મારે મત્સ્યોદ્યોગ અને નવા મુખ્યમંત્રીનું આગમન
કચ્છ ભૂકંપ રાહતના કામથી પરત આવી હું મારી નવી કચેરી મત્સ્યોધોગ કમિશ્નરના કામમાં જોતરાયો. શાકાહારી કમિશ્નરને જોઈ અધિકારીઓ માછલાં પીરસવાની સેવા તો ન કરી શકે પરંતુ હજારો માછીમાર કુટુંબોની રોજગારી, જીડીપી વૃદ્ધિ અને વિદેશી હૂંડિયામણની કમાણીના સાધન તરીકે મત્સ્યોદ્યોગ વિકાસના કામે અમે લાગ્યા.
ગુજરાતનો દરિયા કિનારો દેશમાં સૌથી લાંબો અંદાજે ૨૫૪૧ કિલોમીટર. અરબી સમુદ્ર એટલે કવિ નર્મદ કેરો રત્નાકર સાગર. ગુજરાત અહીંથી વિશ્વના દરિયાઈ દેશો સાથે જોડાયેલું તેથી ગુજરાત પ્રદેશનો આંતરરાષ્ટ્રીય વિકાસ થયેલો. અહીંના બે તીર્થો સોમનાથ અને દ્વારકા ઐતિહાસિક અને હિંદુઓની આસ્થાના પવિત્ર ધામ. સોમનાથના મંદિર કિનારે દરિયા તરફનું તીર તો છેક દક્ષિણ ધ્રુવ સુધીના પાણીના પથને ઇંગિત કરતું. સાગરખેડુ પાર વગરના. ગાંધીજી હોય કે શામજી કૃષ્ણ વર્મા અરબી સમુદ્રની સફર કરી તેમણે તેમના અને મુલ્કના ભવિષ્ય બદલેલાં. ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બહાદુર શાહ પોર્ટુગીઝોના દગાથી દીવના દરિયામાં હણાયો અને ડૂબાણો. અહીંનો રામજીલાલ દરિયાલાલ ઝાંઝીબાર જઈ ગુલામોની ખેપ કરતો કરતો તેમનો મસીહા બનેલો. અહીંના દરિયામાં હાજી કાસમની પ્રખ્યાત વીજળી (પેસેન્જર જહાજ) માંગરોળનો દરિયાકિનારો સામો દેખાય અને ડૂબાણી. અહીંના કાંઠે કંડલા, મુંદ્રા, વેરાવળ, પોરબંદર, માંગરોળ જેવા બંદરો અને માંડવી, શિવરાજપુર, અહેમદપુર માંડવી, દીવ, દાંડી, તીથલ, ઉમરગામ વગેરે રમણીય દરિયા કિનારા. જખૌ, પોરબંદર, માંગરોળ, વેરાવળ, જાફરાબાદ, વલસાડ ઉમરગામની માછીમાર જેટીઓ અહીં માછીમારો અને માછલાંઓથી ઉભરાતી.
સૌરાષ્ટ્ર કાંઠાની પોમ્ફ્રેટ અને લોબસ્ટર જગ વિખ્યાત હતી.
