એક દિવાનપુરા ગામની નાર પદમણી, હૈયે હરખતી, નાચતી, કૂદતી, પવનસપાટે જાય, એની ચૂંદડી લહેરાય… ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક થાય!
લક્ષ્મી એટલે સાચી ગૃહલક્ષ્મી, ધનલક્ષ્મી, રાજલક્ષ્મી. તેનું ભાગ્યબળ મારા ભાગ્યબળમાં જોડાયું અને જીવન બદલાઈ ગયું.
લક્ષ્મીનું પ્રાથમિક શિક્ષણ તેના ગામની શાળામાં થયેલું. તેનો કંઠ કોકિલ જેવો, તેથી પ્રાથમિક શાળાથી જ શાળાની પ્રાર્થના ગવડાવવાનું કામ તેને મળી ગયેલું. પગ તેના હરણ જેવા, તેથી દોડ-કૂદમાં અવ્વલ આવે. ધોરણ ૮મું તેણે મહેસાણા છાત્રાલયમાં પૂરું કર્યું, પરંતુ તબિયતના પ્રશ્નો થતાં ધોરણ ૯ અને ૧૦ બાજુના મુદરડા ગામની હાઈસ્કૂલમાં પૂરાં કરેલાં. તે રમતવીર, તેથી દોડ, લાંબી કૂદ અને ઊંચી કૂદની સ્પર્ધામાં છેક જિલ્લા સુધી રમી આવેલી. તેનાં ગાયેલાં ગીતો અને મધુર કંઠને તેની સહેલીઓ આજે પણ યાદ કરે છે.
તે જ્યારે ૧૪ વર્ષની હતી અને ધોરણ-૭માં ભણતી હતી ત્યારે ૧૯૭૫ના દશેરાએ અમારી સગાઈ થયેલી. તેને હું ઘરથી છાના જોવા ગયો તેની વાર્તા અગાઉ વર્ણવી ચૂક્યો છું.
૧૮ મે ૧૯૭૮, ગુરુવાર, વૈશાખ સુદ અગિયારસ (વિક્રમ સંવત ૨૦૩૫), ઉનાળામાં અમારા લગ્ન થયાં. રિવાજ મુજબ એક-એક વર્ષના અંતરે બે આણાં થયાં અને ૧૯૮૦ના દશેરાથી અમારો ઘરસંસાર શરૂ થયો. તે નાનકડી ૧૯ વર્ષની અને દેહે પાતળી, ઘરના કામમાં લાગી ગઈ. પિયરના સ્વતંત્ર જીવનમાંથી તે હવે સાસુ-સસરા, બે જેઠ, બે જેઠાણી અને તેજતર્રાર પતિના નિયંત્રણમાં આવી ગઈ. ઘરમાં એક નાની નણંદ અને બે જેઠનાં ત્રણ-ત્રણ મળી છ સંતાનો. તેથી ૧૫ જણનું કામ ત્રણ વહુઓના ભાગે આવ્યું. તેમણે ત્રણેયે કામ વહેંચી લીધેલું. મારા મોટા ભાભી રઈ રસોડું સંભાળે અને વચેટ રૂક્ષ્મણી ભાભી તેમની મદદમાં રહે અને તેમનાં ત્રણ બાળકો અને પતિનાં કામ સંભાળે. તેથી ઘરના ઝાડુ, કપડાં, વાસણ, ઘરની અને મહેમાનોની ચા, રસોઈ માટે ચૂલો-સગડી તૈયાર કરવા, લાકડાં લાવવા અને ફાડવા, નાની વસ્તુ લેવા જવું-આવવું વગેરે નાનાં-મોટાં પરચૂરણ કામ તેના ભાગે આવ્યાં.
રૂઢિચુસ્ત રિવાજ મુજબ ઘરનાં બધાં જમી રહે પછી છેલ્લે તેણે જમવાનું. તેથી ઘણીવાર તેના ભાગે શાકને બદલે રસો કે પછી કોરો રોટલો ખાવાનો વારો આવે. અમારે ત્યાં સવારે માત્ર બે રકાબી ચા પીવાનો રિવાજ, તેથી સવારનો નાસ્તો ન મળે. કોઈક વાર રાતના રોટલા વધ્યા હોય તો બાળકોના ભાગે આવે. પરંતુ વહુઆરુઓએ તો ભૂખ સાથે ચાલવું પડતું.
