તે જમાનામાં સરકારી નોકરીની સીધી ભરતીની બધી પરીક્ષા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) લેતી. ૧૯૭૭માં મારી ઉંમર ૧૮ વર્ષ નહોતી છતાં પોતાની ક્ષમતા ચકાસવા મેં સચિવાલયમાં સામાન્ય ફરજ કારકૂન (GDC)નું ફોર્મ ભરી પરીક્ષા આપી હતી. એ વખતે કોલેજમાં પરીક્ષા આપીએ તેવી વર્ણનાત્મક પરીક્ષાના ત્રણ ત્રણ કલાકની પરીક્ષાના ચાર પેપરો. ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને સામાન્ય જ્ઞાન. ગણિત તો મારે માટે સાવ સહેલું. છાપાં વાંચવાની ટેવ બચપનથી અને પુસ્તકોનું વાંચન સારું એટલે સામાન્ય જ્ઞાનમાં કોઈ તકલીફ નહીં. ગુજરાતી માતૃભાષા અને અંગ્રેજીમાં સેંટ જોસેફ હાઈસ્કૂલે ગ્રામર મજબૂત કરાવેલું તેથી ગાડું ગબડી જાય. ૧૯૭૮માં પરીક્ષાનું પરિણામ આવ્યું, મારું નામ ન હતું. છતાં કુતૂહલવશ મેં પરીક્ષામાં કેટલાં માર્ક્સ આવ્યા તે જાણવાની અરજી આપી દીધી. મેં જ્યારે માર્ક્સ જોયા તો તે જનરલ કટ ઓફ કરતાં વધારે હતાં. મેં તરત જ કાઉન્ટર પરના કર્મચારીને પૂછયું કે ભાઈ હું તો પાસ છું પછી મારું નામ પસંદગી યાદીમાં કેમ નથી? તેણે મને રોકાવાનું કહી અંદર જઈ તપાસ કરી પછી જણાવ્યું કે અરજી કરવાની તારીખે હું અઢાર વર્ષનો નહોતો તેથી મારું નામ પસંદગી યાદીમાં લેવાયું નથી. GPSCની ચોકસાઈ ત્યારે પણ ચડિયાતી હતી. મેં દલીલ કરી કે મારે અઢાર નહોતા થયા છતાં મારા બાપાએ પરણાવી દીધો અને આ પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે તો અઢાર થઈ ગયા છે, પછી શું વાંધો? પરંતુ નિયમ એટલે નિયમ. છૂટ ન મળી.
મેં ઉંમર ૧૮ પૂરી થતાં જીપીએસસીની બીજી વાર આવેલી જાહેરાતમાં અરજી કરી તેની પરીક્ષા આપી. ૧૯૭૯માં પરિણામ આવ્યું ત્યારે જનરલ મેરીટ પર મારી પસંદગી થઈ ગઈ હતી અને ઓગસ્ટ ૧૯૭૯ના પ્રથમ અઠવાડિયામાં મારે ગૃહ વિભાગ સચિવાલયમાં હાજર થવાનો નિમણૂક હુકમ પણ આવી ગયો. મારી ઉંમર અઢાર પૂરી થતાં હું જીપીએસસી ઉપરાંત જિલ્લાઓની કેન્દ્રીયકૃત ભરતીઓ, જુદી જુદી કચેરીઓની પોતાની સીધી ભરતીની જાહેરાતો, સ્ટાફ સિલેક્શન બોર્ડ અને બેંકિંગ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડ વગેરે જાહેરાતોના ફોર્મ ભરતો. દરેક પરીક્ષામાં પાસ થતો અને નિમણૂક પામતો.
