Monday, September 1, 2025

મારી પ્રથમ કોલેજ એચ. કે. કોમર્સ કોલેજના સંભારણા

સેંટ જોસેફ હાઈસ્કૂલમાં ભણી એસ એસ શી બોર્ડમાં વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે ફર્સ્ટ ક્લાસ મેળવી તો લીધો પરંતુ દિનેશભાઈ દવેના પ્રકરણમાં અમારું એક મહિનાનું ભણાવાનું બગડ્યું અને કેટલોક કોર્સ અધૂરો રહી ગયો તેનો રંજ હતો. મારા બાપાએ પણ હું ધોરણ ૧૦માં હતો ત્યારે પંદરમા વર્ષે મારી સગાઈ લક્ષ્મી જોડે કરી દીધી હતી તેનું પણ ઘર્ષણ ચાલતું હતું. પરિણામે ત્રણેય વર્ષ શાળામાં પ્રથમ રહેનાર હું ત્રણ માર્ક્સ માટે ધોરણ ૧૧માં મારું પ્રથમ સ્થાન ગુમાવી બેઠો. રમણભાઈ પ્રભુદાસ મકવાણા કરતાં હું છ વિષયમાં આગળ પરંતુ સાતમાં હિન્દીમાં તેના માર્ક્સ મારા કરતાં ૨૯ વધારે હોવાથી છ વિષયની મારી ૨૬ માર્ક્સની લીડ ધોવાઈ ગઈ અને શાળાના બોર્ડ પર મારું નામ ચડાવવાના અભરખા મનમાં જ રહી ગયા. પરંતુ હવે કોલેજ જીવનની શરૂઆત થવાની હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ કાનમાં ગુંજારવ કરી રહી હતી. ઘટમાં ઘોડા થનગને ને આતમ વિંઝે પાંખ, અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ. એક નવી મંઝિલ, એક નવી સફર, કુટુંબ અને દેશની સેવા માટે સજ્જ થવાનો માર્ગ પ્રશસ્ત થઈ રહ્યો હતો. હવે યુનિફોર્મના એક જ રંગના પેન્ટને બદલે મનપસંદ રંગના પેન્ટ શર્ટ પહેરવા મળવાનો આનંદ હતો. ડોક્ટર અને તેની સોયનો ભય બચપણથી ભરાયેલો એટલે મનમાં હતું કે ડોક્ટર નહીં એન્જીનિયર બનીશું. હું એ હરખમાં ને હરખમાં ભવન્સ સાયન્સ કોલેજનું પ્રી સાયન્સનું ફોર્મ લઈ આવ્યો. બપોરે પિતા અને બે ભાઈ મિલમાંથી છૂટી ઘેર આવ્યાં. મેં વાત કરી કે હવે મારે કોલેજ કરવાની છે અને વિજ્ઞાન શાખામાં ભણી એન્જિનિયર બનવાનું છે તેથી મારાથી મિલ કે બીજું કામ નહીં થાય. ફી તો ભરવાની નથી પરંતુ ભણતરના સાધનો, નોટ, પુસ્તકો જેવું કંઈક નાનું મોટું લાવવાનું થાય તો ઘરની મદદ જોઈશે. ત્રણ ભાઈઓમાં હું સૌથી નાનો. મારા સૌથી મોટાભાઈ જીવણભાઈએ ઉગ્ર પ્રતિભાવ આપ્યો. શાનું હવે ભણવાનું? અમે મિલમાં જઈએ છીએ તેમ મિલમાં ચડી જવાનું. મફત ન ખવાય. કોઈ ખર્ચ નહીં આપીએ. બાપા ચૂપ રહ્યા અને મા તો કંજૂસ તેથી ભણતરના ખર્ચની વાત