરંતુ તે દિવસે બધાં તેમને અભિનંદન આપવા લાગ્યા તેથી મેં પણ અભિનંદન આપ્યાં અને અભિનંદનનું કારણ પૂછ્યું તો ખબર પડી કે તેઓ યુપીએસસી પરીક્ષા પાસ કરી આઈએએસ થયા છે. તેઓ સામાન્ય વહીવટ વિભાગમાં પ્લાનિંગ શાખામાં સેક્શન અધિકારી. મેં માર્ગદર્શનની વાત કરી તો કહે પૂનમભાઈ બપોરે રિસેશના સમયે મારી જગ્યાએ આવજો. હું ગયો એટલે તેઓ વિશેષ કશું બોલ્યા વિના ટેબલનું ખાનું ખોલી મને Employment Newsની નકલ પકડાવી દીધી. કહે આમાં બધું જ છે. હું તે કોપી લઈ પાછો ફર્યો અને એકજ બેઠકે જાહેરાત, શરતો, વિષયોની યાદી, સીલેબસ બધું વાંચી ગયો. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ થતું કે આ તો આપણે કોલેજમાં આપતાં હતાં તેવી એક પરીક્ષા છે. ચાલો આપી તો જોઈએ? 

મેં તે રવિવારે (૩૧/૫/૧૯૮૨) એક મિત્ર એ. કે. પરમારની મુલાકાત લીધી. તેમણે અગાઉ પરીક્ષા આપી હતી પરંતુ બેંકમાં ઓફિસરમાં પાસ થવાથી તેમને હવે યુપીએસસીની પરીક્ષામાં રસ નહોતો તેથી તેમણે તેમની પાસેની એક હિસ્ટ્રીની મલ્ટીપલ ચોંઈસના પ્રશ્નોની અપેક્ષિત હતી તે મને આપી દીધી. સોએક પાનાની બુકમાં મલ્ટીપલ ચોઈસના પ્રશ્નો હતા. ૧૦ જૂન ૧૯૮૨ ના રોજ પરીક્ષા હતી. મારી પાસે તૈયારી કરવાં ગણીને નવ દિવસ. મેં નવ દિવસની હક્ક રજા (EL) મૂકી અને કાંકરિયા નગીનાવાડી પહોંચી ગયો. ત્યાં યુપીએસસીની તૈયારી કરતાં ઉમેદવારો વાંચતાં. મારી પાસે એક માત્ર મિત્ર એ. કે. પરમારે આપેલી અપેક્ષિત. તે પ્રિલીમમાં મેં વૈકલ્પિક વિષય તરીકે બીજાનું જોઈ ઈતિહાસ રાખેલો. કોમર્સના સ્ટુડન્ટ તરીકે ઈતિહાસનો શાળામાં ભણ્યા પછીનો મારો આ બીજો ટકરાવ હતો. મારા નસીબે બે એક ભાઈઓ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણના પુસ્તકો લઈ વાંચવા આવે. મેં વિનંતી કરી કે તેઓ જે બુક વાંચે તે સિવાયની થેલામાં રહેલી બુક્સ મને વાંચવા આપે. તેમણે હા ભણી એટલે મેં રોજના તેર કલાક લેખે વાંચવાનું શરૂ કર્યું. લગભગ ઉપલબ્ધ થયાં તેટલાં પુસ્તકો વાંચી નાંખ્યાં. કલાકના પચાસ પાનાંની ઝડપે હું રોજના લગભગ ૬૫૦ પાનાં વાંચી જતો તે લેખે નવ દિવસમાં મારે સાત થી આઠ હજાર પાનાંનું વાંચન થયેલું. વળી ઘડતર તો શાળા કોલેજ જીવનથી હતું તેથી આગે આગે દેખા જાએગા, “યાહોમ કરીને પડો, ફતેહ છે આગે” કરીને આપણે તો ૧૦ જૂનની પરીક્ષા આપી દીધી. ઓગસ્ટમાં પરિણામ આવ્યું તો સૌના આશ્ચર્ય વચ્ચે આપણે પ્રિલીમ પાસ થઈ ગયેલાં. પછી ઓક્ટોબર-નવેમ્બરમાં ૧૯૮૨માં મેઈન પરીક્ષા આવી. બે વૈકલ્પિક વિષયોમાં ઈતિહાસનું તો ગાંડું ગબડાવી લેવાય પરંતુ હરિભાઈના વિષયોનું જાણી જે એકાઉન્ટન્સી વિષય રાખેલો તેનો કોર્સ કેમ કરી પૂરો કરવો? જોર કરી જોયું પણ જામ્યું નહીં અને તે વિષયની પરીક્ષા આપવા ગયો તો તે દિવસે વાવાઝોડું. પ્રભુદાસ ઠક્કર કોલેજની લોખંડની તૂટેલા કાચવાળી બારીઓ બંધ થાય નહીં અને શટર પવનના જોરથી જોર જોરથી ભટકાય અને મોટો અવાજ કરે. પવનના સુસવાટાને કારણે પેપર માંડ માંડ પકડી રાખીને લખાય. ઠંડી, પવન અને અવાજે મનને અસ્થિર અને વિચલિત કરી દીધું. તે દિવસના બંને પેપર્સ બગડ્યા અને પરિણામ આવ્યું ત્યારે આપણે થોડાક માર્ક્સના છેટાંથી ઈન્ટરવ્યુ માટે પસંદ ન થયાં. 

પરંતુ બેલેન્સશીટમાં હવે પ્રથમ પ્રયત્ને પ્રિલીમ પાસ થવાનો સ્વાદ હતો અને વિષય પસંદગીમાં ઓછી ગંભીરતા કેવું નુકસાન કરે તેનો અનુભવ. મેં એક મિત્રના મિત્ર મયંક પટેલને મળી તેમના પિતા પ્રોફેસર જશુભાઈ પટેલનો સંપર્ક કર્યો. તેઓ સ્વામિનારાયણ કોલેજમાં ઈતિહાસના પ્રાધ્યાપક. તેમણે મને સ્વામીનારાયણ કોલેજમાં ઉપલબ્ધ પુસ્તકો અપાવ્યાં. તેમણે લખેલા બેએક પુસ્તકો આપ્યાં. હું શેઠ મગળદાસ લાયબ્રેરીનો સભ્ય થઈ ત્યાંનું કાર્ડ લઈ આવ્યો. કેટલુંક રીચી રોડ અને વિક્ટોરિયા ગાર્ડનનું ગુજરી બજાર ફેંદી આવ્યો. આખા અભ્યાસક્રમનું એક જગ્યાએ મળે તેવો જમાનો નહીં. એ વખતનું ગૂગલ એટલે આપણું પોતાનું મગજ. જ્યાં ત્યાંથી જે મળે તે ટૂકડા સાંધી હું વાંચતો ગયો. નોકરીમાં બાની બીકે દહાડા પડાય નહીં. બસનો, રીસેસનો કે કામ ન હોય તેવાં કચેરીના સમય અને રજાના દિવસોનો વાંચનમાં ઉપયોગ કરવાનો હોય. GSRTCની પોઈંટની બસની સીટ એ જ આપણી લાયબ્રેરી અને આપણી તાલીમ એકેડમી. નર્મદા અને જળ સંપતિ વિભાગમાં સેક્શન અધિકારી દિલીપભાઈ રાવલ શાખા તાલીમ દરમ્યાન મને કચેરી સમયમાં વાંચવાની છૂટ કરી આપતાં તે કેમ ભૂલાય? 