અમારે કંઈ નવું ન હતું. આજુબાજુની બધી જ ઓરડીઓ, ચાલીઓ અને મજૂર વિસ્તારોના આ જ હાલ હતા. મારા પિતા ઘઉં, ચોખા, તેલ અને ગોળ જથ્થામાં ભરાવી દેતા, તેથી બીજાઓની સરખામણીમાં અમારું ઘર સમૃદ્ધ ગણાતું; પરંતુ એ સ્ટોક નિયત મહિનાઓ સુધી ચલાવવાનો હોવાથી તેના પર મારી માની કડક ચોકીદારી રહેતી. પરિણામે વહુઓ તો દૂબળી જ રહેતી. વિસ્તારની બધી જ વહુઓના આવા જ હાલ હતા. દોડતી-કૂદતી પિયરથી આવી તે પાંજરે પૂરાઈ જતી. કામ વધારે અને ભોજન ઓછું. તેથી એક કે બે સુવાવડ થાય ત્યાં સુધી તેનું સૌંદર્ય અને યુવાની બંને નષ્ટ થઈ જતાં.
લક્ષ્મીના પગલાં મારા માટે અને ઘર માટે શુકનિયાળ થયાં. મને ૧૯૭૯માં સરકારી નોકરી મળી ગઈ અને ઘરની સુખ-સગવડ વધવાનો એક નવો અધ્યાય શરૂ થયો.
હજી અમારા ઘર-સંસારની પા-પા પગલી થતી હતી ત્યાં માર્ચ ૧૯૮૧માં લક્ષ્મી ગર્ભવતી થઈ. તેનું વીસમું વર્ષ અને મારું એકવીસમું. સ્ત્રી ગર્ભવતી થાય એટલે તેના પર નિયંત્રણો વધતાં. ઘરના કામનો બોજ તો યથાવત્ રહેતો, પરંતુ જમવાનું વાસણ નાનું થઈ જતું, જેથી જમવાનું ઘટી જાય. મોટેભાગે ઘેર નેચરલ ડિલીવરી કરાતી, તેથી બાળક ગર્ભમાં મોટું થઈ જાય તો ડિલિવરીમાં તકલીફ પડે અને ડિલિવરી વખતે મરી ન જાય તે માટે માતાને કુપોષિત રાખવાનો સાર્વજનિક રિવાજ હતો. તેનું પાલન અમારે ત્યાં પણ થતું.
મારે તો ટી.વાય.બી.કોમની પરીક્ષા, સચિવાલય, ગાંધીનગરની નોકરી અને કેરિયર ડેવલપમેન્ટની તૈયારી. વળી ઘરમાં નાનો હોવાથી ઘરના ફોજદાર, હવાલદારો સામે મારાથી બોલાય નહીં, તેથી મૂક સાક્ષી બની જોયા સિવાય છૂટકો ન હતો. કોઈક વાર રજાના દિવસે લક્ષ્મીનું ઉપરાણું લઈ વિરોધ નોંધાવું, પરંતુ તેનું કોઈ મહત્વ ન હતું.
લક્ષ્મીને ગર્ભનો સાતમો મહિનો બેઠો અને સામે શ્રાદ્ધ આવતા હતા, એટલે ભાદરવાના શુક્લ પક્ષમાં સીમંતોનયન વિધિ થઈ. તેના પિતા-ભાઈઓએ સામાજિક રિવાજ મુજબ મામેરું કર્યું અને સુવાવડ સાચવવા તેને તેના પિયર તેડી ગયા. મને થયું, હાશ! હવે તે ઘરકામથી છૂટશે અને આરામ કરશે.
શ્રાદ્ધ પર્વ પૂરું થયું એટલે મારી મા અને તેમની બે જેઠાણીઓ તેના પિયર જઈ તેની ખબર પૂછી આવ્યાં. પરંતુ તેમને ત્યાંથી આવ્યાને હજી બે-ત્રણ દિવસ થયાં હતાં અને ખબર આવી કે લક્ષ્મીએ અધૂરા મહિને પુત્રરત્નને જન્મ આપ્યો.