તેને ક્યાં ગોઠે? વાતાવરણ ઉગ્ર થયું અને તે ઉગ્રતામાં મેં ભવન્સ કોલેજનું લાલ રંગનું ફોર્મ ફાડીને ફેંકી દીધું. મારા વચેટભાઈ કનુભાઈ બધું જોઈ રહ્યા હતાં. બીજા દિવસે તેમણે મિલમાં તેમના મિત્ર જેસીંગભાઈને વાત કરી. જેસિગભાઈ કહે તેમના કોઈ ઓળખીતા ઝીંઝુવાડિયા સાહેબ એચ. કે. કોલેજમાં છે તેમની પાસે જઈએ. તેમણે ઝીંઝુવાડિયા સાહેબ જોડે વાત કરી મને એચ. કે. કોલેજમાં જઈ તેમને મળવા જણાવ્યું. હું તો બીજી સવારે પહોંચી ગયો એચ. કે. કોલેજના પટાંગણમાં અને દરવાજા પરના ચોકીદારને પૂછી ઝીંઝુવાડિયા સાહેબ કમ્પાઉન્ડમાં જ હતાં તેમને શોધી લીધા. તેમણે મારી માર્કશીટ જોઈ પછી કહ્યું કે તેઓ આર્ટસ કોલેજમાં સ્પોર્ટ્સના પ્રોફેસર છે પરંતુ મારા વિજ્ઞાન વિષયો જોતાં બપોરોની કોમર્સ કોલેજમાં એડમિશન લેવું તેવી સલાહ આપી. આપણને શું આર્ટ્સ કે શું કોમર્સ, વિજ્ઞાન સિવાય ખબર નહીં. પરંતુ ભાઈના તાપને કારણે વિજ્ઞાન શાખાનું ફોર્મ તો ફાડી નાખેલું તેથી કોલેજના પ્રોફેસરે કહ્યું છે તેથી યોગ્ય હશે તેમ સમજી બપોરે એચ. કે. કોમર્સ કોલેજનું ફોર્મ લઈ ભરી પ્રવેશ મેળવી લીધો. પછી શરૂ થયો ભણવાનો ક્રમ. એએમટીએસ બસનો પાસ કઢાવ્યો. રીચી રોડ જઈ એક ડઝન નોટ લઈ આવ્યો. પુસ્તકના પૈસા કોણ આપે? તેથી લાયબ્રેરીનું કાર્ડ લીધું અને પુસ્તક બેંકમાંથી સેટ મેળવવા અરજી કરી દીધી. હવે શરૂ થઈ બસ નં ૧૪૧, ૧૪૨ અને ૧૪૪ની સફર. નદીપાર જવાનું તેથી ચાલતા ક્યારે પહોંચાય? સાયકલ આવડે નહીં કારણકે બાએ સાયકલ પર ચડવા જ નહોતો દીધો. બસ પાછલા બસ સ્ટેન્ડોથી ભરાઈને આવે તેથી ઊભી જ ન રહે. કોઈક ઉતરનારું હોય તો થોડી આગળ જઈ ઊભી રાખે. તેથી કોલેજ જતાં બસનાં પાટિયાં દૂરથી વાંચવા, જેવી આવે અને ઊભી રહે તો ત્વરાથી ચઢી જવું અને ના ઊભી રહે તો તેની સાથે દોડી જો દંડો હાથ આવી જાય તો દોડીને ચઢી જવાનો આનંદ લેવાતો. એ ત્વરા અને જાગૃતિ ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામ આવવાની હતી. પરંતુ કોમર્સ કોલેજના વિષયોથી મારું માથું પકડાયું. બીઝનેસ એડમિનિસ્ટ્રેસન, કોમર્શિયલ કોરસપોન્ડન્સ, એકાઉન્ટન્ટન્સી, ઈકોનોમિક્સ, ઈંગ્લીશ, આંકડાશાસ્ત્ર ભણવાના. કેટલાક સહાધ્યાયી કાયમ બહાર જ રહે પરંતુ આપણે તો ભણવા આવ્યા છીએ તેથી