મારું વાંચન વિશાળ પરંતુ ટૂકડાઓમાં. ઉધારના પુસ્તક પાછા આપવાના હોય અને પુસ્તક કે નોટ માટે પાઈનો પણ ખર્ચ કરવાનો નહીં. તેથી જે વાંચ્યું તેની નોંધ તૈયાર કરવી જરૂરી જણાઈ. અમારી જીપીએસસી પસંદગી કેસ સંદર્ભે હાઈકોર્ટ જઈએ ત્યારે વકીલ નિરંજન પંડ્યા અને સામે પક્ષે ભાસ્કર તન્ના જે બ્રીફ લઈ દલીલો કરે તે કાગળ વચ્ચેથી વાળેલો રાખે. કોર્ટના બધાં વકીલો તેમ જ કરતાં. મારા મોટા ભાઈ કનુભાઈ મિલ કામદારમાંથી રોજગાર વિનિમય કચેરીના એક ઇન્ટરવ્યૂમાં પાસ થઈ બેક ઓફ બરોડામાં પહેલાં પટાવાળા અને પછી બઢતીથી કારકુનની નોકરી કરતાં. તેઓ મારી મદદમાં આવ્યા. બેંક શાખામાં જે વેસ્ટ પેડ હોય તે મને લાવી આપતાં. હું વાંચુ અને તે કાગળોને ડબલ ફોલ્ડ કરી નોંધ-મુદ્દા ટપકાવતો જાઉં. જેવું વાંચન પૂરું થાય એટલે નોંધ પર ફરી એકવાર નજર મારી લઉ. પરીક્ષાના દિવસે પણ ઝડપથી એક નજરે વિહંગાવલોકન કરવાનું એ હાથવગુ સાધન હતું. મે જૂન ૧૯૮૩માં લેવાયેલ પ્રિલીમ પાસ કરી, પછી ઓક્ટોબર-નવેમ્બરની મેઈન આપી પાસ કરી અને એપ્રિલ ૧૯૮૪માં યુપીએસસી દિલ્હીમાં ઈન્ટરવ્યૂ આપી IRSમાં પસંદગી પામ્યો. મારી ઉંચાઈ ૧૬૩ સેમી તેથી IPS ભરેલું નહીં. પરંતુ મેરીટ મુજબ IPS પસંદગીનો અધિકારી હતો. તે ઈન્ટરવ્યુ આપવા દિલ્હીનો અને ગુજરાત ભવનનો એ મારો પહેલો પ્રવાસ હતો. ગુજરાત ભવનના ખીચડી કઢી બહું ભાવતાં. હું ચાર દિવસ પહેલાં ગયો હતો તેથી બે દિવસ ચાલીને ધોલપુર હાઉસ જઈ બહાર ઊભા રહી ઈન્ટરવ્યુ આપી બહાર નિકળતા ઉમેદવારોને પૂછી ઈન્ટરવ્યુ કેવું હોય તેનો અંદાજ કાઢતો. 

હું માતાપિતા સાથે સંયુક્ત કુટુંબમાં ખુશ હતો અને સચિવાલયની નોકરી સ્થાયી અને સ્થિર હતી તેથી IRSમાં નાગપુર તાલીમમાં હાજર ન થયો. એકવાર extension માટે અરજી કરી ખેંચ્યુ. વળી જીપીએસસી વર્ગ-૧ પસંદગીમા તક ઉભી હતી તેથી IAS અને ગુજરાત મળે તો જ જવું તેવું નક્કી કરી મેં તે તક છોડી દેવા નિર્ણય કર્યો. મેં જ્યારે ૧૯૮૩ મેઈન્સ પરીક્ષાની માર્કશીટ જોઈ તો ખબર પડી કે જો ત્રણ માર્કસ વધુ આવ્યા હોત તો IAS@1984 હોત. જે પેપર્સ સારા ગયા હતાં તેમાં મને ઓછા ગુણ મળ્યા હતાં, કારણકે પ્રશ્નપત્રમાં જવાબ આપવાની બાંધેલી શબ્દોની મર્યાદાને હું ગણી ગણીને વળગી રહ્યો હતો. કેટલાક જવાબો મને ખૂબ સારા આવડવા છતાં શબ્દોની મર્યાદાને ગણી મુદ્દાઓ લખી છોડતાં મેં માર્કસ ગુમાવ્યા હતાં તે ભૂલ દેખાણી. આવડે છતાં શબ્દ મર્યાદાની પાળમાં બંધાઈ હું અનાડી સાબિત થયો હતો. 

પછી આવી જૂન ૧૯૮૪ની પ્રિલીમ, ઓક્ટોબર-નવેમ્બરની મેઈન્સ, એપ્રિલ ૧૯૮૫માં ઈન્ટરવ્યુ. ત્રણેય કોઠા પાર કરી મે ૧૯૮૫માં IAS તરીકે પસંદગી મેળવી લીધી. આ વખતે તો મેં માત્ર પરીક્ષાના દિવસની આકસ્મિક રજા (CL) લઈ પરીક્ષા આપી હતી અને પરિણામમાં ચારસોથી વધુ રેન્કનો સુધારો કરી લીધો હતો. આ ઈન્ટરવ્યુ પહેલા મારી સાથે એક આશ્ચર્યજનક ઘટના બની. ઈન્ટરવ્યુ માટે તૈયાર થવા વાળ કપાવવા હું કાન્તિભાઈ શર્માની શોપ પર ગયો. ત્યાં લાઈન હતી તેથી દુકાન બહાર રાખેલ બાંકડા પર પ્રતિક્ષામાં બેઠો. બાજુમાં બે-ત્રણ જૂના મેગેઝિન પડ્યા હતાં. મેં નજર કરી તો સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગેના જુદા જુદા કમીશનોના અહેવાલોનું વિશ્લેષણ કરતો એક લેખ હતો. હું ધ્યાનથી વાંચી ગયો. પચીસ મિનિટના એ ઈન્ટરવ્યુમાં સુભાષચંદ્ર બોઝ અને ગાંધીની સરખામણી અને તેમના મોત વિષેના પૂછાયેલા પ્રશ્નોએ મારી સફળતાને મહોર મારી દીધી.

તે વર્ષે સલામતી માટે મેં જીપીએસસી વર્ગ-૧ની પરીક્ષા આપી હતી તેમાં પણ જનરલ મેરીટ પર મારી વર્ગ-૧માં પસંદગી થઈ હતી. પરંતુ હવે IAS અને ગુજરાત કાડર મારી પાસેથી કોઈ છીનવી શકવાનું ન હતું. માત્ર ફોર્મ ભરવાના પોસ્ટલ ઓર્ડરના ખર્ચે મળેલી એ સફળતા મોટી હતી. 

૧૯૭૯ થી ૧૯૮૫ સુધીના એ છ વર્ષમાં મારા હાથમાં નોકરીના બાવીસ ઓર્ડર આવી ગયા હતા. બેંકીંગ સર્વિસ રિક્રૂટમેન્ટ બોર્ડની રમતાં રમતાં આપેલી પરીક્ષામાં પ્રોબેશનરી ઓફિસરની પસંદગી યાદીમાં વેસ્ટ ઝોન આખામાં મારો મેરીટ નંબર ત્રીજો હતો. સ્ટાફ સિલેક્શનમાં કસ્ટમ ઈન્સ્પેકટરની પરીક્ષા પાસ કરી ત્યારે વડોદરા જઈ સાયકલ ટેસ્ટ આપવાનો હતો. મને સાયકલ આવડે નહીં તેથી એક પટાવાળાભાઈની નીચી સાયકલ લઈ મેં હિંમત કરી સાયકલ ચલાવી તે નોકરીનો ઓર્ડર પણ મેળવી લીધો હતો. આ ઉપરાંત કેન્દ્રીયકૃત ભરતી, રેલવે, જીપીએસસી, યુપીએસસી, જે પણ નિમણૂક એજન્સીઓ હતી ત્યાં બધે જ સફળ થતો રહ્યો. 