એવી એક પસંદગીથી મને ગુજરાત કોલેજ અમદાવાદમાં નોકરી મળી ગઈ તેમાં સોમવાર તારીખ ૩૦ જુલાઈ ૧૯૭૯ના રોજ હાજર પણ થઈ ગયો. કોલેજની કચેરીમાં ત્રણ-ચાર કર્મચારીઓના સેક્શનમાં મને ખુરશી ટેબલ મળી ગયા. પરંતુ અમારા હેડ કારકૂન જોષીભાઈ. મને ઈન્વર્ડ આઉટવર્ડનું કામ આપે ઉપરાંત હાથે લખેલાં મુસદ્દાની કાર્બન પેપર મૂકી પાંચ છ નકલ લખવા આપે. કાર્બન પેપર મૂકી વજન દઈ લખવાનુ કામ એકાદવાર તો ચાલે પણ વારેવારે મને ન ગમ્યું. થયું કે આવી તો ગયા પરંતુ TYBComની તૈયારીમાં અડચણ વધશે. બે દિવસ મંથન કર્યું અને બુધવારે સાંજે ઘેર ગયો તો સચિવાલય ગાંધીનગરમાં GDC તરીકે એક અઠવાડિયામાં હાજર થવાનો નિમણૂક પત્ર ટપાલમાં આવી ગયો હતો. એક તરફ નવગુજરાતમાં TYBCom કરવાનું અને ગુજરાત કોલેજમાં નોકરી એટલે બહુ જ અનુકૂળતા હતી. વળી
ગાંધીનગર જવામાં અવરજવરના બે કલાક થાય,
અમદાવાદમાં CLA અને HRA વધુ તેમજ બસ ભાડું થાય તેથી આર્થિક હાનિ અને કોલેજના ફાયનલ વર્ષમાં ભણવા પર અસર પડે તો પરીક્ષાના પરિણામ પર માઠી અસર થવાની બીકે મેં મનથી તો ગાંધીનગરની નોકરી જતી કરવાનું વિચાર્યું. બીજી તરફ હેડક્લાર્ક જોષીએ નકલો લખવાનું કામ વધારી દીધું અને જે નકલ ઝાંખી નીકળે તે ફરી લખાવે. ફુરસદના સમયમાં કોલેજની નોટ ખોલી વાંચુ તો વાંધો લે તેથી મનમાં ઉચાટ વધે.
પરંતુ દૈવ માર્ગ પ્રશસ્ત કરતો હોય તેને કોણ રોકે? અમારી ચાલીના કાલીદાસભાઈ સચિવાલયમાં નોકરી કરે. તેઓ ગાંધીનગર રહેતા તેથી કોઈક કોઈ દિવસ ઘેર બધાંને મળવા આવે. તે ગુરુવારની સાંજે તે અને તેમની સાથે નાગરિક પુરવઠામાં નોકરી કરતાં બીજા એક ભાઈ આવ્યાં. તેમણે જેવું જાણ્યું કે મને સચિવાલયમાં નોકરી મળી છે તો આનંદિત થઈ ઉઠ્યાં અને કહ્યું કે તરત જ સોમવારે હાજર થઈ જવું. મેં મારી કોલેજ શિક્ષા, ગાંધીનગર આવવા જવાનો સમય, બસભાડું, પગારઘટની તકલીફ કહી તો તેમણે કહ્યું કે સચિવાલય એક વિશાળ એકમ છે જેમાં બહું બધાં કર્મચારીઓ અધિકારીઓ સાથે સંપર્ક થશે જેનાથી જ્ઞાન વધશે અને મોટી નોકરી મેળવવા પ્રોત્સાહન મળશે. મેં તે રાત આખી વિચાર્યું. સવારે ઉઠી કોલેજ ગયો. ત્યાંથી નોકરી પર ગુજરાત કોલેજ ગયો અને જેવી જોષીભાઈએ મુસદ્દાની કાર્બન નકલ કરવા કહ્યું કે તેમના હાથમાં રાજીનામું પકડાવી દીધું. ૬ ઓગસ્ટ ૧૯૭૯ના સોમવારે ગૃહ વિભાગની ટ શાખામાં અતિ પ્રેમાળ અને બોલકા એવા સેક્શન અધિકારી પ્રતિમાબેન આચાર્યની નિશ્રામાં મારી સચિવાલય સફરનો નવો અધ્યાય શરૂ થયો.