વળી ધોલ, બુમલા, રીબન વગેરેનો પાર નહીં. જાફરાબાદમાં તો માછલાં એટલાં સૂકાય કે તેની જમીન માછલીના ખનીજ દ્રવ્યોથી અમીર થવાથી તેનો બાજરો સ્વાદમાં અનેરો પાકે જેને શાકાહારી સૌ હોંશે હોંશે માંગીને ખાય. તે વર્ષે જખૌ બંદરને કેન્દ્ર સરકારની પર્યાવરણીય મંજૂરી મેળવી EEZ (Exclusive Economic Zone) તરીકે વિકસાવવાની મહત્વની મંજૂરી મળી. મીઠા પાણીના માછલાંમાં રોહુ, કટલા અને મૃગલ વધુ પ્રચલિત અને કુદરતે કેવું ગોઠવ્યું કે તેઓ ત્રણેય પાણીના સ્તર બનાવી એકબીજા ઉપર વીતે રહે જેથી તેમની કોલોનીના વિકાસમાં કોઈ અગવડ ન રહે. અહીં નર્મદા નદીમાં દરિયાનું પાણી મીઠા પાણીમાં ભળે તેવા ભાંભરા પાણીમાં હિલ્સા મળે અને તેમાંય ભરૂચના ટાઈગર પ્રોન તો ઝીંગા ખાનારની મોટી ડેલીકસી. જોકે નર્મદા એવોર્ડની સમજૂતી અંતર્ગત સરદાર સરોવરમાંથી મત્સ્ય ઉત્પાદન લેવાનો હજી પ્રતિબંધ હતો. તે વર્ષે ઘર આંગણે જૈનોના દબાવમાં મુખ્યમંત્રી કેશુભાઈએ એક વર્ષ માટે ઈનલેન્ડ માછીમારી પર પ્રતિબંધ મૂકતાં તેથી ઈજારદારોને મફતમાં માલ મળ્યો.
દરિયાઈ માછલીના ઉત્પાદન સામે મીઠા પાણીની ઈન્લેન્ડ ફીશીંગ પણ મહત્વની. કુલ ઉત્પાદનમાં તેનો ફાળો લગભગ ૧૫ થી ૨૦ ટકા. આમ છતાં અમદાવાદ શહેરમાં આંધ્રની ટ્રકોમાં માછલાં રોજ ઉતરતા. તે દિવસોમાં મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાત એક નંબર પરંતુ મત્સ્ય પેદાશોના મૂલ્યમાં કેરાલા નંબર લઈ જાય. અહીંનું મોટું અચરજ એ કે આવડો લાંબો દરિયાકિનારો, માછલાંઓનો પાર નહીં છતાં બહુમતી પ્રજા અહીં શાકાહારી રહેવાનું પસંદ કરતી.
હું જુનાગઢ હતો ત્યારે પ્રભાસ પાટણ બાજુ જઈએ તો સામે મળતી સૂકાં માછલા ભરેલી ટ્રકો પસાર થાય તો તેની ગંધ ન સહન થતી અહીં તો હવે માછલાં અને માછીમારોના વિકાસનું કામ હાથ આવ્યું. મારી શાકાહારી યાત્રાની કસોટી આવી. ગાંધીજી યાદ આવ્યા. માછીમારો માટે મત્સ્ય પેદાશ તેમની ખેતી છે. આવા સમૃદ્ધ કાંઠે સામાન્ય માછીમારોની આર્થિક સ્થિતિ ગરીબ. તેમાં કેટલાક બોટ માલિકો થઈ વિકાસ પામેલા પરંતુ ખેત ઉત્પાદનની જેમ વધારે નફો તો વેપારીઓ ખાય. અમે મત્સ્ય ઉછેર અને માછીમાર કુટુંબોના વિકાસની યોજનાઓના અસરકારક અમલ અને ગેરરીતિઓના નિયંત્રણ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. ચોમાસામાં હવામાન ફેરફારો વચ્ચે કેટલાક માછીમારો દરિયો ખેડવાનું ચાલુ રાખે અને દરિયો ગાંડો થાય એટલે આફતમાં પડે અને મરણ થાય. અમે ચોમાસામાં માછીમારી પ્રતિબંધને અસરકારક બનાવ્યો અને તેની મુદત ૧૫ દિવસ વધુ લંબાવી. આમેય મત્સ્ય મેટીંગ અને બ્રિડીંગ ચોમાસામાં થાય તેથી પ્રતિબંધનો અમલ મત્સ્ય ઉત્પાદનના વધારામાં પરિણમતો.