મારી સફળતાથી હિતેચ્છુ સૌ રાજી હતાં. મારું નામ હવે સચિવાલયમાં ખૂબ જાણીતું નામ હતું. મારું દૃષ્ટાંત લઈ ઘણાં સહકર્મી જીપીએસસીની ૧-૨ અને યુપીએસસી અને બીજી પરીક્ષાઓમાં સફળ થયાં હતાં. પરંતુ મારી IASમાં પસંદગીની સફળતા અમારા સચિવાલયના એક સાથી મિત્રને ઈર્ષ્યા કરાવી ગઈ, જે આગળ જઈ મને અવરોધક સાબિત થવાની હતી. 

૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫

Wednesday, September 17, 2025

પિતાની મેમ્બરી અને મારો જાહેર વિકાસ (૯)

પિતાની મેમ્બરી અને મારો જાહેર વિકાસ (૯)

૧૯૫૪માં બગીચા મિલ નં૨ (ધોળકા) મિલ શરૂ થઈ અને બહુમતી મજૂરો ગાંભુ ગુરૂ ગાદીના શિષ્યો હોવાથી મારા પિતાની મજૂર મહાજન સંઘના પ્રતિનિધિ તરીકે બિનહરીફ વરણી થઈ. પછી તો તેમનું ખેમો મેમ્બર એવું લેબલ જીવનપર્યંત બની રહ્યું. બગબગાટ ખાદીનો ઝભ્ભો, ધોતી, ટોપી અને પોલિશવાળી કાળી મોજડી તેમનો પહેરવેશ જીવનભર રહ્યો. ૧૯૫૪ થી ૧૯૮૪ મિલ બંધ થઈ ત્યાં સુધી સળંગ ત્રીસ વર્ષ તે મેમ્બર રહ્યાં. મેનેજમેન્ટમાં કામદારોની ભાગીદારીના સુધારાથી જોઈન્ટ મેનેજમેન્ટ કાઉન્સિલની ચૂંટણી આવી તો તે પણ તેઓ મોટી બહુમતીથી સૌથી વધુ મતો લાવી જીતી ગયેલાં. તેઓ નિરક્ષર પરંતુ મારી બાએ તેમને અક્ષરજ્ઞાન આપ્યું હતું. તેથી અરજીઓ અને હિસાબો લખવાં, અગત્યની નોંધો રાખવામાં તેઓ નિયમિત. તેમની મજૂર મહાજન સંઘની ડાયરીઓમાં નોંધેલી ઘણી માહિતી મને કુટુંબના ઈતિહાસના સાંધા જોડવા કામ લાગેલી. 

પિતાની આગેવાનીને કારણે મને નવ વર્ષે ૧૯૬૯ના હુલ્લડના વર્ષથી જ માનસિક પુખ્તતા મળતી ચાલી. ૧૯૭૧ના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે અને રાત્રે ચાલીઓમાં ફરતાં અને ઘેર ઘેર લાઈટો બંધ કરાવતાં. ૧૯૭૧ની ચુંટણી વખતે કોંગ્રેસના ભાગલા થયેલાં હતાં. લોકસભાની ચૂંટણીમાં સંસ્થા કોંગ્રેસ અને ઈંદિરા કોંગ્રેસ સામસામે હતાં. મજૂર મહાજન સંઘ મોરારજી દેસાઈ સાથે તેથી અમદાવાદ લોકસભા બેઠક પર સંસ્થા કોંગ્રેસના ઉમેદવાર તરીકે મિલ માલિક શેઠ જયકૃષ્ણ હરિવલ્લભદાસ ઊભા રહેલ. પિતાને કારણે તે વખતે વોર્ડ બુથની વ્યવસ્થા ઉપરાંત કામદાર મેદાન પોલીંગ બુથના એજન્ટ તરીકે મેં સેવા આપેલ અને આવતાં મતદારોની ઓળખનું ધ્યાન રાખી બોગસ વોટર આવે તો પ્રીસાઈડીંગ ઓફિસરનું ધ્યાન દોરી તેમ કરતાં અટકાવેલ. આમ અગિયાર વર્ષે ભારતમાં ચૂંટણીની કામગીરીનો મને જાત અભ્યાસ થયેલ. ઈંદુચાચા સામે શેઠ જયકૃષ્ણ તે હારી ગયા પરંતુ મને રાજનીતિમાં રસ પડવા લાગ્યો. ૧૯૭૨માં ઈંદુચાચાનું નિધન થતાં પેટા ચૂંટણી થઈ તેમાં અપક્ષ ઉમેદવાર પુરૂષોત્તમ ગણેશ માવલંકરના પ્રવચનો લોકપ્રિય. હું તેમના પ્રવચનો સાંભળવા તેમના કાફલા સાથે ફરતો જેને કારણે તે પણ મને ઓળખતા. તેઓ પેટા ચૂંટણી જીતી સંસદ સભ્ય બન્યાં. પછી ફરીથી ઈમરજન્સી પછીની ૧૯૭૭ની ચૂંટણી તેમણે ગાંધીનગર બેઠક પરથી જનતા પક્ષના ઉમેદવાર તરીકે જીતેલ પરંતુ ૧૯૮૦માં હારી ગયેલ. 

મારા શિક્ષણની સાથે કેળવણીમાં માતાનો મોટો ફાળો. ચર્ચા સંવાદમાં સુભાષિતો કહેતી જાય અને જીવનનો બોધપાઠ મળતો રહે. બા પાંચ ધોરણ ભણેલી અને વાંચનમાં હોંશિયાર. શબ્દ અને વાક્યનો અર્થ બરાબર કરી જાણે. ઘડિયા તો પા, અડધા, પોણા, એકા, અગિયારા, એકવીસા સુધી આવડે. તે છાપું વાંચે તો તેનો ખૂણે ખૂણો વાંચી લે. વૈષ્ણવ સંસ્કાર તેથી કામની સાથે શ્રીકૃષ્ણની ભક્તિ અને શ્રીમદ્ ભાગવતનું વાંચન તેની દિનચર્યા રહેતી. સુભાષિતોનો તે ખજાનોં રોજબરોજની જીવનની ઘટમાળમાં પ્રસંગને અનુરૂપ સુભાષિત ટાંકવાનું તે ક્યારેય ન ચૂકે. બાળકો સંસ્કારી અને આજ્ઞાંકિત રહે તેથી કહેતી, “કહ્યું કરો મા બાપનું દો મોટાને માન, ગુરૂની શિક્ષા માનીએ તો કરે પ્રભુ લીલા લહેર”. તે વિચારની ગુણવત્તા પર ભાર દેતી. કહેતી,  “વિચાર બડો સાર છે તેના રૂપિયા એક હજાર છે”. જીવનમાં નિયમિતતા માટે કહેતી, “વહેલા જે સૂઈ રહે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર”. ગરીબીને કર્મના સિદ્ધાંત સાથે જોડી તાદૃશ કરતી કે, “કરમમા લખ્યું કરસનિયા, જાને કોની જાવું, કરમમાં લખ્યું ડોળિયું, તો ઘી ક્યાંથી પીવું?” સત્તા સામે શાણપણ નકામું તેથી કહેતી કે, “જિસકે રાજમેં રહેના ઉસકી હાંજી હા કરના”. જીવનમાં સાવધાની રાખવું તેને ગમે તેથી હંમેશાં કહેતી, “ચેતતા નર સદા સુખી”. 