એક પણ વર્ગ કેમ ચૂકાય. મનને ગમતું તો નહોતું પરતું જોર કરીને જોડ્યું. ગણિત મારો ગમતો વિષય અને શ્રીકાંત પરીખ સાહેબ અને સુજલભાઈ મહેતા સાહેબની ભણાવવાની પદ્ધતિ ખૂબ સરસ તેથી આંકડાશાસ્ત્રમાં તો મન લાગ્યું. પરંતુ સાથેસાથે એકાઉન્ટન્સીમાં પણ નોંધવાનું અને સરવાળા બાદબાકી કરવાની આવે અને તેમાંય આર.આર. ગાંધી સાહેબ ભણાવતા હોય એટલે એકાગ્રતા અને રસ બંને ભેળા થાય. તેમનો ચહેરો હાસ્ય પેદા કરે અને તેઓ બોર્ડ પર લખતાં હોય અને જો કોઈ ટીખળ કરવાનો પ્રયત્ન કરે તો તરત જ પકડી લે જાણે કે તેમને ચાર આંખો હોય, બે આગળ અને બે પાછળ. તેઓ બંને હાથે લખતાં અને આવે તે ઉધાર અને જાય તે જમા બરાબર ઠસાવી દેતાં. તેમની શિક્ષાથી એકાકી પેઢી કે ભાગીદારી પેઢીના હિસાબો, વેપાર ખાતુ, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવવું મારે માટે સરળ થઈ ગયેલું. દ્વિનોંધી નામા પદ્ધતિ અને પાકા સરવૈયાની બંને બાજુ સરખી કરવાની પોથી તેમણે એવી તો ભણાવી કે આજે પચાસ વર્ષ પછી પણ યાદ છે અને ક્યાંક ઈન્ટરવ્યુ લેવા જઈએ તો કોમર્સના ઉમેદવારોને આંટવામાં કામ આવે છે. સરકારોની બજેટ રમતમાં ઉધારના લઈ મૂડી દેવાં બાજુએ સરવાળો કરી બે છેડાં ભેળાં કરવાનો અને છૂપાવવાનો ખેલ તરત નજરે ચડી જાય. ઇકોનોમિક્સ અમને બિપિનભાઈ શાહ અને હરૂભાઈ ભણાવતાં. બિપિનભાઈ તો તેમની લખેલી નોટ લઈ આવે અને તે જોઈ લખાવવાનું શરૂ કરી દે. તેમણે શું ભણાવ્યું તેની તે દિવસે તો ખબર ન પડે પરંતુ દરરોજ ઝડપી લખવાની પ્રેક્ટિસ કરવાથી પરીક્ષામાં પેપર સમયસર પૂરું કરવામાં અને સપ્લીમેન્ટરી ભરવામાં ઘણું કામ આવતું. કોમર્સીયલ કોરસપોન્ડન્સમાં મિસ્રી સાહેબની ભણાવવાની ઠંડક વિષયને અઘરો કરી દેતી. ઈંગ્લીશમાં વર્ષાબેન શાહની તાજગી અને પ્રેરણાબેન દિવેટિયાની ઉદાસીનો ગજબનો સંગમ હતો. બીઝનેસ એડમિનિસ્ટ્રેસન આમ તો માથાનો દુઃખાવો પરંતુ બે પ્રાધ્યાપકમાંથી એક સનત મહેતા સાહેબનો વર્ગ હાઉસફૂલ જાય. વાંકડિયા કાળા વાળ અને સ્ટાઇલીશ મૂછ, ડાર્ક ફ્રેમના ચશ્મા અને ઉત્સાહવર્ધક અવાજ તેથી તેમનું ભણાવેલું મગજમાં તરત ઉતરતું. બીજા પ્રાધ્યાપક મનુભાઈ મોદીનો અવાજ જ એવો દબાયેલો કે કાન દઈ સાંભળીએ તો ય ન સમજાય. વિરાટ મહેતા સાહેબે ગુજરાતી સાહિત્યની ગુણવંતરાય આચાર્યની દરિયાલાલ એવી તો ભણાવી હતી કે વાંચવાનો ચશ્કો ઉપડ્યો અને એ બે વર્ષમાં બીજી પચાસ સાઠ ચોપડીઓ-આત્મકથાઓ વાંચી નાંખી. એન.