દિવાનપુરાના માટીના ઘરમાં, કેરોસીનના દીવાના તેજમાં એક ઓછા વજનનો તેજસ્વી ઉજ્જવલ પ્રકટ થયો. મેં કહી રાખ્યું હતું કે તેના જન્મનો સમય બરાબર નોંધજે, તેથી લક્ષ્મીએ તે સમય રાતના નવ કલાક અને પાંચ મિનિટ બરાબર નોંધાય તેનું ધ્યાન રાખેલું.
બાળક જન્મતાં જ બહુ રડ્યો. બે-ત્રણ દિવસનો થયો ત્યારે ફરી રડવાનું શરૂ કર્યું, જે સળંગ પાંચ દિવસ ચાલ્યું. એક કિલોનું બાળક સતત પાંચ દિવસ રડે, તેથી ચિંતા વધી જાય. પરંતુ ઘરગથ્થુ ઉપચાર થકી તેના આંતરડામાંથી કાળા મળની સફાઈ થઈ પછી તે સામાન્ય થયો. લક્ષ્મીએ બ્રેસ્ટ ફીડિંગ શરૂ કર્યું, પરંતુ તે પણ રિવાજ મુજબ પહેલું ધાવણ ન પીવડાવીને.
બાળક સવા મહિનાનું થાય ત્યાં સુધી એકાંત પાળવું પડતું. તેથી બીજા મહિને મારી મા, ભાભીઓ અને કુટુંબની બે મહિલાઓ દિવાનપુરા જઈ સુવાવડી બાઈને ભોજન માટે ઘી અને ગુંદ આપી આવ્યાં. બાળકની જન્મરાશિ વૃષભ, તેથી મેં તેનું નામ ઉજ્જવલ રાખેલું. હું પૂનમનો ચાંદ, તેનો પુત્ર ઉજ્જવલ જ હોય.
પુત્રને જોવાની તાલાવેલી કોને ન હોય? પરંતુ માતાની રજા સિવાય જવાય નહીં. છેવટે હિંમત કરી મેં બે મહિના પછી જવાનો નિશ્ચય કર્યો. ઉજ્જવલ માટે એક વાદળી રંગનું બાબાસૂટ લીધું અને શિયાળો હતો, તેથી એક વાદળી રંગની ગરમ ટોપી.
હું સંધ્યા પછી ગામે પહોંચ્યો, તેથી તે રાત્રે તો જઈને સૂઈ જવું પડ્યું. સવારે માગશર મહિનાની પરોઢે સૂર્યનાં સોનેરી કિરણો આંગણું સોનેરી બનાવી રહ્યા હતા તે સમયે મારા સાસુએ ઉજ્જવલને મારા લાવેલાં કપડાં પહેરાવી હું જ્યાં બેઠો હતો તે ખાટલા પર સૂવડાવી દીધો.
મેં બાળકને ધારીને જોયું. નાનકડું, પરંતુ તેજસ્વી મોઢું. ચમકતી આંખોમાંથી બાળક મને જોઈ રહ્યું હતું અને હું તેને જોઈ રહ્યો હતો. અમારો હેતસંબંધ બંધાઈ ગયો.
થોડાક મહિના પછી લક્ષ્મી અને ઉજ્જવલને તેડી લાવ્યા. વળી પાછી તેની ઘરકામના વધુ પરિશ્રમ અને ઓછા ભોજનની જિંદગી શરૂ થઈ ગઈ. હું સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવાના સમાચાર આપ્યા કરતો અને તે ઘરકામના અને તેને થતી પીડાના.
એક વખત તેનો તાવ લાંબો ચાલ્યો. ગાંધીનગર સિવિલમાં લઈ જઈ તપાસ કરાવી તો ફેફસામાં ટીબી જણાયો. ટીબીનો કોર્સ કરી ટીબી મટાડ્યો ત્યાં તે ફરી ગર્ભવતી થઈ. હજી ઉજ્જવલ ૧૫ મહિનાનો હતો અને દૂબળો.