ગરીબીમાં મહિનો પૂરો થવાના સમયે બધાંને નાણાંભીડ થાય. તેમાંય કોઈ બીમાર થાય, વાસણ ખરીદવું હોય, લગ્ન, મામેરાં જેવો પ્રસંગ હોય એટલે નાણાં ઉધાર લેવા હાથ લંબાવવો પડે. ઉછીના લેવા જાઓ તો રૂપિયાના ચાર આના વ્યાજ એટલે કે મહિને ૨૪% વ્યાજ. જો ચૂકવણીમાં મોડુ થઈ જાય તો ઘરમાં હોય તે દાગીનો વેચવાનો વારો આવે. ૧૯૭૧માં મે બચત મંડળનો ખ્યાલ મૂક્યો. અગિયાર જેટલાં સભાસદ કર્યાં. મહિને દસ રૂપિયાનો ફાળો નક્કી કર્યો. વ્યાજ દોકડો એટલે કે મહિને ૧% રાખ્યું. લોન પરત કરવાનો સમય માસિક દસ સરખા હપ્તે દસ મહિનાનો. મને વિદ્યાની દેવી સરસ્વતી પ્રત્યે અપાર શ્રદ્ધા તેથી મંડળનું નામ આપ્યું “સરસ્વતી બચત મંડળ”. હું રીચીરોડ જઈ એક ચોપડો લઈ આવ્યો. તેમાં સભાસદના નામ, મંડળની શરતો લખી બધાંનાં સહી અંગૂઠા કરાવ્યા અને પછી દર મહિને ₹૧૧૦ ભેળાં થાય તેને સભ્યો વત્તા વારાફરતી ધીરવાનું ચાલું કર્યું. પછી તો નવા સભ્ય ઉમેરતાં ગયાં અને માસિક ફાળાની રકમ ₹૨૫ કરી ધિરાણની રકમ મોટી કરતાં ગયાં. મંડળ લગભગ દસ વર્ષ ચાલ્યું અને તેને કારણે મને ધીરધાર, વ્યાજ ગણન, વસૂલાત, હિસાબ લખવાં વગેરે મહાવરો થઈ ગયાં. 

૧૯૭૫ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે શહેરકોટડાની બેઠક જનતા મોરચા વતી મજૂર મહાજન સંઘના ફાળે આવેલી તેમાં મારા પિતા ખેમાભાને ઉમેદવાર બનાવવાનું સૂચન થયેલ પરંતુ તેમનાં મિત્ર નારણભાઈ રણછોડભાઈની તરફેણમાં તેમણે તે તક જતી કરી હતી. જો કે નારણભાઈ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરસિંહભાઈ મકવાણા સામે હારી ગયા હતાં. સરકાર તો જનતા મોરચાની બનેલ. તેમાં મજૂર ખાતાના મંત્રી તરીકે મજૂર મહાજન સંઘના નવીનચંદ્ર બારોટ બનેલ. તેમણે ચાલીઓનાં ગંદકી ભર્યા રહેઠાણોથી મજૂર વસ્તીને મુક્ત કરવા ચાલીઓમાં આવી સ્લમ રીડેવલપમેન્ટની મીટિંગો કરેલ. મારી ઉંમર એ વખતે પંદર વર્ષ પણ હું ખૂબ સક્રિય. પિતાને કારણે મને મજૂર મહાજન સંઘના આગેવાનો અરવિંદ બુચ, શાંતિલાલ શાહ, મનહર શુક્લ અને નવીનચંદ્ર બારોટનો પરિચય રહેતો. મેં પણ તે બેઠકોમાં ઉપસ્થિત રહી યોજનાને ટેકો જાહેર કરેલ અને ચાલીમાં રહેતાં મજૂરોને સમજાવવા પ્રયત્ન કરેલ. પરંતુ અમારી છત પર બીજા ફલેટ બને અને તે પર કોઈ રહેવા આવે તેથી અમારા આકાશી અધિકારનું શું? તેવા સંકુચિત ખ્યાલથી તે યોજના પડી ભાંગી. દેશમાં કટોકટી જાહેર થતાં થોડાક મહિના પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગતાં સ્લમ રિડેવલપમેન્ટમાં તે ઉમદા વિચારનું બાળમરણ થયેલ. હજી બીજો એક દશકો મારે અર્બન સ્લમ્સની એ ગંદકીમાં વિતાવવાનો હતો. 

મજૂર મહાજન સંઘ અને મોરારજી દેસાઇને કારણે અમે પણ કટોકટીનો વિરોધ કર્યો. તે વખતે છાપા પર તો સેન્સર તેથી સંવેદનશીલ સમાચારો વાંચવા હોય તો ફરતી પત્રિકાઓ પર નજર કરવી પડે. તે વખતે પ્રેસના નામ વગરની પત્રિકાઓ કોઈક ખાનગીમાં છપાવી મહોલ્લે મહોલ્લે અને ચાલીએ ચાલીએ વિતરણ કરાવતું. આખી ચાલી વચ્ચે એકાદ બે પત્રિકા ભાગ આવે. અને ચોકમાં ઊભા રહી એકબીજા પાસેથી લઈ વાંચીએ. તેમાંય જ્યોર્જ ફર્નાન્ડીઝ અને સુબ્રમણ્યમ સ્વામીને મળેલી જેલ અને યાતનાઓની દર્દનાક કહાનીના વર્ણનથી જેઓ વર્ષોથી કોંગ્રેસી હતાં તે પણ પલટાવા માંડયા. જો કે કોંગ્રેસની વોટ બેંક એટલી ઊંચી કે શહેર કોટડાની બેઠક પરથી કોંગ્રેસનો ઉમેદવાર કદી ન હારે. 

મારી પડોશમાં જ દારૂનો વેપાર. તેથી દારૂ, દારૂડિયો, જુગાર, પોલીસ અને વ્યસનોથી થતી પાયમાલી સમજવા જાણે કુદરતે મને તેવાં જ ઠેકાણે બેસાડી દીધો હતો. 

ચાલીનું જીવન એટલે પૃથ્વી પરનું નર્ક. ૮૦ ઓરડી અને ૨૫ છાપરાંઓ વચ્ચે દસ જાહેર જાજરૂ. પુરુષો બધા સવારે જાય અને મહિલાઓ રાત્રે. મહિલાઓની રાત્રિસભા તો ખુલ્લામાં થતી. પુરુષો સવારે ૨૦૦ એમએલ પાણીના ચંબા ભરી આવે અને લાઈનમાં લાગી જાય. જાજરૂ માટે એક કુંડી પરંતુ નગરપાલિકાનું પાણી સાવ ધીમું અને અડધો કલાક આવે તેથી કુંડી ભરાય નહીં અને જાજરૂની નીક સાફ થાય નહી. તેમાંય ઉપરની બેઠકનો પત્થર કોઈ બગાડી જાય તો જુગુપ્સા વધી જાય. જેમ તેમ કરી વારો આવે એટલે એ દુર્ગંધના નર્કમાં બેસવાનું અને ભાગીને બહાર આવી જવાનું. ચોમાસામાં તો કીડા પડે. બે-ત્રણ મિનિટ બેઠાં હોય તો કીડા પગ પર ચડી જાય અને તન મનમાં અરેરાટી વ્યાપી જાય. એ નર્ક જેવાં જાજરૂ અને કીડા મને ચાલી છોડવા જોર જોરથી ધક્કો મારી રહ્યા હતાં. મને ભારતીય વહીવટી સેવામાં મોકલવા કદાચ એ તેમનો સૌથી મોટો ધક્કો હતો. 