એ વખતે મોટરથી ચાલતી ટ્રોલર બોટોને સરકાર વેચાણવેરા મુક્ત રાહત દરે ડીઝલ આપતી. IOCમાંથી ડીઝલ સીધું GFFC અને બીજી સહકારી મંડળીઓના ડીઝલ પંપો મારફત બોટધારકોને સસ્તુ ડીઝલ અપાતું. તે માટે રાશન કાર્ડની જેમ અમારી જિલ્લા કચેરીઓ ડીઝલ કાર્ડ આપતી. સબસિડી હોય એટલે ચોરીની ફરિયાદ રહેવાની. કેટલાક માછીમાર બોટ ધારકો ટ્રેલર્સની જોડે ટ્રકો ધરાવતા તેથી ટ્રેલરનું ડીઝલ ટ્રકોમાં વપરાવા લાગ્યું. ટ્રોલર હોય જ નહીં અને ભૂતિયા ડીઝલ કાર્ડથી ડીઝલ વગે થવાની ફરિયાદો જાણીતી હતી. મેં વિષય અભ્યાસ કર્યો. GFFCના પ્રમુખ સાથે ચર્ચા કરી આખું ઓપરેશન સમજ્યું. માંગરોળ, પોરબંદર, વેરાવળ પ્રવાસ કરી માછીમારોના પ્રતિનિધિઓને સાંભળ્યા અને ડીઝલ ચોરી રોકવા એક વ્યૂહરચના ઘડી કાઢી. ડીઝલ કાર્ડ પર સીધુ સબસીડાઈઝ્ડ ડીઝલ આપવાને બદલે અમે રીએમ્બર્સમેન્ટ સ્કીમ લાગુ કરી. બોટ ધારકોએ હવે પૂરા પૈસા ચૂકવી ડીઝલ ખરીદવાનું અને માસિક બીલ બનાવી જિલ્લા કચેરીએ રીએમ્બર્સમેન્ટ ક્લેઈમ કરવાના. અમે તેમના બોટ રજિસ્ટ્રેશન નંબર ચકાસવાનું શરૂ કરી દીધું અને તેને ક્લેઈમ સાથે જોડી દીધા. પરિણામે એક એક ટ્રોલર ઓળખાયા અને તેની ટ્રીપ ક્ષમતાને જોઈ ડીઝલ વપરાશ પર મોટું નિયંત્રણ આવ્યું જેને કારણે સરકારના કરોડો રૂપિયા બચ્યાં. ગેરરીતિ કરનારાઓએ શરૂઆતમાં હોબાળો મચાવ્યો પરંતુ અને મક્કમ રહ્યા અને મિંશન ગેરરીતિ નિવારણ પાર પાડ્યું. કલમના એક ગોદે અનિયમિતતાનો રાફડો તોડી પડાયો.
એ વખતે ભારત સરકાર મારફત ફ્રાંસની એક ફીશરીઝ કોઓપરેટિવ કોફપોસ દ્વારા ઇનલેન્ડ ફીશરીઝના વિકાસ માટે ગુજરાતમાં એક અને મહારાષ્ટ્રમાં એક એક યુનિટમાં ટેકનોલોજી ટ્રાન્સફર અને લોન સહાય સાધનોનો પ્રોજેક્ટ મંજૂર થયો. ગુજરાતમાં અંકલેશ્વર નજીક ઉમરવાડામાં એક ફીશ પોન્ડ પસંદ કરી હેચરી વિકાસનો પ્રોજેક્ટ શરૂ કર્યો. હેચરીમાં તંદુરસ્ત સીડ્સ વિકસાવી પછી તળાવોમાં છોડવાના. ટેકનોલોજી ટ્રાન્સફરને બહાને ફ્રાંસના અધિકારીઓનું પર્યટન શરૂ થયું અને ત્યાંથી આવેલા સાધનો અને ટેકનોલોજી સાથે ગુજરાતી બુદ્ધિનું મિસમેચ થતાં પ્રોજેક્ટ નિષ્ફળ ગયો. મને ઈતિહાસ યાદ આવ્યો. ૧૮મી સદીમાં ભારતીય બુદ્ધિ અંગ્રેજો સાથે મેચ કરી ગઈ અને ફ્રેન્ચ સાથે મીસમેચ તેથી અંગ્રેજોનું રાજ સ્થપાયું અને ફ્રેન્ચોએ જવું પડયું.