લક્ષ્મી અને હું ડૉ. હસમુખભાઈ શાહ પાસે ગયા. તેમણે અમને તેમની પત્ની, જે પણ ડોક્ટર હતાં, તેમની પાસે મોકલ્યા. મારી ઉંમર ત્યારે ૨૨ અને લક્ષ્મીની ૨૧. ડોક્ટર બહેન ચતુર. તેમણે લક્ષ્મીની તપાસ કરી અને મને એક પ્રશ્ન પૂછ્યો કે તમારે કુટુંબની સાઈઝ કેટલી રાખવાની છે.
મેં કહ્યું, “અમે બે અને અમારા બે.” સરકારી સ્લોગન અનાયાસે મારી જીભ પર આવી ગયું.
ડોક્ટરે જવાબ આપ્યો, “તો પછી આ બીજું બાળક ભગવાને મોકલ્યું છે, તેને વધાવી લો.”
અને બંને હરખાયા અને હળવા થઈ ઘેર પાછા આવ્યા.
અમારે મજૂર વિસ્તારમાં સુવાવડી બહેનોને સેન્ટ મેરી નર્સિંગ હોમનું મોટું સુખ હતું. નિયમિત ચેક-અપ થાય અને ડિલિવરી પણ ત્યાં કરાવવાની. લક્ષ્મીને ગર્ભ આઠ મહિનાનો થયો હતો અને અમને એમ કે હજી ડિલિવરીને એક મહિનાની વાર છે.
૧૬ સપ્ટેમ્બર ૧૯૮૩, શુક્રવારની બપોરે લક્ષ્મીને જરાક દુખાવા જેવું લાગ્યું. તે બપોરે ઘરકામ પતાવી મારા મોટા ભાભી રઈને લઈ નર્સિંગ હોમ ગઈ. લેડી ડોક્ટરે તેને રોકી લીધી અને બે કલાકમાં, બપોરે ૨.૨૫ કલાકે, માતાને કોઈ પણ પીડા આપ્યા વિના પુત્ર ધવલે જન્મ લીધો.
મને સાંજે ઘેર આવ્યો પછી સમાચાર મળ્યા. પુરુષોને નર્સિંગ હોમમાં દિવસે નિર્ધારિત કલાકમાં જ જઈ શકાતું. તેથી મારે રવિવારની રજાની વાટ જોવી રહી. રવિવારે સવારે ૧૦-૧૧ વાગે મને તેના દર્શન કરાવ્યા.
તંદુરસ્ત અને તામ્રવર્ણના પુત્રને જોઈ હું બહુ જ હરખાયો. ઉજ્જવલની દૂબળી કાયા જોઈ હું ભગવાનને પ્રાર્થના કરતો કે મને બીજો પુત્ર બળવાન અને ખૂબ ભોજન ગ્રહણ કરી શકે તેવો આપજે. મારી પ્રાર્થના ફળી. પૂનમનો ચાંદ ઉજ્જવલ હોય અને ધવલ પણ. તેથી તેનું નામ રાખ્યું ધવલ.
ઉજ્જવલના જન્મ પછી મેં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા ઉચ્ચ ક્રમાંકે પાસ કરતાં અધિકારી બની ગયો હતો. હવે ધવલ જન્મ્યો, જેના જન્મના વર્ષે આપેલી યુપીએસસી પરીક્ષામાં મારી પસંદગી IRS:1984 તરીકે થઈ અને બીજા વર્ષે ફરી પરીક્ષા પાસ કરતાં IAS:1985 બન્યો.
હું તો ઓગસ્ટ ૧૯૮૫માં મસૂરી ચાલી નીકળ્યો, પરંતુ લક્ષ્મીએ બે બાળકો સાથે દુઃખની એક છેલ્લી પરીક્ષા પાસ કરવી રહી.
૧૯૮૪માં જ મિલો બંધ થવાથી પિતા અને મોટાભાઈ બેરોજગાર બન્યા. વચેટ ભાઈની સમજણ ઓછી પડી. માનસિક રાહત માટે લક્ષ્મી બે બાળકો લઈ તેના પિયર જતી રહી. મારી મા જઈ તેને ગામડે ભટારિયા લઈ ગઈ, જ્યાં મારા દાદાના ખેતરમાં મારા પિતાએ બાજરી વાવી હતી.