પિતા ગાંધીવાદી તેથી મારું ગાંધી વાંચન ખૂબ સારું. પિતાએ ૧૯૬૧માં મજૂર મહાજનના પ્રતિનિધિ મંડળમાં ભાવનગર સેશનમાં ભાગ લીધો હતો અને પંડિત નહેરુને મળ્યા હતાં. પિતા એકવાર હાવરા એક્સપ્રેસમાં બેસી ડેલિગેશન સાથે કલકત્તા પણ ગયેલા. ગાંધીજી બે વર્ષનું ભારત દર્શન કરી ૧૯૧૭માં કોંગ્રેસ અધિવેશનમાં કલકત્તા ગયા ત્યારે તેમણે પાયખાના સાફ કરેલાં તે મેં વાંચેલું. તેઓ જેલમાં હતાં ત્યારે પણ પાયખાના સાફ કરતાં. હું દરરોજ જનતા જાજરૂની એ ગંદકી જોતો અને તે સાફ કરવા આવતાં એક વાલ્મિકી યુવક ભીખાને જોતો. તેણે ભણવાનું છોડી ચાલી વાળવાનું અને જાજરૂ ધોવાનું કામ અપનાવી લીધેલું. તેને લોકોની ગંદકી સાફ કરતાં જોઈ મને તેના પર કરૂણા ઉપજતી. હું તેને જોતો અને મનથી ગાંધીને અને પછી મનોમય નિશ્ચય કરી તેની વેદનાને વહેંચવા એકવાર તેની સાથે પાયખાના ધોવા લાગી ગયો. તે ઘટનાએ મને લાચાર લોકોને પડતાં દુઃખ દર્દને સમજવાં એક મોટી સમજણ આપી દીધી. 

મને ભણવાનો અને ભણાવવાનો શોખ. તેથી સચિવાલયની નોકરીથી છૂટી ઘેર આવું એટલે રાત્રિશાળા ચલાવું. ચાલીના ચોગાનમાં ડેલાની દિવાલે પ્લાસ્ટર અને કાળો કલર કરી નોટિસ લખવાં એક કાળું પાટિયું બનાવેલ હતું અને મ્યુનિસિપાલિટીનો સ્ટ્રીટ લાઇટનો થાંભલો આવી ગયેલ તેથી તેના અજવાળે હું પ્રાથમિક શાળાના બાળકોને ભણાવતો. પાઠ વંચાવું, તેનો અર્થ સમજાવું, ગણિત અને ઘડિયા કરાવું અને તે રીતે તેમનાં વાંચન, લેખન અને ગણનને મજબૂત કરતો. નાનકડી બોધ વાર્તાઓ કરી તેમને જીવન મૂલ્યોનું સિંચન કરતો. મહાપુરુષોની વાર્તા કરી તેમનામાં દેશભક્તિ જગવતો. 

મને ક્યાં ખબર હતી કે જીવનની આ પાઠશાળા મને કોઈ મોટી જાહેર સેવા માટે તૈયાર કરી રહી હતી. 

૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫

Monday, September 15, 2025

ખેમાભાનો રઝળપાટ (૩)

ખેમાભાનો રઝળપાટ 

ખેમાભા એટલે મારા પિતા ખેમચંદ વાલજી. તેમનો જન્મ તારીખ ૨૦/૦૯/૧૯૧૯ ના રોજ ભટારિયા ગામે થયેલો. વાલાભા અને સુંદરબાના એ પાંચમાં સંતાન. સન ૧૯૩૦માં તેમના પિતા વાલાભાનું ૪૫ વર્ષની ઉંમરે તા. ૩૦/૧૦/૧૯૩૦ ના રોજ અવસાન થયું ત્યારે તેઓ આશરે દસ વર્ષના. કુટુંબનો મોભી મરી જતાં આખું કુટુંબ વેરવિખેર થઈ ગયેલું. પહેલાં તો તેમની ફૂઈ ડઈબા તેમને ગોકળપુરા લઈ ગયા પરંતુ ત્યાંનું પાણી માફક ન આવ્યું. ખારું પાણી પી પી તેમને ઝાડા થઈ જતાં તેથી બેએક વર્ષ રહી ભટારિયા પાછા આવ્યા. ગામમાં નિશાળ નહીં અને જોટાણાની નિશાળે કોઈ લે નહીં તેથી તેઓ નિરક્ષર રહી ગયેલ. વાસમાં તેમની ઉંમરના મેલા જોડે તેમને દોસ્તી. બાર વર્ષની ઉંમરે તેમણે બંને જાકાસણા ગામની સીમમાં કૂવીમાં બેસી બીડીનો સ્વાદ લીધેલો. ૧૯૩૪માં વાસમાં અમથાભાને ઘેર ચોરો ચોરી કરવા આવ્યા અને તેમના ખૂન થયા. જુવાનિયા બધા ગામ છોડી ગયા. મોટાભાઈ નરસિંહભા પરણેલાં તેથી તેમની વહુનું આણું થયું એટલે અમદાવાદ જઈ લક્ષ્મી કોટન મિલમાં ચડી ગયા. સોમાભા અને ખુશાલભાએ પણ ગામ છોડ્યું. ખેમાભા પણ ૧૪ વર્ષની કાચી ઉંમરે ૧૯૩૪માં અમદાવાદ ભેળાં થઈ ગયા. સુંદરબા અને બે દીકરા જેઠીબા અને સંતોકબા ગામડે રહ્યા. પરંતુ વાલાભાની ખેડ હેઠળની ૮૦ વીઘા જમીન નધણિયાતી પડતાં લોકો લઈ ગયા. સમૃદ્ધ ખેડૂત પરિવાર ગરીબીની જાળમાં ફસાઈ ગયું. 

તે જમાનામાં મફત કોઈ ખાય નહીં. જેવી આવડે તેવી મજૂરી કરે પરંતુ પોતાના સ્વમાનને ઠેસ ન પહોંચવા દે. ગામ હોય તો દહાડીએ જવાય પરંતુ આ તો શહેર. કેવોક વિચાર આવે? ખેમાભાએ છૂટક મજૂરી કરી એક આનો કમાઈ લીધો પછી પોલીશની એક ડબી અને એક બ્રશ ખરીદ્યું અને કાલુપુર રેલવે સ્ટેશનની સામે બુટપોલીશનું કામ કરવા બેઠાં. પરંતુ જેવા પહેલાં જ ગ્રાહકનો બુટ પોલીશ કરવા હાથમાં લીધો કે તેમનાથી મોટો પિતરાઈ ભાઈ લવજી (૨૨ વર્ષ) તેમને જોઈ ગયો. અલ્યા આપણાથી આવું કામ થાય? ઊભો રહેજે. તેમણે પગમાંથી જોડું કાઢી મારવા દોડ્યા અને ખેમો તો જાય ભાગ્યા. પછી તો એ પોલીશ અને બ્રશને ક્યારેય હાથ ન લગાડ્યો. મિલમાં આમ તો પુખ્ત ઉંમરે દાખલ થવાય પરંતુ ઓળખાણ શરમમાં નાની ઉંમરે પણ નાના કામમાં કોન્ટ્રાટી લઈ જાય. તેથી તેઓ મિલમાં કામે ચડ્યા. ચારેય ભાઈઓ હવે અમદાવાદમાં મિલ કામદાર હતાં. શરૂઆતમાં તેઓ મોટાભાઈ નરસિંહભા ભેળું રહ્યા પરંતુ તેમની જોડે ન ફાવ્યું એટલે ચોરગલીમાં મગુનાવાળા તેમના ફોઈના દીકરા જેસિંગભા રહે તેમને ત્યાં વિશીમાં રહેવા જતા રહ્યા. 