આ તરફ જીવન કસોટી પર આવ્યું. સવારે વહેલા ઉઠવાનું, ૭૭ નંબરની બસ પકડી કોલેજ જવાનું, કોલેજમાં પહેલાં બે પીરિયડ ભરવાના અને ત્રીજો ચાલતો હોય ત્યારે પાછલી બેંચમાંથી સરકી દોડતી ચાલે ઈન્કમટેક્સ બસ સ્ટેન્ડ પર પહોંચી ગાંધીનગરની બસ પકડવાની અને સાડા દસ વાગે મસ્ટરમાં સહી કરી શાખામાં પહોંચી જવાનું. બસમાં એક આકર્ષણ જોડાતું. ઈપ્સા પરીખ એનું નામ. મારી પાસે જગ્યા હોય એટલે આવીને જોડે બેસી જાય. તે જીંએડી રજીસ્ટ્રીમાં. મને શાખામાં ફોન કરે અને બે એક વાર મળવા પણ આવેલ. મારી મર્યાદા મને ખબર હતી. પછી તો તે અમેરિકા ગઈ અને ત્યાં જ સ્થાયી થઈ ગઈ.
અમે સાંજે સાડા પાંચે નોકરીમાંથી છૂટીએ એટલે પોઈન્ટની બસ પકડી હાથીખાઈ ઉતરવાનું અને ત્યાંથી ચાલતાં ઘેર પહોંચીએ એટલે સવા સાત થયા હોય. પછી હાથ મોઢું ધોઈ શાક-રોટલાં કે ખીચડી-કઢી જમવાનું. ચોવીસ કલાકે જમવાનું મળે એટલે તેનો સ્વાદ પણ બહું આવે. જમ્યા પછી રાત પડી જાય અને નાનકડી ઓરડીમાં ભાઈ ભાભીના રૂમ વહેંચાયેલા એટલે આપણો પથારો ઘરની બહાર, સીમેન્ટના ડેલાની કોટની દિવાલે. મોટો પ્રશ્ન હતો વાંચવું ક્યારે? કોલેજમાં પૂરું ભણવાનું ન મળે અને આખો દિવસ નોકરીમાં જાય. તેથી રજાના દિવસે પાંચકૂવા જઈ એક ટેબલ લેમ્પ અને થોડો વાયર લઈ આવ્યો. ઘરમાંથી વીજળી લાઈન ખેંચી ડેલાની દિવાલે ખીલી મારી તેના પર લેમ્પ ગોઠવી દીધો. પછી ચાલી ઊંઘે અને આપણે જાગીએ. ખાટલો આપણી ખુરશી. રાત્રે બાર વાગે ત્યારે બીજી પાળીનાં મિલ કામદારો આવે એટલે પછી જે વાંચન લેસન ચાલતું હોય તે પતાવી સાડા બાર એક વાગે સૂવાનું. સવારે વળી પાછા છ વાગે ઉઠી, નાહી, બે રકાબી કાવા ચા પી, નોટો ઉઠાવી એએમટીએસ જિંદાબાદ કરી કોલેજ પહોંચી જવાનું.
એચ. કે. કોલેજ કરતાં અહીં એક બાબત વિશેષ હતી. દરેક વર્ગખંડમાં સ્પીકર લાગેલા. દરરોજ વર્ગની શરૂઆત પહેલાં તેમાં હરિ ઓમ શરણનું એક ભજન વાગેઃ મૈલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમ્હારે આઉં, હે પાવન પરમેશ્વર મેરે મન હી મન શરમાંઉ; તેરા રામજી કરેંગે બેડા પાર ઉદાસી મન કાહે કો કરે; ભવ પાર કરો ભગવાન તુમ્હરી શરણ પડે, ઉદ્ધાર કરો ભગવાન તુમ્હરી શરણ પડે;
નિર્ગુણ રંગી ચાદરિયા રે કોઈ ઓઢે સંત સુજાણ. મારી બાએ વૈષ્ણવ સંસ્કાર ગળથૂથીમાં આપેલાં. ભાગવત, મહાભારત અને રામાયણ તો હું જ્યારે ધોરણ ૬-૭માં હતો ત્યારે વાંચી ગ્રહિત કરેલાં તેથી હરિ ઓમ શરણનાં ભજનો મારું ધ્યાન શરીર અને મનને પડતાં કષ્ટ પરથી હટાવી ભગવાન પરના વિશ્વાસ તરફ લઈ જતાં. તે ભજનોએ મને ટકાવી રાખ્યો.