એસ.એસ.માં જોડાઈ રચનાત્મક કામોની તાલીમ લીધી. હું દરરોજ કોલેજ જતો અને ભણતો પરંતુ મારું મન ઉદાસ. બીજગણિત, ભૂમિતિ, ફીઝીક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિનાનું ભણતર નિરાશા લાવતું. કોલેજની યુનિટ ટેસ્ટમાં મારો સ્કોર અને પ્રથમ સ્થાન જળવાઈ રહેતું પરંતુ મનની ખટક જતી ન હતી. છેવટે એક દિવસ પોતાના મનની વાત પરીખ સાહેબ સામે ખોલી દીધી. સાહેબ મારે સાયન્સ કોલેજમાં જવું છે. પહેલું સત્ર પૂરું થવાને એક અઠવાડિયું જ બાકી હતું. પરીખ સાહેબ કહે, હવે તો મોડું થઈ ગયું. જો સાયન્સમાં જવું હોય તો આ વર્ષે ડ્રોપ લઈ આવતા વર્ષે પ્રી સાયન્સનાં પ્રવેશ લેવો પડે. તે જમાનામાં ટયુશનમાં જવું અને કોલેજમાંથી ડ્રોપ લઈ વર્ષ બગાડવાનું નામોશીભર્યુ ગણાતું. વળી ઘેર બેઠા તો મિલ કામદારની નોકરી પાકી જ હતી તેથી કમને પણ કોમર્સના ગાડી હલાવે રાખી. પ્રી કોમર્સ ફ્રસ્ટ ક્લાસ મેળવી હું એફ.વાય.બી.કોમમાં આવ્યો. મોટાભાગના વ્યાખ્યાતા ચાલુ રહ્યા પરંતુ તેમાં ઉમેરાયા રૂપાળા અને સૌના મનપસંદ ગીતાબેન શાહ. એવા નાજુક અને નમણાં કે જો પાણી પીએ તો જાણે ગળામાંથી પાણી જતું દેખાય. તેમનો મધુર અવાજ સૌને રોમાંચિત કરી દેતો. અર્થશાસ્ત્ર ભણાવવાની તેમની પદ્ધતિ એવી અદ્ભુત કે બીજીવાર વાંચવાની કે યાદ રાખવાની જરૂર ન રહે. તે વર્ષે કોલેજની પરીક્ષામાં ઇકોનોમિક્સમાં મને સૌથી વધુ ગુણ મળેલા. તેમને મારું લખેલું એવું તો ગમેલું કે વર્ગમાં વખાણ કરતા ન થાકે. કહે કે તેઓ પણ કદાચ એવા જવાબ ન લખી શક્યા હોત. તેઓ જીવ્યા ત્યાં સુધી મને અને મારી એ પરીક્ષાને અચૂક યાદ કરતાં રહ્યા. બીઝનેસ એડમિનિસ્ટ્રેસનમાં એક વાળંદ સાહેબ જે મને બહું યાદ રહ્યા. કહેતા કે ચાર વર્ષ કોલેજના સાચવી લીધાં તો પછીના ચાલીસ સુધરી જવાના અને જો આ ચાર બગાડ્યાં તો પછીના ચાલીસ પણ બગડી જવાના. મારું ધ્યાન એ ચાર તરફ રહ્યું જેણે મારા ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાંખ્યો. તે વર્ષે યુનિવર્સિટી પરીક્ષામાં મેં ફર્સ્ટ ક્લાસ મેળવી કોલેજમાં મારું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું. એફ.