ખેમાભાને ગોકળપુરા ફોઈના દીકરા અંબારામભા જોડે ખૂબ સારું બનતું. અંબારામભાનું લગ્ન ગાંભુ ગામે ગુરૂ કાનપીર વૈષ્ણવ ગાદીના મહંત બેચરદાસની પુત્રી ચંચળ જોડે થયેલું. ગુરુ બેચરદાસ ઘોડી રાખે, પાઠ, માંગણીએ જાય અને ઊંચા ઢોલિયે બેસી સત્સંગ કરે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનું ચરોતર અને ભાવનગર સુધી તેમનાં શિષ્યો. સન ૧૯૩૯માં તેમનું દેહાવસાન થતાં તેમના મોટા પુત્ર મૂળદાસ ગુરૂ બન્યાં. તે વખતે મૂળદાસની મોટી પુત્રી પૂંજી ધોરણ પાંચનો અભ્યાસ પૂરો કરી શાળામાંથી ઉઠી ગયેલ તેની ઉંમર ૧૬ વર્ષની. આમ તો મારા પિતાનું પરગણું ચુંવાળ અને માતાનું પાટણવાડો તેથી સામાન્ય સંજોગોમાં આ સગપણ થાય નહીં. પરંતુ મારી બાની ફૂઈ ચંચળના લગ્ન ગોકળપુરા મારા પિતાની ફોઈના દીકરા અંબારામભા સાથે થયેલા તેથી અંબારામભા એ મારા માવતરનું સગપણ કરાવેલું. સંવત ૧૯૯૭ના વૈશાખ સુદ અગિયારસ તા. ૧૮/૫/૧૯૪૦ નારોજ તેમણે આપબળે કમાઈને લગ્ન કર્યા. એ જમાનામાં જાન પરણવાં જાય એટલે રસ્તામાં જે કોઈ સગાવહાલાના ઘર આવે ત્યાં રોકાતી જાય અને મહેમાનગતી કરતી જાય પરિણામે અઠવાડિયે પહોંચે. પરણવાના માંડવે પણ બે-ત્રણ દિવસના ઉતારા અને પછી વળતાં વાયણું ખાતા ખાતા પાછા ફરે એટલે કુલ આઠ-દસ દિવસનો પ્રવાસ થઈ જાય. મુરતિયો તો ગણેશ બેસાડી પીઠી કરી હોય ત્યાંથી પરણીને ઘેર આવે, વહુનો ગૃહપ્રવેશ થાય, પછી ગણેશ ઉઠાડે ત્યારે નાહ્યા ધોયા ભેળો થાય. પીઠીવાળુ પીળું શરીર, કાંડે મીંઢળ અને હાથમાં કટાર, શ્રીફળ લઈ મેલોઘેલો ફરતો મુરતિયો જોવા જેવો થતો. પરંતુ એ જમાનો બાહ્ય દેખાવનો ઓછો અને હેતના હરખનો વધુ તેથી હૈડાના હેતનો આનંદ લગ્નના પ્રસંગે હિલોળા લેતો. 

મારી બા પરણી ત્યારે તેની ઉંમર સત્તર વર્ષ હતી અને મારા પિતાની વીસ. પરંતુ પિતા દેખાવે પાતળા અને ઊંચા તેથી ઉંમરમાં નાના જણાય. જાન પરણીને પાછી ફરી ત્યારે મહેસાણા રેલવે સ્ટેશને પોલીસે બાળ લગ્ન ગણી તેમની રોક કરેલ પછી સમજાવટથી જવા દીધેલ. ત્યારે લગ્નની કાયદેસરની વય પુરૂષ માટે ૧૮ વર્ષ અને સ્ત્રી માટે ૧૪ વર્ષ હતી. 

હવે પરણ્યા એટલે જુદી ઓરડી જોઈએ. અને ૧૯૪૦માં મહિને આઠ આનાના ભાડે નટવરલાલ વકીલની ચાલીમાં ઓરડી ભાડે લઈ નવા જીવનની શરૂઆત કરી. મારા પિતા મિલમાં કામદાર તેથી મારી બા પણ મિલમાં કામે ચડી. મિલમાં ત્યારે કામના કલાકો ૧૨ હતાં. ડોફરનો પગાર માસિક ₹૩ અને પીસરનો ₹૭ હતો. પરંતુ રૂપિયો ત્યારે ગાડાના પૈડા જેવડો તેથી ગુજરાન ચાલી જતું. ખેમાભાની સાથે પૂંજીબા પણ મિલમાં કામે ચડી ગયા. ૧૯૪૧માં મારી બા ગર્ભવતી બની. મારા પિતાએ દેવું કરી સીમંતનો પ્રસંગ ઉજવ્યો. તે વખતે ડીલીવરી ઘરે થતી. બાની પહેલી સુવાવડ અને દાઈને ન ફાવ્યું તેથી પુત્ર મરેલો જન્મ્યો. તેમના જીવનમાં હવે દુઃખના વાવડ શરૂ થઈ ગયાં. 

બીજું વિશ્વયુદ્ધ અને દેશ આખો “ભારત છોડો”, “કરેંગે યા મરેંગે” ના નારા હેઠળ આઝાદીનું આંદોલન ચલાવે. ૧૯૪૨માં ગાંધીજીની હાકલનો પ્રતિસાદ આપી અમદાવાદના મિલ મજૂરોએ પણ સાડા ત્રણ મહિનાની હડતાલ પાડી દીધી. મજૂરો જ્યાં રોજ પાશેર લાવીને ખાતાં તેમને વગર પગારે પેટ ટૂંકું કરી એ દિવસો કાઢવા ભારે વસમાં હતાં. પૂંજીબા અને ખેમાભાએ તે હડતાલમાં જોડાઈ દેશની આઝાદીની ચળવળમાં પોતાનો ફાળો આપ્યો હતો. 

ખેમાભાના મોટાભાઈ સોમાભા મિલમાં જોબ્બર. શરીરે બળવાન, મોટી આંખો અને ગુસ્સે થાય તો મારવાડાના ગાડાનો એક્કો ઉપાડી મારવા દોડી શકે. ઢાળેલા ખાટલાના એક પાયાને પકડી ચારે પાયાને સમતોલ ઉઠાવવાની શરત તે જીતી લેતાં. તેમને મિલના સુપરવાઈઝર ભાલસાહેબની દોસ્તી. બંને અંગ્રેજી દારૂ પીવાના શોખીન. સોમાભા ઈંગ્લીશ દારૂની ચપટ બાટલી ગજવામાં રાખે અને થોડી થોડી વારે ઘૂંટ ભરી પીતા રહે એટલે મોટી આંખો લાલ રહે. તેઓ જેવા ખાતામાં દાખલ થાય તો બધાં શિસ્તબદ્ધ કામે લાગી જાય અને હાકોટો કરે તો ડરપોક કામદારો ખૂણે લપાઈ જાય. સોમાભાને નાના ભાઈની વહુ મિલમાં કામ કરે તે ન ગમે. તેમના કડપનો સ્વાદ નાનાભાઈ ખેમાને પણ મળેલો. તે વખતે થ્રોસલના મશીનોના પટ્ટા ચાલુ મશીને ચડતાં. મિલમાં રણજીત નામનો એક સુંદર યુવાન પટ્ટો ચડાવતાં પટ્ટામાં આવી જતાં મરી ગયેલ તેથી બધાં ભય પામે. પરંતુ કામમાં ભાઈ નહીં. સોમાભાના હુકમથી ખેમાભાએ મશીન પરના પટ્ટા ચડાવવા પડતાં. 