પછી તો અમદાવાદ થી ગાંધીનગર બસ સવારીમાં આવવા જવાની ૯૦ મિનિટ વાંચનમાં જ વિતાવતો. શાખામાં કામ ન હોય ત્યારે કોલેજની નોટ પર આંખ ફેરવી લેતો. બપોરે રિસેસ પડે ત્યારે આપણી પાસે ટિફિન નહીં અને ગજવા ખાલી તેથી બપોરના બે થી ત્રણનો એક કલાક વાંચવા મળી જાય. આમ કોલેજ અભ્યાસના બે-અઢી કલાક, બસ વાંચનનો દોઢ કલાક, રિસેસ વાંચનનો એક કલાક અને રાત્રી વાંચનના ચાર કલાક; દૈનિક આઠ-નવ કલાક વિદ્યાભ્યાસ ગોઠવાઈ ગયો. છ કલાક નોકરી, આઠ-નવ કલાક અભ્યાસ, છ કલાક ઊંઘ અને ત્રણેક કલાક બીજી દિનચર્યાનાં. પછી રવિવારે કાંકરિયા અને નગીનાવાડીમાં કુદરતના ખોળે અઠવાડિયાનું અધૂરું પૂરું કરી લેતો. આમ જીવન શિસ્ત અને સંયમમાં બંધાઈ વિકસિત થવા લાગ્યું.
નવી કોલેજમાં મારે મારું પ્રથમ સ્થાન મારે છોડવું નહોતું. સહાધ્યાયીઓ, વ્યાખ્યાતાઓ નવાં હતાં. આંકડાશાસ્ત્રમાં આપણે પાછા પડવાના નહોતા. SYBCom ની કોલેજની પહેલાં સત્રની પરીક્ષા થઈ. સરસ આપી. બધાં પરિણામની વાટ જોતાં હતા. એક દિવસ અર્થશાસ્ત્રના પ્રોફેસર ડી. એસ. ઝાલા સાહેબ તેમનો પિરિયડ હતો એટલે આવ્યા અને પૂછયું, રોલ ન.૬. હું ક્લાસમા વચ્ચેની લાઈનમાં ત્રીજી બેંચ પર બેસતો. મેં ઝટ હાથ ઊંચો કર્યો. સાહેબે મારી સામે જોયું, મારું નામ અટક પૂછી માથુ ધૂણાવ્યું. આગળ કંઈ ન બોલ્યા. બીજા દિવસે ફરી પિરિયડ આવ્યો. ફરી બોલ્યાં રોલ નં.૬. મેં ફરી હાથ ઊંચો કર્યો. તેમણે રાજી થઈ જાહેર કર્યું કે અર્થશાસ્ત્રમાં કોલેજમાં મારે સૌથી ઊંચા ગુણ હતા. સહાધ્યાયીઓની નજર મારા પર મંડાણી અને પછી કોલેજમાં આપણી સ્કોલર લાઈફનો નવો અધ્યાય શરૂ થયો. અર્થશાસ્ત્રમાં બીજા એમ. એસ. પટેલ પણ સારું ભણાવતા.
એચ.ડી. શાહ સાહેબ, એસ.બી. પટેલ સાહેબ, માધુભાઈ પટેલ સાહેબે ભણાવેલું આંકડાશાસ્ત્ર મારી કોર તાકાત હતી. એચ. કે. કોલેજ માં ગીતાબેને પાયો ઘડેલ અર્થશાસ્ત્ર ડી. એસ ઝાલા સાહેબના સિંચનથી વધુ મજબૂત બન્યું. કુમારપાળ શાહ સાહેબની બીઝનેસ એડમિનિસ્ટ્રેશનની અને સી. સી. પટેલ સાહેબની બીઝનેસ મેનેજમેન્ટની સમજાવટે તે વિષયોને સરળ કરી દીધા. ટેક્સેશન અને વેપારી કાયદાઓ સી. બી. મહેતા સાહેબે સાવ પાકા કરાવી દીધા હતાં. અંગ્રેજી સામાન્ય હતું. પરિણામે મેં બે વર્ષ નવગુજરાત કોલેજમાં ભણી માર્ચ ૧૯૮૦માં વીસમાં વર્ષે TYBCom ડિસ્ટીંકશન સાથે પાસ કરી કોલેજમાં ટોપ કર્યું. એક હાશકારો થયો. કોલેજ જવામાંથી મુક્ત થયો અને મોટી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના દરવાજા ખુલ્યાં. એચ. કે. કોમર્સ કોલેજની ફેકલ્ટી કરતાં અહીંની ફેકલ્ટી વ્યવસાયલક્ષી. મોટાભાગના વ્યાખ્યાતાઓના વિષય પુસ્તકો પ્રકાશિત. ઝાલા સાહેબના (પરીખ-ઝાલા પ્રકાશન) અને કુમાર સાહેબના પુસ્તકો અને અપેક્ષિતો ધૂમ વેચાય. તેથી અહીં આદર્શવાદમાંથી બહાર આવી અર્થવાદની શિક્ષા મળી.