વાયનું આંકડાશાસ્ત્ર ભણાવવા પાધ્યાપક વિષ્ણુભાઈ પંડયા જોડાયા અને આંકડાશાસ્ત્રમાં પૂરા માર્ક્સ લાવવા મારા માટે સામાન્ય બની ગયું. એચ. કે. આર્ટસ એટલે ૮૦ઃ૨૦ નો સુકાળ અને અમારે કોમર્સમાં ૨૦ઃ૮૦ નો દુકાળ. આખી કોલેજ રૂપાળી છોકરીઓથી ભરેલી. અમે લાલ દરવાજાથી નેહરૂ બ્રીજ પરથી ચાલી કોલેજ જઈએ ત્યારે જાણે ફેશન પરેડ હોય તેમ આખો બ્રીજ સુંદરતાથી ભરાઈ જાય. અમારી કોલેજની આજુબાજુ સાત સાત સિનેમા ઘરો. નટરાજ, શિવ, શ્રી, અંજતા, ઈલોરા, દીપાલી, રૂપાલી. અપરનો એક રૂપિયો ટિકીટ પરંતુ ગજવામાં ફદિયું હોય તો સિનેમા જોવાનો વિચાર આવે ને! બે વર્ષ રહ્યો પરંતુ એક પણ પિકચર ન જોયું. વિચાર જ ન આવ્યો. હું ભલો અને મારું વાંચન ભણતર ભલું. પરંતુ મારે એક ભારે ઘટનામાંથી પસાર થવાનું થયું. મારી ઉંમરનું હજી સત્તરમું વર્ષ ચાલતું હતું ત્યાં મારા બાપાએ મારા લગ્નની વાત ઉપાડી. ભણતર પૂરું થાય નહીં, નોકરી ધંધે લાગીએ નહીં ત્યાં સુધી કેવી રીતે પરણાય? સગાઈ તો હું ધોરણ-૧૦માં હતો ત્યારે થઈ ગયેલી. કન્યાને જોયેલી પણ નહીં. મનમાં થતું લગ્ન એટલે આખી જિંદગીનું બંધન, આમ જોયા વિના કેમ પરણાય? એક સવારે ટ્યુટોરીયલનું બહાનું કરી હું અને ત્રણ મિત્રો અમદાવાદ સ્ટેશનથી ટ્રેનમાં બેસી સવારે આઠ વાગે આંબલીયાસણ પહોંચી ગયા અને ત્યાંથી બસ મળી તેમાં બેસી મુદરડા જવા રવાના થયાં. માર્ગમાં મારી સાસરીનું ગામ દીવાનપુરા આવે. મારા સાથીએ કહી રાખેલું કે બસમાં જમણી સાઈડની બારીએ બેસજે. બસ દીવાનપુરા તારા સસરાના ઘર સામે જ ઊભી રહેશે, તેથી તને કન્યા જોવા મળી જાય. દીવાનપુરાનું સ્ટેશન જેમ જેમ આવવાં થયું તેમ તેમ મને મારા હદયના ધબકારા સંભળાવા લાગ્યા. હું બારીમાંથી એકટક થઈ તાકીને જોઈ રહ્યો. બસ ઊભી રહી અને સામે એક ઘરની ઓસરીમાં પંદર વર્ષની રંગે જરાક શ્યામ કન્યા મારી નજરે ચડી. વાદળી સ્કર્ટ, સફેદ બુશર્ટ, માથામાં તેલ નાંખી તસોતસ ખેંચીને ઓળેલા વાળ અને તેમાંય સાઈડ પાંથી, પાતળા પણ ચમકતા પગ અને ઉર્જાવાન કન્યાને મેં પહેલીવાર જોઈ. મારો મિત્ર કહે, તે એ જ. પરંતુ આપણને શું ખબર કે આપણે કન્યાને કેવી રીતે જોવાની અને પસંદ કરવાની? બસ તરત જ ઉપડી. અમે આગળના