૧૯૪૩માં પૂંજીબા બીજીવાર ગર્ભવતી થયાં, પૂરા મહિને જીવણભાઈનો જન્મ થયો. નાનું બાળક ઘેર મૂકી મિલમાં કેવી રીતે જવાય? તેથી લાઈનની છેલ્લી ઓરડીમાં રહેતાં મોતીબેનને મહિને એક રૂપિયો આપવાનો ઠરાવી જીવણભાઈને ત્યાં મૂકી મિલનું કામ ચાલુ રાખ્યું. પરંતુ સન ૧૯૪૪માં અંબાલાલ શેઠને કંઈક તકલીફ પડી અને તેમણે ધોળકા (બગીચા મિલ નં.૨) મિલ બંધ કરી દીધી. અહીં મિલ બંધ થતાં બેરોજગારી થઈ બીજી બાજુ નાની બહેન સંતોકનાં લગ્નનો ઝઘડો ઊભો થયો. દુકાળમાં અધિક માસ. પંચાતીયા દિવસે દહાડી કરે અને બપોરે રાત્રે રોટલા ખાવા અને ધબાડી કૂટવા આવે. ખેમાભાએ દેવું કરીને પણ બહેનના લગ્ન જીવનનું ભંગાણ અટકાવ્યું. 

અમદાવાદ નટવરલાલની ચાલીના નાકે ગિરિરાજ શેઠનું લાકડાનું પીઠું. મારા પિતા લાકડાં ફાડે અને મારી બા તે પીઠામાં ગોઠવે. પીઠુ ગિરિરાજ ચલાવે પરંતુ તેમના પિતા ધર્મમય, ભગવત પાઠ કરે તે મારી બા કામ કરતી જાય અને સાંભળતી જાય. ગિરિરાજને બે પત્ની કસ્તુરી અને શીલા. પહેલી પત્નીને સંતાન ન થવાથી બીજી કરેલ. ગિરિરાજ અને કસ્તુરી બંને પૂંજીબા પર કરુણા રાખે. મિલમાં લાકડાંનું કામ કરતાં દૂરના મણિનગર તરફના કોઈ કોઈ ગ્રાહક આવે તો લાકડાનો ભારો માથે ઉપાડી બા ને તેમને ઘેર નાંખવા જવું પડતું. મારી બા કહેતી કે તેને પહેરવા એક જ સાડી રહેતી, તેથી રાત પડે એટલે ધોઈને સૂકવી દેતી અને સવારે પહેરી લેતી. મારા પિતા એકવાર તેના માટે બગલમાં સંતાડીને નવી સાડી લઈ આવ્યા પરંતુ ચાલીમાં તેમની ભાણી પાસેથી ઉછીના પૈસા લીધેલા તે અપમાન કરી લઈ ગઈ. ગરીબી અને અવમાનના એ સમયમાં મારા પિતાને તમાકુ અને બીડી પીવાની અને માતાને બીડી પીવાની લત લાગી. બા ભારો નાંખવા જાય ત્યારે રસ્તામાં અડધી પી ફેંકેલી બીડી વીણી લાવે અને પીએ જેને કારણે તેને બ્રોન્કાઈટીસનો રોગ થયો જેણે પછી પચાસ વર્ષ સુધી તેનો સાથ ન છોડ્યો. 

મારી બાને ૧૯૪૦ થી ૧૯૫૪ના ચૌદ વર્ષના ગાળામાં કુલ નવ સુવાવડ આવી. પ્રથમ મૃત પુત્ર પછી જીવણ, ૨૫/૧૧/૧૯૪૪એ ગોવિંદ, ૩૦/૧૦/૧૯૪૬એ દિકરી શાંતા, ૨૩/૧૧/૧૯૪૭એ ગાંડો, ૫/૯/૧૯૪૯એ માવજી, ૧૬/૧/૧૯૫૧એ વિઠ્ઠલ અને ૧૪/૧૧/૧૯૫૪એ કનુ જન્મ્યા. તેમાંથી જીવણ અને કનુ બચ્યા. શાહજહાંએ જેની યાદમાં તાજમહેલ બંધાવ્યો તે મુમતાઝ ૧૮ વર્ષમાં ચૌદ સંતાનો જણી ૩૮ વર્ષની નાની ઉંમરે ચૌદમા સંતાનના જન્મ વખતે મૃત્યુ પામી પરંતુ મારી બા દારૂણ ગરીબી વચ્ચે નવ સુવાવડો પછી પણ ટકી રહી કારણકે મારે (૩૦/૭/૧૯૬૦) અને બહેન રમિલા (૧૦/૭/૧૯૬૬) હજી આવવાનું બાકી હતું. ભારતમાં બાળમૃત્યુ દર એટલો ઊંચો હતો કે વધુ બાળકો જણવાં એ ઘર ઘરની કહાની હતી. 

ધોળકા મિલ પછીથી શેઠ જયંતીભાઈ ભીખાભાઈએ ૧૯૫૪માં ખરીદી ચાલુ કરી પરંતુ ૧૯૪૪ થી ૧૯૫૪નો એ બેરોજગારીનો દશકો મારા માતાપિતાને દારૂણ ગરીબીમાં લઈ ગયો અને તેઓ ૩૧-૩૨ વર્ષની યુવાન ઉંમરે વૃદ્ધ થઈ ગયાં. એ કાળ એટલો વસમો અને ભારે હતો કે પછી સુખી જીવનમાં પણ તેને યાદ કરતાં રહ્યા. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ તેમનો સમય ધીમો પડી ગયો હતો અને દસ વર્ષનો એ કપરો કાળ જાણે ત્રીસ-ચાલીસ વર્ષની પીડા મળી હોય તેમ કાયમ યાદ રહ્યો. 

૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫

Sunday, September 14, 2025

મારું કુળ - ૨ (૨)

મારું કુળ -૨

મૂળાભાને બે દીકરા, ભુદરભા અને ડોસલભા. ભુદરભાના પત્ની શ્યામબા. તેમને છ સંતાનો, ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ. દીકરાઓમાં મોટાં વાલાભા તે મારા દાદા. તેમના જન્મનું વર્ષ અંદાજે ૧૮૮૪. છપ્પનિયા કાળના ચોથા વર્ષે એટલે કે સન ૧૯૦૪માં વાલાભાના લગ્ન કરણનગર સુંદરબા જોડે થયેલા.

તે જમાનામાં જમીનોના રેકર્ડે પરના કબજેદારો તો કટોસણના દરબારો પરંતુ જમીનનો કબજો ભોગવટો ખેડૂતોનો. વાલાભાને તે રીતે ખેતીમાં ૮૦ વીઘા જમીન. ખેતી હોય તો પશુપાલન હોય જ તેથી ગાય, બળદ, ભેંસ, વાછરડાં, પાડી વગેરે ઢોરઢાંખર ઘણા. ચોમાસું ખેતી પરંતુ વરસાદ ખેંચાય અને ઢોરઢાંખર માટે ઘાસ માટે સિંચાઈની જરૂર. તેથી ગામ નજીકના ખેતરમાં કૂવો ગળાવી તેઓ બળદ અને કોસથી મદદથી સિંચાઇ કરતાં. સુખી ઘર. અનાજ, દૂધ, ઘીની છૂટ તેથી ઘર આંગણે કુળ કુંવાસી, મહેમાન પરોણાં કાયમ હોય અને ગોરગામોટ, તૂરી, બારોટ, નાયક બધાં પોસાય. તેમને સાત સંતાનો. તેમના બે ભાઈ ગોવાભા અને રામાભા નાની ઉંમરે ગુજરી જતાં તેમના કુટુંબો સહિત સંયુક્ત કુટુંબનો બધો ભાર, કાર વહેવાર, લગ્નો, મામેરાં તેમનાં ભાગ પડેલાં જે તેમણે સારી રીતે નિભાવેલા. તેમના બાપા ભુદરભાના મરણ પાછળ કળશિયો ભરી તેમણે સામાજિક પ્રતિષ્ઠા મેળવેલી.