આપણો રત્નાકર સાગર મત્સ્ય પેદાશોથી ભરપૂર. તેમાંય જ્યાં ભારત અને પાકિસ્તાનની સરહદ ભેળી થાય ત્યાં તો પ્રોમ્ફ્રેટનો ભંડાર. એક ફેરો પાર પડે તો લાખોનો ફાયદો તેથી પકડાવાની બીક લાગે તો પણ અહીંના માછીમારો તે હદમાં પ્રવેશવાનું ન ભૂલતાં. તેમને રોકવા અને જાગૃત રાખવા અને વાયરલેસ સેટ ઉભા કર્યા. GPRS સાથે જોડ્યા. પરંતુ તેઓ જાય તો ખરાં. ન જાય તો પોમ્ફ્ર્ટનો ખજાનો અને દરિયાની લહેરો તેમને ખેંચી જાય. પકડાય એટલે પાકિસ્તાનની જેલોમાં છ મહિના કે બાર મહિના વિતાવવા પડે અને અહીં અમારે તેમના કુટુંબને ભરણપોષણ માટે કેશડોલ સહાયની વ્યવસ્થા કરવી પડે. પછી આપણે પણ પાકિસ્તાની માછીમારો પકડ્યા હોય તેથી બંને દેશનાં ડેલિગેશનો પરસ્પર આવે જાય અને એકબીજાના માછીમારો છોડાવી લાવે. હવે તો દરિયો એટલો લૂંટાયો છે કે કિલોમાં મળતી પોમ્ફ્રેટ માછલીઓ ગ્રામમાં આવી ગઈ અને લોબસ્ટર જીંગો ઘટવા કે અદૃશ્ય થવા લાગ્યો. ઉત્તરોત્તર દરિયામાંથી માછલી-ઝીંગા પકડવાનું ખર્ચ વધતાં માછીમારો હવે દરિયા કાંઠાની વેસ્ટ લેન્ડમાં ઝીંગા ઉછેર તરફ વળ્યા છે જેને કારણે આજે ઝીંગા ઉછેરમાં ગુજરાત દેશમાં અગ્રસ્થાન મેળવી રહ્યું છે. જો કે તે વર્ષોમાં મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે હતુ, આજે હવે બીજા ક્રમે છે.
માછીમારોને તે સમયે ૯૦% સહાયથી માછલી પકડવાની નાયલોન નેટ અપાતી. નળ સરોવરના માછીમારો તે નોટનો ઉપયોગ પક્ષીઓ પકડવા કરતાં હોવાનું ધ્યાને આવતાં અને તે સહાય તે વિસ્તારમાં બંધ કરી દીધી હતી. તે સાઈટને પછીથી ૨૦૧૨માં રામસર સાઈટ તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા મળેલી છે. એક લઈ બીજું આપ્યું. ત્યાંના નાના કઠેચી, રાણાગઢ, શાહપુર વગેરે ગામોમાં માછીમાર આવાસ યોજના અંતર્ગત આવાસો મંજૂર કરી તેમને યોજનાકીય લાભ પહોંચાડ્યા.