મુદરડા બસ સ્ટેન્ડ પર ઉતરી તેમના શાળાએ આવવાના રસ્તે હળવેકથી ચાલવાનું શરૂ કર્યું. લક્ષ્મી ત્યારે ધોરણ નવમાં અભ્યાસ કરતી. થોડીવારમાં જ દીવાનપુરા તરફથી પાંચ-સાત છોકરીઓ અને ત્રણ-ચાર છોકરાઓનો સમુહ આવતો દેખાયો. મારી સાથે સગાઈ થયેલી કન્યાને મળવા પહેલીવાર ગયેલો તેથી બાથી છાના ઉછીના ઉધાર કરી પંદરેક રૂપિયા ભેળાં કરેલાં. તેમાંથી ખાડિયા જઈ લાલ-લીલા રંગની કાચની બંગડીઓ, ત્રણેક રંગની રીબીનો, નખ રંગવા નેલ પોલિશ, એક નાનકડું હથેળી જેવડું પાકીટ, એક નાનો રૂમાલ વગેરે લઈ આવેલો. તે જેવું મેં સામે ધર્યું કે તેની સાથેની છોકરીઓએ વચ્ચેથી જ ખેંચીને લઈ લીધુ. પછી તો બધાં વારાફરતી જુએ અને નખ રંગવાની શીશી તો ત્યાં જ લગભગ પૂરી થઈ ગઈ. મેં લક્ષ્મી સાથે અલપઝલપ વાત કરી અને અમે પરત થઈ મળી તે બસ પકડી સીધા અમદાવાદ આવી ગયા અને પછી કોલેજ છૂટવાના સમયનો મેળ કરી જાણે કંઈ બન્યું નથી તેમ હાથમાં કોલેજની નોટો પકડી ઘેર પહોંચી ગયા. પછી થોડાક દિવસ જવા દઈ મેં ઉપાડ્યો ઝઘડો કે મારે હાલ પરણવું નથી. મને કોલેજ શિક્ષણ પૂરું કરવા દેવામાં આવે. અહીં મિલમાં મારા બાપાને મજૂર મહાજન સંઘના મેમ્બરની ચૂંટણી. લક્ષ્મીના કાકા બબલદાસ મારા બાપાના ભાઈબંધ અને સમર્થક. મારા બાપા ૧૯૫૪થી મેમ્બર. ચૂંટણી હોય એટલે વિરોધી પણ હોય. મારા મોટાભાઈ પણ સામેત્રા ગ્રુપના વિરોધમાં વિરોધી થઈ જાય. હવે જો આવા સંજોગમાં મારા સગપણનું કંઈક આઘુંપાછુ થાય તો ચૂંટણી હારી જવાય. મારા પિતાને ધર્મ સંકટ આવ્યું. તે મારા માટે એક સોનાનો દોરો બનાવી લાવ્યા. તેમના મોટાભાઈ સોમાભાઈને સમજાવવા લઈ આવેલા. મને થતું આખરે ભણીને નોકરી તો માતા પિતા માટે કરવી છે. જો તેમને સુખી રાખવાનું મુખ્ય કર્તવ્ય હોય તો તેમને આ તબક્કે દુઃખી કરી, કોઈ બીજાને ક્રેડિટ આપી વિખવાદ કેમ કરવો? આદર્શવાદને આગળ ધરી મેં હા ભણી એટલે મે ૧૯૭૮માં મારા લગ્ન થઈ ગયાં, મુરતિયો અઢારમી નજીક અને કન્યા સાડા સોળની. અમદાવાદથી ત્રીસ સીટરની લકઝરી કરી, એક ઢોલ અને બે શરણાઈવાળા અને પચીસ જાનૈયા લઈ મને પરણાવી દીધો. મારા પરણવાનો કુલ ખર્ચ ₹૩૦૦૦ થયેલો જેમાંથી મારા મામાએ મામેરાં અને દાપા પેટે ₹૧૨૦૦ કાંધુ કરી આપેલાં. તે સમયે સાંજે જાન પહોંચે પછી