વાલોભા શરીરે કદાવર, મોટી મોટી જંઘા અને ભુજાઓ. નીચે ધોતી અને ઉપર રબારીઓ પહેરે તેવી આંગળી. માથે મોટી પાઘડી, કાનોમાં સોનાની મરચી પહેરી હાથમાં મોટી ડાંગ લઈ ચાલે એટલે એક પડછંદ પ્રતિભાનાં દર્શન થાય. ગામ ગામેતરા તેઓ ચાલીને જ જતાં. સાસરી કરણનગર પચીસ ગાઉ ચાલીને જાય. રાત્રે નીકળી સવારે પહોંચે. આખો દિવસ રોકાઈ રાત્રે પાછા વળે અને સવારે ભટારિયા પહોંચી જાય. 

તેઓ મેલડીના ભુવા તેથી નિયમ પાલન કરે અને જ્યાં બહારનું ખાય પીએ નહીં. દારૂથી તેમણે તેમનો કોઠો અભડાવ્યો નહોતો. બહારગામ જાય તો કાયમ જોડે દોરી લોટો સાથે રાખે. માર્ગમાં તરસ લાગે તો કૂવામાં લોટો નાંખી પાણી ખેંચી હાથ ધરીને પી લેતાં. મેલડીના મઢે રમણ હોય કે નૈવેદ્ય-પૂજા, ડાબા અંગૂઠાની દોરી છોડતાં વેંત તેમની કુંડલિની શક્તિ જાગૃત થઈ જતી. માતાના મઢ પર બેસી શક્તિ આરાધના કરી ધૂણવાની પ્રથા કુંડલિની જાગરણની એક તાંત્રિક વિધિ છે. જેમાં નિયમ પાલન, શિસ્ત, સંયમ અને ભક્તિ અતિ મહત્વના છે. આજકાલ તો હાકોટા કરી શરીર હલાવનારા ઝાઝા અને શક્તિ જગાવનારા ઓછા જણાય છે. દેવી ઉપાસનાની શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રેખા સાન પાતળી તેથી અંધશ્રદ્ધાળઓને વધતાં વાર નથી લાગતી. 

વાલાભાની દેવી ઉપાસનાની શક્તિની વાત કરતાં મારા પિતા જણાવતાં કે તેમના હાલનાં ખેતરની બાજુમાં કાશીરામ પટેલનું ખેતર. સેઢા ભેળા થાય ત્યાં તકરાર રહેવાની. તમારો બળદ મારું ખેતર ભેળી ગયો એવી ફરિયાદ કરી કાશીરામે વાલાભાનો માનીતો રેલ્લો એકવાર ગામના ઢોર ડબામાં પૂરાવેલો. વાલોભા છોડાવવા ગયા તો કાશીરામે ગાળો બોલી સોટું માર્યું. જેને કારણે વાલાભાની પાઘડી ગામ વચ્ચે પડી ગઈ. એ વખતે પાઘડી પડવી તે ભારે અપમાન ગણાતું. વાલાભાએ પડેલી પાઘડી લાવી માતાના મઢે મૂકી અપમાનનો બદલો માંગ્યો. કહેવાય છે ત્યારબાદ કાશીરામ પટેલના બે પગ ત્રાંસા થઈ ગયેલાં અને ખૂબ હેરાન થયેલાં. કાશીરામ પટેલના સંતાનોએ પછી તેમના ખેતરમાં મેલડી બેસાડી તેનું નૈવેદ્ય કરતાં. એ ઘટના પછી ગામમાંથી કોઈએ પણ વાલાભા કે તેમના કુંટુંબને ક્યારેય રંજાડ્યુ્ નહીં. 

વાલાભા અને સુંદરબાને સંતાનોમાં ચાર દીકરા અને ત્રણ દીકરીઓ; અનુક્રમે માણેકબા, નરસિંહભા, ખુશાલભા, સોમાભા, ખેમાભા, જેઠીબા, સંતોકબા. સંતાનોમાં પાંચમા અને ચાર દીકરાઓમાં સૌથી નાના ખેમાભા મારા પિતા. તેમની હયાતીમાં સાત સંતાનો પૈકી તેમણે સન ૧૯૨૭મા મોટી દીકરી માણેકબાને બાન્ટય ખોડાભાઈ સાથે અને સન ૧૯૨૯માં મોટા પુત્ર નરસિંહભાને કરસનપુરા પૂંજીબા સાથે પરણાવેલાં. જાન ચાલતાં ભટારિયાથી કટોસણરોડ અને ત્યાંથી વિરમગામવાળી ટ્રેનમાં કરસનપુરા પહોંચેલી. મારા પિતા ખેમાભાની ઉંમર તે વખતે નવ વર્ષની હશે તેથી વાલાભાએ તેમને ખભે બેસાડી કટોસણરોડ સુધી તેડેલા. પિતાનો એ સ્પર્શ  ખેમાભાને જીવનભર યાદ રહ્યો. વાલાભા ગુજરી ગયા ત્યારે મારા પિતાની ઉંમર ૧૧ વર્ષની અને પિતા એક વરસ પથારીવશ રહેલા તેથી પિતાની ઝાંખી પાતળી. તેમને એટલી ખબર કે તેઓ પડછંદ અને મજબૂત કાયા ધરાવતા તેમના પિતા ભારે ઉદ્યમી અને પ્રેમાળ હ્રદયના હતાં. તેઓ તેમના બચપણને યાદ કરી કહેતા કે એકવાર ખેતરે રમતાં રમતાં કોષના ડબાનું પતરું તેમને જમણાં હાથના અંગૂઠાની અંદરની બાજુ વાગી જતાં લોહીની ધાર થયેલી. વાલાભાએ તરત જ પાઘડીનો છેડો ફાડી પાટો કરી બાંધી દીધેલો. અંગૂઠાની અંદર ઘાના નિશાનને જોઈ પિતાના કોમળ હ્રદયની સ્મૃતિ યાદ કરી તેઓ ઘણીવાર રોઈ પડતાં. 

એક સરખા દિવસ સુખના કોઈના જતાં નથી. વાલાભાને કુટુંબની જવાબદારી મોટી તેથી ખર્ચ પૂરો કરવાં સિંચાઈ કરી અને પશુપાલનનો ટેકો રાખેલો. પશુપાલન કરતાં વધારાનાં ઢોર વેચી દેતાં. આવા જ એક પ્રસંગે તેઓ ૧૯૨૯ની દેવદિવાળીએ બળદ વેચવા ચાલતા સરસપુર અમદાવાદ આવેલાં. રાત્રે બહાર સૂતાં તેથી તેમને પગે જૂવા કરડી ગયા હતાં. પછીથી પગ પાક્યો અને ન મટ્યો. દિવસે દિવસે રોગ વધતો ગયો અને તેઓ ખાટલાવશ થઈ ગયા. કદાચ ગેંગરીન થઈ ગયું હશે. તેઓ પથારીમાંથી ફરી પાછા ઊભા ન થઈ શક્યાં. ઓક્ટોબર ૩૦, ૧૯૩૦ ના રોજ ૪૬ વર્ષની સાવ નાની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યાં. માતા, પત્ની, ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓનુ્ ભર્યુ્ભાદર્યુ્ ઘર આમ અચાનક નંદવાઈ ગયું. સુખી વાલાભાના સંતાનોની ખરી જીવન કસોટી અને કરમની કઠણાઈ હવે શરૂ થવાની હતી.

૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫

Powered by Blogger.