લક્ષ્મીને હવે નવું કામ આવી ગયું. રસોઈ, બાળકોની સંભાળની સાથે ખેતરના કામ આવી પડ્યું. પરંતુ તે ગામડાની અને હિંમતવાન. તેથી બે બાળકોને ખેતરના સેઢે બેસાડે અને તે બાજરી વાઢે. બાજરી વાઢવા બાલસાસણથી ઠાકોર મજૂરો પણ આવ્યા હતા. વાઢવાનું કામ પૂરું થયું પછી ચારના પૂળા લઈ જતા મજૂરોને લક્ષ્મીએ રોક્યા, પરંતુ તેઓ પછી તે પૂળા રાતમાં ચોરી ગયા.
ગામમાં પાણીની મોટી મુશ્કેલી. કૂવાએ વીજળીનો પાવર ક્યારે આવે તેનું ઠેકાણું નહીં અને આવે તો ક્યારે જતો રહેશે તેનો ભરોસો નહીં. તેથી પાવર આવે એટલે આખું ગામ પાણી ભરવા ઉમટી પડે.
પાણી ભરવામાં જાતિ વિભાજન. પહેલાં ઉજળિયાત વર્ણ ભરી રહે, પછી પછાત કોમોને પાણી ભરવા દેવાનું. વળી બોરકૂવાના પાઈપમાંથી તાજું પાણી સીધું ઉજળિયાત કોમને ભરવાનું, જ્યારે પછાત કોમને ટાંકાના પાણીના નળથી લેવાનું. પાણીનો ટાંકો બન્યા પછી કદી ધોવાય નહીં, તેથી તેનું પાણી બોરકૂવાના નળ કરતાં અશુદ્ધ રહેતું.
લક્ષ્મીએ આ વ્યવસ્થા સામે અવાજ ઉઠાવ્યો તો ગામના પટેલ યુવાનો સામે થયા અને વધારે જોર કરશે તો ટાંકાના પાણીમાં તેઓ મૂતરી આવશે તેવી ધમકી આપી. લક્ષ્મી કંઈ દબાઈ જાય તેમ ન હતી. તેણે લલકાર્યા કે પોલીસ કેસ માટે તૈયાર રહેજો.
તેવો જ બીજો ઝઘડો ગામના હવાડે કપડાં ધોવાનો. પછાત કોમને હવાડે કપડાં ધોવાનો અધિકાર નહીં. લક્ષ્મી કપડાં અને ધોકેણું લઈ તેમની વચ્ચે બેસી કપડાં ધોવા લાગી. તેનો પતિ હવે ઉચ્ચ અમલદાર હતો. પોતાના જ વાસના લોકોએ વિરોધ કરતાં લક્ષ્મી પાછી હટી અને ખરીફ સીઝન પૂરી થતાં અમદાવાદ પાછી ફરી.
ફરી પાછો જમાદાર, હવાલદારોનો કબજો વધ્યો. હું ગોધરા આવી ગયો હતો, પરંતુ સરકારી ફ્લેટ હજી બાંધકામ હેઠળ હતો. તેથી જેવો ફ્લેટનો કબજો ઓક્ટોબર ૧૯૮૬માં મળ્યો કે તરત જ ઉજ્જવલના જન્મદિવસના એક દિવસ પહેલા, ૧૬ ઓક્ટોબર ૧૯૮૬ના દિવસે, અમે ચાલીનું નર્ક છોડી સોસાયટીના સ્વર્ગમાં દાખલ થયા.
ગોધરાના રસ્તે જતાં થોડીક વાર ડાકોર રોકાઈ રણછોડરાયજીનાં દર્શન કર્યા અને ઘરમાં જરૂરી સાધનસામગ્રી—સાણસી, ચીપિયો, તવી, વેલણ, પાટલી, મરચું વાટવાનો પત્થર, કડાઈ, ચા ગાળવાની ગળણી, બે તપેલી, ચમચા-ચમસી, નાની ખાંડણી, ઝાડુ વગેરે—ખરીદ્યાં. એ ખરીદીમાં મને જે આનંદ આવ્યો તે અવિસ્મરણીય રહ્યો.
વધુ હવે પછી …
0 comments:
Post a Comment