૨૦૦૧ના વર્ષમાં રાજ્ય તંત્ર જ્યારે ભૂકંપ રાહત અને પુનર્વસનના કામમાં જોતરાયુ હતું ત્યારે સ્વાભાવિક રીતે લોકો આવડી મોટી કુદરતી આપદાથી પીડાયા હોય તેથી સરકાર વિરુદ્ધ આક્રોશ રાખે. એવામાં સાબરમતી અને સાબરકાંઠા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી આવી. સત્તાપક્ષ તે બે બેઠકો હારતાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ વિરુદ્ધ તેમના પક્ષમાં ચાલતાં ગ્રુપને બળ મળ્યું. ૨૧ ધારાસભ્યોએ સહી કરી મુખ્યમંત્રી વિરુદ્ધ આવેદનપત્ર તૈયાર કરી હાઈકમાન્ડને મોકલ્યું. દિલ્હીમાં બેઠક થઈ. રજૂઆત કરનાર કેટલાકને મુખ્યમંત્રીની ખુરશી તેમની તરફ આવતી દેખાઈ તેથી બળુકા બન્યા. મુખ્યમંત્રીને ઠપકો આપી ઠારવાની બેઠક તેમને બદલવા તરફ આગળ વધી. હું નહીં તો તે નહીંની તકરારમાં એકવાર ફરી ૧૯૯૫ની જેમ કચ્છના એમએલએ તરફ ધ્યાન ગયું પરંતુ આ વખતે નામ સુરેશભાઈનું નહીં પરંતુ વિધાનસભાના સ્પીકર ધીરુભાઈ શાહનું હતું. પરંતુ ત્યાં આશ્ચર્ય સર્જાયું. હાઈકમાન્ડે નરેન્દ્રભાઈ મોદીને પસંદ કરી પ્રસ્તુત કર્યા. તે એક ઐતિહાસિક ઘડી હતી જેણે આગળ જઈ મોદી સાહેબ, ગુજરાત અને ભારત દેશનું ભાવિ પલટ્યું. તેઓ ટૂંકી બાંયનો ઝબ્બો, લેંઘો અને ચપ્પલ પહેરી ખભે એક લાંબો બગલથેલો ભરાવી સરકીટ હાઉસની રૂમ નં.૮માં પ્રવેશ્યા અને ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ શપથવિધિ ગ્રહણ કરી ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી બન્યાં. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય અને નાણામંત્રી વજુભાઈ વાળાએ તેમના માટે ધારાસભ્યની બેઠક ખાલી કરતાં ફેબ્રુઆરી ૨૦૦૨માં પેટા ચૂંટણી લડ્યા. તે વખતે ગુજરાતમાં બીજી બે પેટાચૂંટણી વડોદરા અને સુરતમાં લડાણી. ૨૪ ફેબ્રુઆરી ૨૦૦૨ ના રોજ પરિણામ આવ્યા તો બીજેપી માત્ર રાજકોટ જીત્યું.
નવા મુખ્યમંત્રી તો ખુરશી પર નવા હતા પરંતુ બીજેપી સંગઠન પાંખ પર ૧૯૮૬થી કાર્યરત હતાં. કેશુભાઈ પટેલની પહેલી સરકાર (૧૯૯૫)માં તેમની સરકારમાં હાજરીની ચર્ચા અધિકારી વર્ગમાં થતી. મેં તેમને પહેલીવાર ટીવી પર મધ્યપ્રદેશ વિધાનસભાની (૧૯૯૮)ની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરતાં જોયા હતાં. હું ત્યારે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી નિરીક્ષક તરીકે ફરજ પર હતો. બીજેપી ૧૯૯૩ની જેમ માત્ર ૧ ટકા વોટના માર્જિનથી ચૂંટણી હારી હતી પરંતુ જે પ્રકારે તેણે કોંગ્રેસના મુકાબલા માટે તેના સંગઠનની તાકાત મજબૂત કરી અને ચૂંટણી પ્રચારની અસરકારકતા વધારી તે મહત્વનું હતું. તે તાકાતથી બીજેપી પછી મધ્યપ્રદેશ વિધાનસભાની ૨૦૦૩, ૨૦૦૮, ૨૦૧૩, ૨૦૨૩ ચૂંટણીઓ અને લોકસભા સરળતાથી જીતતી રહી. તેમની સંગઠનાત્મક તાકાત અને ઈવેન્ટ મેનેજમેન્ટની કુશળતાના લાલકૃષ્ણ અડવાણીજી પણ વખાણ કરતાં. બીજાને સાંભળી તેમની બુદ્ધિને ગ્રહણ કરવાની તેમની ક્ષમતા અદ્ભુત હતી.