નવગુજરાતમાં મને નવા મિત્રો મળ્યાં. એ.ડી. પટેલ, કાન્તિ પ્રજાપતિ અને હું એક જ બેંચ પર બેસતા. ત્રણેય આંકડાશાસ્ત્રના વિદ્યાર્થી. ત્રણેયની સચિવાલયમાં સાથે નોકરી તેથી પાકા ભાઈબંધ બની રહ્યાં. અમારું TYનું પરિણામ આવ્યું ત્યારે પહેલી વાર ઓસવાલના ફાફડા જલેબી ખાધેલા. આજે પણ અમારા હેત પ્રેમમાં કોઈ ઘટાડો થયો નથી. તેઓ બંને સીધી ભરતીના સેક્શન અધિકારી બની સંયુક્ત સચિવ તરીકે નિવૃત્ત થયેલા. મારી પાછળની બેંચે બેસતાં કમલેશ બ્રહ્મક્ષત્રિય પછીથી સી.એ. થયાં અને દસેક વર્ષ પછી પુનઃ પરિચયમાં આવી ૩૫ વર્ષથી ઘનિષ્ઠ મિત્ર તરીકે સુખ દુઃખના સાથી બની રહ્યા. ભાઈ નિમિષ ઝવેરી, તેમના પિતા સુરેન્દ્રભાઈ, ભાભી જિપ્સા, દીકરીઓ કિંજલ અને દિપલે કુટુંબના સભ્ય જેવો પ્રેમ સંબંધ રાખ્યો. જમાઈરાજ ચિરાગ પણ એવો જ પ્રેમ રાખે. ઉપેન્દ્ર ખાંડવાલા એટલે અમારો પેટનો ચોકખો મિત્ર. કોઈ કપટ નહીં. ક્લાસમાં રૂપાળા ક્ષેત્રની અલકા અમીનને પરણી ગયો. તેણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરી વિદેશ જવાની તક મળતાં હાલ અમેરિકા સ્થાયી છે. જ્યારે પણ તે ભારત આવે ત્યારે મળે અથવા ફોન કરી સમાચારની આપ લે જરૂર કરે. અશોક જાટકીયા અમારો તરવરીયો યુવાન, હસમુખ અને કોઈનું પણ ધ્યાન ખેંચી જાય તેવો. કાલુપુરમાં કપડાંની દુકાનમાં તેણે આયખું પૂરું કર્યું પરંતુ દીકરાઓને ભણાવી મજબૂત કરી દીધા. અમારા વર્ગમાં એક કન્યા, પ્રણોતિ ચોક્સી તેનું નામ. તેને પસંદ કરનારાની સંખ્યા વધારે. જશુ ઠક્કર તો તેના પર ઘેલો. તેને તો ન મળી પરંતુ એમ. કોમ. કરી જશુભાઈ એનસી બોડીવાલા કોલેજના વ્યાખ્યાતા બની ગયા હતાં. અશોક જાટકીયા પણ તેની પસંદની જાહેર અભિવ્યક્તિ કરવાનું ન ચૂકતો. મને પણ ગમતી પરંતુ આપણે પરણેલા તેથી હાથ પગ બંધાયેલા. તેના પિતા ઉમાકાંતભાઈ ચોક્સી સચિવાલયમાં ડીસ્ટ્રીકટ ગેઝેટિયરમાં મદદનીશ નિયામક તરીકે નોકરી કરતાં. હું ૧૯૮૫માં IAS થયો પછી તેમને મળેલો. તેમની દીકરીના વડોદરા લગ્ન થયાં હતાં અને તે ત્યાં સુખી છે.