જમે, રાતવાસો કરે, પરોઢિયે ચોરી ફેરા થાય, બપોરે જમણ અને માંડવાનો વહેવાર કરી જાન પરત ફરે એટલે સંધ્યા થઈ જાય. પછી જેવું અંધારું થાય તે પછી વહુનો લક્ષ્મી તરીકે ગૃહપ્રવેશ થાય. લક્ષ્મીનો પણ તે ૧૮ મે ૧૯૭૮ની રાત્રે ગૃહપ્રવેશ થયો અને મારા જીવનના પરિવર્તનની શૃંખલાની શરૂઆત થઈ. હવે પરણ્યા એટલે નોકરી કરવી જરૂરી. મોટાભાઈનું મફતિયાનું મહેણું હજી મગજમાં વાગ્યા કરતું. બપોરની કોલેજમાં જઈએ તો નોકરી કેમ થાય? એટલે નિર્ણય લીધો કોલેજ બદલવી. કોલેજનો પ્રથમ રેન્કનો વિદ્યાર્થી કોલેજ છોડે એટલે પ્રિન્સિપાલનું ધ્યાન જાય. પ્રિન્સિપાલ ધીરૂભાઈ વેલવન સાહેબે મને તેમની ચેમ્બરમાં બોલાવ્યો. મારું કોલેજ બદલવાનું કારણ પૂછયું અને રજા આપી. મેં તે જ આશ્રમ રોડ પર થોડેક દૂર આવેલ નવગુજરાત કોમર્સ કોલેજમાં એસ.વાય.બી.કોમ. માં પ્રવેશ મેળવી લીધો જ્યાંથી મારા મહા પુરુષાર્થની એક બીજી યાત્રાનો આરંભ થવાનો હતો. મેં એચ. કે. કોમર્સ કોલેજ નોકરી સાથે ભણવાની અનુકૂળતા કરવા છોડી, પરંતુ તે મારી પહેલી કોલેજ, બે વર્ષ તેના પ્રાધ્યાપકો મારા જીવનના પહેલાં પથદર્શકો તેથી તે કોલેજ અને તેના પ્રાધ્યાપકો મને નવગુજરાત કોલેજ કરતાં પણ વધુ આત્મીય રહ્યા અને વધુ યાદ રહ્યાં. તેમનો પ્રેમ મને આજેય ભીંજવતો રહે છે. અમારા રોહિતભાઈ ગાંધી સાહેબ તો અમેરિકા રહે પરંતુ મારે જ્યારે પણ કોઈ વસ્તુની જરૂર હોય તો તરત જ વસ્તુ લઈ ત્વરાએ મોકલી આપે. ગીતાબેન તો હવે રહ્યા નથી પરંતુ તેમને અમેરિકા જઈ મળવાનું ચૂકી જવાયું તેનો વસવસો કાયમ રહેવાનો. બિપિનભાઈ પછીથી કોલેજના પ્રિન્સિપાલ થયા ત્યારે એકવાર મળેલો. વર્ષાબેન વિશે મારા મિત્ર જયકાંત બગડિયા ક્યારેક સમાચાર આપતાં હોય છે. બાકી બધાં ક્યાં છે? ખબર નથી. સહાધ્યાયીઓમાં અમે સાથે બેસતાં તે પૈકી બદરખાં ગામના તખતસંગને ઘેર એકવાર ગયેલો. સુનીલ જૈન (શાહ) કે માંકડના સમાચાર નથી. સમય ક્યારે વીતી ગયો ખબર જ ન પડી અને ચિત્રો હવે ચિત્રપટ પરથી અદૃશ્ય થઈ રહ્યા છે ત્યારે સૌને યાદ કરવાની આ તક લીધી છે. ગમાડજો. સૌને નમસ્તે. ડો. પૂનમચંદ પરમાર (IAS:1985) ભૂતપૂર્વ વિદ્યાર્થી, એચ. કે. કોમર્સ કોલેજ, પૂર્વ અધિક મુખ્ય સચિવ, ગુજરાત સરકાર ૧ સપ્ટેમ્બર ૨૦૨૫
Powered by Blogger.