તેમની રાજકોટ ધારાસભાની પેટાચૂંટણી વખતે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હતી. ચૂંટણી પંચે મને બાગપત વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી નિરીક્ષક તરીકે ફરજ સોંપી હતી તેથી હું યુપી ક્ષેત્રમાં હતો. ત્યાંના સમાચાર પત્રોમાં ગુજરાતથી આવેલા કારસેવકોની ક્યાંક ટચુકડી નોંધ સિવાય વિશેષ ચર્ચા ન હતી. ૨૪મી ફેબ્રુઆરીના રોજ ઘોષિત થયેલ યુપી ચૂંટણીના પરિણામો માયાવતીના પક્ષે આવ્યા અને કારસેવકો ૨૫ એપ્રિલે લખનૌથી સાબરમતી ટ્રેનમાં બેસી જય શ્રી રામના નારા સાથે વતન પરત આવવા રવાના થયા. ૨૬ એપ્રિલની તે રાતે ટ્રેન મોડી ચાલી રહી હતી. ૨૭ એપ્રિલ વહેલી સવારે ગુજરાત પહોંચી જેવી દાહોદ સ્ટેશને ઉભી રહી તો પ્લેટફોર્મ પર કહેવાય છે કે ચાની એક લારીના વેન્ડર અને કેટલાક પેસેન્જર વચ્ચે થોડી ચણભણ થઈ. ત્યાંથી ઉપડી ટ્રેન સવારે પોણા આઠે ગોધરા પહોંચી ઉભી રહી. ફરી પાછી પ્લેટફોર્મ પર કોઈ માથાકૂટ થઈ. વાતાવરણ ગરમાયું અને ટ્રેને પ્લેટફોર્મ છોડ્યું પરંતુ સિગ્નલ ફળિયે કોઈકે ચેઈન પુલિંગ કરતાં ટ્રેનના છેલ્લા ડબે હજી પ્લેટફોર્મનો છેડો છોડ્યો હતો અને ઉભી રહી. બાજુના ફળિયાથી પથરાવ શરૂ થયો અને થોડીક વારમાં S-6 ડબામાં આગ લાગી ગઈ. ૨૭ મહિલા, ૧૦ બાળકો, ૨૨ પુરૂષો મળી કુલ ૫૯ મુસાફરો ભડથું થઈ ગયા અને ૪૮ ઘવાયા. ગુજરાત આખું કંપી ઉઠ્યું. તે દિવસ આખો ભારેલા અગ્નિની જેમ પસાર થયો અને ૨૮ ફેબ્રુઆરીએ બદલાની આગમાં રાજ્યમાં કોમી રમખાણો ભભૂકી ઉઠ્યા. VHP દ્વારા ગુજરાત બંધનું એલાન થયું અને તેને ટેકો મળ્યો. તોફાનો ફેલાયા અને ૨૭ શહેરો/નગરોમાં કર્ફ્યૂ લાગ્યો. આર્મી બોલાવી પરંતુ તોફાનોના પહેલાં ત્રણ દિવસોમાં ઘણું તબાહ થયું. તોફાનોમાં વિસ્થાપિત થયેલાં લોકો માટે રાહત કેમ્પો ખોલાયા. મે ૨૦૦૨ સુધી જઈ ગુજરાત શાંત પડ્યું. રમખાણોએ ૧૦૪૪ માનવોનો ભોગ લીધો, ૨૨૩ લાપત્તા ગણાયા. ૨૫૦૦ જેટલાં ઘાયલ થયાં અને માલસામાન, ઘરો, ઈમારતોનું નુકસાન કરોડોમાં થયું.
હું ઉત્તર પ્રદેશની ચૂંટણી ફરજ પરથી પાછો ફર્યો. લક્ષ્મી પિતાજીના દાણીલીમડા અમદાવાદના મકાને નાનકડુ રીપેરીંગ કરાવવા ગઈ હતી. મેં ૨૮ ફેબ્રુઆરીના દિવસે પરિસ્થિતિની ગંભીરતા જોઈ. દાણીલીમડા વિસ્તાર જે જમાલપુર અને શાહઆલમની વચ્ચે આવેલો તેથી તેની સંવેદનશીલતા વધારે. હું લક્ષમીને લેવાં અમદાવાદ ભાગ્યો. અમે એ ટોળાઓ, તેમના તોફાનો અને પોલીસ ફોર્સનું રીએક્સન બધું નજરોનજર જોયું અને ચૂપચાપ ગાંધીનગર ભેગા થઈ ગયા. અમારે તે સમયે ઉજ્જવલ વલ્લભવિદ્યાનગર અને ધવલ નડિયાદ અક્ષર પુરૂષોત્તમ છાત્રાલયમાં રહી કોલેજ શિક્ષણ ભણે. અમે તેમને ત્યાં જ રોકી દીધા અને ત્રણ મહિના પછી છેક જૂનમાં ગાંધીનગર ઘેર આવવાની છૂટ આપી.