કોલેજના પ્રિન્સિપાલ એમ. સી. શાહ સાહેબ એકાઉન્ટન્સી ભણાવે તેથી અમારે પરિચય નહીં. કોલેજના વાર્ષિક કાર્યક્રમમાં સ્ટેજ પર બેઠા હોય તે સિવાય જોવાનો મોકો નહીં. IAS થયા પછી એકવાર તેમના મળવા ગયેલો પરંતુ તે મુલાકાત એક સામાન્ય મુલાકાત જ રહી.
અમારે લગ્ન નાની ઉંમરે થાય એટલે લગ્ન પછી એક એક વર્ષે એકાદ અઠવાડિયાના આણાં થાય. ત્રીજા વર્ષે ત્રીજા આણાંએ વહુ ઘર કરે. લક્ષ્મી પણ પરણી ત્યારે ૧૯૭૮માં ત્રણ દિવસ, ૧૯૭૯મા પહેલું આણું થયું ત્યારે એક અઠવાડિયું આવેલી. ૧૯૮૦ મારું TyBCom પૂરું થયું એટલે વેકેશનમા બીજું આણું થયું ત્યારે બે અઠવાડિયાં રોકાઈ. પછી તે જ વર્ષે દશેરાએ (૧૯ ઓક્ટોબર ૧૯૮૦) મારા બાપા ત્રીજું આણું કરી તેને તેડી લાવ્યા તે પછી તેની સાથેની મારા જીવન સફરનો એક નવો અધ્યાય શરૂ થયો.
૪ સપ્ટેમ્બર ૨૦૨૫
પ્રિય મિત્ર પુનમભાઇ
ReplyDeleteઆભાર યાદો તાજી કરવા બદલ.
મિત્રતા આજે પણ એટલી જ યાદ સભર અને સાતત્યપૂર્ણ રહી છે.
એમાં તમારા પક્ષે રહેલી મિત્રતા નિભાવવાની ખેવના વધુ છે.
એ ડી પટેલ.
Sir
ReplyDeleteI was also just one year behind your class from Fy to Ty . Most of the professors were quoting yr name as most brllliant student. I was much grown academically in Nav Gujarat and stood always 1 in all years .
Your struggle motivatesall the students today
Really Dear Poonamchand was very sincer & obidient honest student.. No matter from where he comes but He has achieve his goal.. Always presence in academic achievement. We remember all our Golden Days & it was memorable
ReplyDeleteWishing you HAPPY.. HEALTHY & SMILING DAYS FOREVER
ASHOK JATAKIYA
9429029080
Excellent rendition of your life story and the early period in college. Inspiring and at the same time interesting. 😊
ReplyDeleteExcellent rendition of your life story and the early period in college. Inspiring and at the same time interesting. 😊
ReplyDeleteફરી થી એ કૉલેજ ના મસ્તી ભર્યા અને જવાની ના ખૂબ જ સુંદર અને યાદગાર દિવસો ની યાદ અપાવી દીધી. પ્રભુકૃપાથી આપણા બધા જ મિત્રો તેમની ફેમિલી લાઈફ માં ખૂબ જ સુખી અને સમૃદ્ધ અને તંદુરસ્ત છે. આપણા પ્રિન્સિપાલ શ્રી ના શબ્દો આજે પણ યાદ આવે છે કે " કોલેજ ના આ ૪ વર્ષ મહેનત કરશો તો આખી જિંદગી મઝા કરશો અને જો અત્યારે મઝા કરશો તો આખી જિંદગી મહેનત કરવી પડશે.
ReplyDeleteખૂબ જ આનંદ થયો અને વ્યસ્ત હોવા છતાં આપનો આ બ્લોગ વારંવાર વાંચ્યો.
આભાર.