૧૦મી ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ ફેબ્રુઆરી ૧૯૯૮માં થયેલી અને કેશુભાઈ પટેલની સરકાર ૪ માર્ચ ૧૯૯૮ના રોજ બનેલ તેથી વિધાનસભાની મુદત ફેબ્રુઆરી-માર્ચ ૨૦૦૩માં પૂરી થતી હતી. પરંતુ સરકારે રાજીનામું આપ્યું અને જૂન-જુલાઈ ૨૦૦૨માં ચૂંટણીઓ યોજાય તે માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ. તે વખતે દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર જેમ્સ માઈકલ લિંગદોહ ચૂંટણીની તારીખ નક્કી કરવાના વિવાદના ઘેરામાં આવ્યા પરંતુ તેઓ ચૂંટણી ડિસેમ્બર ૨૦૦૨માં કરાવવા મક્કમ રહ્યા. સત્તા પક્ષને પ્રચાર માટે વધારાના છ મહિના મળ્યા. ત્યાં સપ્ટેમ્બર ૨૪, ૨૦૦૨ અક્ષરધામ આતંકવાદી હુમલામાં ૩૧ નિર્દોષ લોકો માર્યા ગયા. સંતો અને સ્વયંસેવકોએ મુખ્ય મંદિર અને પ્રદર્શન હોલોના દરવાજા બંધ કરી દીધા જ હતાં પરંતુ એક
પ્રદર્શન હોલના દરવાજાને અઢેલી ઊભેલી એક મહિલાએ પેનિકમાં મને બહુ ગભરામણ થાય છે એવી બહુ મોટેથી ચીસો પાડતાં દરવાજો જરૂર ખોલ્યો ત્યાં બહાર જ ઉભેલા ત્રાસવાદીઓએ ૩૧ ઈસમોને ગોળીઓથી વીંધી દીધા અને બીજા ઘાયલ કર્યા. પોલીસ આવી, કમાન્ડો આવ્યા અને એન્કાઉન્ટરમાં બે ત્રાસવાદી પણ માર્યા ગયા. હવે ચૂંટણીના પરિણામો દિવાલ પર લખાઈ ગયા હતાં. મોદી સાહેબની આગેવાનીમાં બીજેપી ૧૨૭/૧૮૨ બેઠકો જીતી વિજયી બની. આ વિજય રથ હવે કોઈથી રોકાવાનો નહોતો.
મત્સ્યોદ્યોગ કમિશ્નર તરીકેની મારી કામગીરીની ભારત સરકારમાં નોંધ લેવાણી. JICA અંતર્ગત ત્રણ અઠવાડિયાની તાલીમ માટે કૃષિ મંત્રાલયે મારી પસંદગી કરી. બે પૈકી એકની પસંદગી વખતે PMOમાંથી અશોક સાઈકિયા સાહેબ મદદે આવ્યા અને મારા નામ પર મહોર મરાવી. પરંતુ હજી હું તાલીમ માટે જાઉં ત્યાં મોટી ઘટનાઓના એ વર્ષમાં મારી બદલી થઈ. મારે જાપાન જવાનું અને સરકારે મને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે નિમણૂક આપી એક સીમાચિહ્નરૂપ કામ કરવાની તક ઊભી કરી. મેં મુખ્યમંત્રી મોદી સાહેબને એક વર્ષ પૂરા થયાની તારીખે (૭ ઓક્ટોબર ૨૦૦૨) ગુજરાત એસટીનો ચાર્જ સંભાળ્યો.
Keep it up bro. Your lucid narration offers analytical insights in the contemporary political and admin scenario.
ReplyDelete